11 પાકિસ્તાની નાગરિકોએ પણ કર્યું રક્તદાન: જામનગરના બાબુભાઈ લાલ ટ્રસ્ટનો પણ સહયોગ સાંપળ્યો
દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા તેમજ યાત્રાધામ દ્વારકામાં જિલ્લા પોલીસ દ્વારા શનિવારે મહારક્તદાન કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઐતિહાસિક કહી શકાય તેટલી 2651 બોટલ રક્ત એકત્ર થયું હતું. ત્યારે આ સેવા પ્રવૃત્તિથી ખંભાળિયા જામનગરની હોસ્પિટલમાં નોંધપાત્ર માત્રામાં રક્તનો પુરવઠો એકત્ર બની રહેતા રાહતની લાગણી જોવા મળી હતી. આ કેમ્પમાં ખંભાળિયામાંથી 1503 અને દ્વારકામાંથી 1148 યુનિટ રક્ત જમા થયું હતું.
દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય દ્વારા પ્રજાલક્ષી અભિગમ સાથે વધુ એક સામાજિક સેવાકીય પ્રવૃત્તિના ભાગરૂપે શનિવાર તા. 5 ના રોજ ખંભાળિયાના ટાઉનહોલ ખાતે તેમજ દ્વારકામાં સનાતન આશ્રમ ખાતે રક્તદાન કેમ્પનું સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું હતું. ખાસ કરીને થેલેસેમિયાગ્રસ્ત દર્દીઓ તેમજ અહીંની હોસ્પિટલોમાં આવતા દર્દીઓ માટે રક્તનો પુરવઠો જળવાઈ રહે તે હેતુથી યોજવામાં આવેલા આ રક્તદાન કેમ્પમાં સવારથી જ મોટી સંખ્યામાં રક્તદાતાઓ સ્વૈચ્છિક રીતે અને હોંશભેર ઉમટી પડ્યા હતા.
- વિવિધ સંસ્થાઓનો સહયોગ -
રક્તદાન મારફતે સમાજ ઉપયોગી અભિગમને સાર્થક કરવા તેમજ માનવસેવાના પ્રયત્નના ભાગરૂપે રાજકોટ રેન્જ આઈ.જી. અશોકકુમાર યાદવ તથા અહીંના જિલ્લા પોલીસ અધિક્ષક નિતેશ પાંડેયના સીધા માર્ગદર્શન હેઠળ અનુભવી ડો. લક્ષ્મણ કનારા, ડો. પ્રકાશ ચાંડેગરા, ડો. અનુજા તેરાપલ્લી, ડો. નલીન સુમેસરાના વડપણ હેઠળ રક્તદાનની આ તમામ વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી. આ કેમ્પ માટે જામનગરના જાણીતા સેવાભાવી શ્રી હરીદાસ જીવણદાસ લાલ (બાબુભાઈ લાલ) ચેરીટેબલ ટ્રસ્ટ અને કેદાર લાલ ફાઉન્ડેશનનો પણ નોંધપાત્ર સહયોગ સાંપડ્યો હતો.
- 2651 યુનિટ રક્ત એકત્ર: ડોક્ટર, સ્ટાફની ટીમ ખડેપગે -
આ મહા રક્તદાન કેમ્પમાં રક્તદાતાઓના નોંધપાત્ર પ્રતિસાદથી ખંભાળિયાના કેમ્પમાં 1503 યુનિટ રક્ત અને દ્વારકા ખાતેના કેમ્પમાંથી 1148 યુનિટ રક્ત મળી ભગવાન શ્રીકૃષ્ણના દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી કુલ 2651 યુનિટ બ્લડ એકત્રિત થવા પામ્યું છે. આ રક્તદાન કેમ્પમાં ખંભાળિયા તેમજ દ્વારકા ખાતેના કેમ્પોમાં ખંભાળિયા, જામનગર તથા અમદાવાદની કુલ 3 જનરલ હોસ્પીટલ તથા 4 બ્લડ બેંકોના 11 ડોકટરની કુલ 8 ટીમો કાર્યરત રહી હતી. જેમાં અનુભવી ડોકટર્સ મળી કુલ 126 જેટલા મેડીકલ સ્ટાફે સતત ખડેપગે રહી અવિરતપણે પોતાની સેવાઓ પુરી પાડી હતી.
- જિલ્લાના પોલીસ અધિકારીઓની ટીમની જહેમત નોંધપાત્ર -
આ સમગ્ર આયોજન માટે ખંભાળિયા વિભાગના ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિ, દ્વારકાના ડીવાયએસપી સાગર રાઠોડ, અને વિસ્મય માનસેતા સાથે એલસીબી પી.આઈ. કે.કે.ગોહિલ, એસઓજી પી.આઈ. પી.સી.સીંગરખીયા, ખંભાળિયાના પી.આઈ બી.જે. સરવૈયા, દ્વારકાના પી.આઈ. ડી.પી. ભટ્ટ, કલ્યાણપુરના પીએસઆઈ યુ.બી. અખેડ દ્વારા નોંધપાત્ર જહેમત ઉઠાવવામાં આવી હતી. જેના ફળ સ્વરૂપે સમાજના વિવિધ વર્ગ,ધર્મ, જાતિના પુરૂષ, મહીલાઓ સહિત જિલ્લાના પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ, હોમગાર્ડઝ, જી.આર.ડી., ટી.આર.બી.ના જવાનો તથા નેવી, બી.એસ.એફ., કોસ્ટગાર્ડ, એમ.ટી.એફ. ફોર્સના જવાનો તથા બિનસરકારી સંસ્થાઓ, હોટલ એસોસિએશન, ધાર્મિક સંસ્થાઓ સાથે સંકળાયેલ સંતો-મહંતો, દ્વારકાધીશ મંદીરે આવેલા દર્શનાર્થીઓ વિગેરે આ માનવસેવારૂપી મહા રકતદાન કેમ્પમાં સ્વૈચ્છિક રીતે જોડાયા હતા.
- પાકિસ્તાનથી આવેલા શ્રદ્ધાળુઓએ કર્યું રક્તદાન -
મહત્વની બાબત તો એ છે કે શનિવારે પાકિસ્તાનથી દ્વારકા દર્શનાર્થે આવેલા પૈકીના 11 શ્રદ્ધાળુ લોકોને આ રક્તદાન કેમ્પની માહિતી મળતા તેઓએ દ્વારકાના મેગા રકતદાન કેમ્પની મુલાકાત લઇ પોતાની સ્વેચ્છાએ રકતદાન કરી ધન્યતાની અનુભૂતિ કરી હતી.
- રક્તદાતાઓ, સેવાભાવીઓનો આભાર વ્યક્ત કરતા એસ.પી -
આ મહા રક્તદાન કેમ્પમાં સહભાગી થનાર તમામ રક્તદાતાઓના યોગદાન અને આ સમાજ ઉપયોગી સેવા પ્રવૃત્તિમાં સહભાગી થનારા રક્તદાતાઓ સહિત તમામ લોકોનો જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય દ્વારા આભાર વ્યકત કરી તમામ રક્તદાતાઓને પ્રમાણપત્ર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. આમ, દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ તરફથી યોજવામાં આવેલ સમાજસેવાના ઉમદા કાર્યને મહાનુભાવો, અલગ અલગ સમાજના આગેવાનો, સરકારી- બિન સરકારી સંસ્થાઓ તેમજ વિવિધ સમાજના લોકો આવકારવામાં આવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજમ્મુ એરપોર્ટ પર હુમલો કરવાનો નિષ્ફળ પ્રયાસ, ભારતના S-400 એ 8 મિસાઇલો તોડી પાડી
May 08, 2025 09:05 PMજસ્ટિસ વર્માનો રાજીનામું આપવાનો ઇનકાર, CJIએ રાષ્ટ્રપતિ અને PMને તપાસ રિપોર્ટ મોકલ્યો
May 08, 2025 08:34 PMજામનગર જિલ્લાના લાલપુરમાં કમોસમી વરસાદ
May 08, 2025 06:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech