નગરપાલિકાની નિષ્ઠાના અભાવ વચ્ચે, ખંભાળિયામાં પોલીસની નોંધપાત્ર કામગીરી

  • January 09, 2025 10:00 AM 

રસ્તા પર અડચણરૂપ રેંકડી-પથારાવાળાઓને દૂર કરાયા


ખંભાળિયા શહેરના હાર્દ સમાન મેઈન બજારથી નગર ગેઈટ વિસ્તારમાં નગરજનો તેમજ વાહન ચાલકોના શિરદર્દ સમાન રેંકડીઓ તથા પથારાવાળાના ડેરા- તંબુ અંગે નગરપાલિકાની દબાણ હટાવવાની નિષ્ઠાના અભાવ વચ્ચે આજરોજ ટ્રાફિક પોલીસે નોંધપાત્ર કામગીરી કરી અને આવા તત્વોને દૂર કરાતા ખાસ કરીને વેપારીઓ તેમજ વાહન ચાલકોએ રાહતનો દમ ખેંચ્યો છે.


ખંભાળિયા શહેર એ આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો માટે ખરીદીનું હબ છે. ત્યારે શહેરની મધ્યમાં નગર ગેઈટથી મેઈન બજાર સુધીના રસ્તામાં મોટી સંખ્યામાં રેંકડીઓવાળા અડચણરૂપ રીતે ઉભા રહે છે. આટલું જ નહીં. શહેરની શાન સમાન ગાંધી ચોક- મેઈન બજારમાં રહેલા પાર્કિંગમાં આડેધડ ઉભી રહેતી રેંકડીઓ તેમજ કેબીનોના કારણે ગ્રામ્ય જનતા પોતાના વાહનો પાર્ક કરી શકતી નથી. આ વિસ્તારમાં પેધી ગયેલા રેંકડીઓવાળાઓ તો લોકોને તેમજ વાહનચાલકોને દાદ દેતા નથી.


આ કાયમી ત્રાસના ગંભીર મુદ્દે વેપારીઓ દ્વારા નગરપાલિકા તંત્રને લેખિત પત્ર દ્વારા યોગ્ય કરવા અનુરોધ કરાતા જાણે નગરપાલિકામાં કામ કરવાની નિષ્ઠાની અભાવ હોય કેમ ચલક-ચલાણા જેવા જવાબો આપી અને પોતાની ફરજ પ્રત્યેથી જાણે મોં ફેરવી લેવામાં આવ્યું હોય તેઓ જોવા મળી રહ્યું છે. જે મુદ્દે આગેવાનો તેમજ પાલિકા સત્તાધીશો સામે પણ વેપારીઓમાં રોષની લાગણી જોવા મળી રહી છે.


આ ગંભીર મુદ્દે વેપારીઓ દ્વારા પોલીસ તંત્રને રજૂઆત કરવામાં આવતા આજરોજ અહીંના જિલ્લા ટ્રાફિક પી.એસ.આઈ. વી.એમ. સોલંકી તેમજ તેમની ટીમ દ્વારા સઘન કાર્યવાહી કરી અને નગર ગેઈટથી મેઈન બજાર વચ્ચે આડેધડ ઊભા રહેતા રેંકડીઓ તેમજ પથારાવારાઓને દૂર કરાયા હતા. આટલું જ નહીં દંડનીય કાર્યવાહી પણ હાથ ધરવામાં આવતા વેપારીઓએ પોલીસની આ કામગીરીને બિરદાવી હતી.


નગરપાલિકાએ તેમની જવાબદારીમાંથી મોં ફેરવી લેતા પોલીસ દ્વારા કરવામાં આવેલી આ કામગીરીની લોકોએ સરાહના કરી અને પોલીસ દ્વારા આ પકડ કાયમી બની રહે તેવી પણ વેપારીઓ સાથે નગરજનોની માંગ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application