મોરબી, ભાવનગર, જામનગર સહિત ૮ મથકોની કોર્ટમાં વકીલો માટે અલાયદી બેઠક વ્યવસ્થા બનાવાશે

  • April 03, 2025 11:09 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતની કુલ ૮ જિલ્લાની કોર્ટના પરિસરમાં વકીલોને બેસવા માટે અલાયદી બેઠક વ્યવસ્થા બનાવવામાં આવશે. આ બિલ્ડિંગના બાંધકામ માટે કુલ રૂ. ૮૨ કરોડની વહીવટી મંજૂરી આપવામાં આવી છે.

મંત્રીએ કહ્યું કે, ગુજરાતમાં વકીલાત કરતા વકીલોની સતત ચિંતા રાજ્ય સરકાર કરી રહી છે. આગામી સમયમાં રાજ્ય સરકાર દ્વારા વકીલ મિત્રો માટે કોર્ટ પરિષદમાં એક અલાયદી બેઠક વ્યવસ્થા કરવામાં આવશે.

જે અંતર્ગત જામનગરમાં રૂ. ૩૨.૪૦ કરોડ મંજૂર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ગાંધીનગરમાં રૂ. ૭.૨૦ કરોડ, ભાવનગરમાં રૂ. ૧૪.૪૩કરોડ, મોરબીમાં રૂ. ૭.૭૮ કરોડ, મહિસાગર-લુણાવાડામાં રૂ. ૧.૫૪ કરોડ, નડિયાદ- ખેડામાં રૂ. ૯.૮૨ કરોડ, આણંદ-બોરસદમાં રૂ. ૩.૨૩ કરોડ તથા છોટા ઉદેપુરમાં રૂ. ૫.૬૦ કરોડ મંજૂર કરવામાં આવ્યા છે.

રાજકોટમાં વકીલો માટે ગ્રાઉન્ડ ફ્લોર + ચાર માળનું કામ અટકેલું પડ્યું છે

રાજકોટમાં નવા કોર્ટ બિલ્ડિંગ પાસે વકીલો માટે અલાયદા બિલ્ડિંગની તત્કાલીન બાર પ્રમુખ લલિતસિંહ શાહીની રજૂઆતના અનુસંધાને રૂપિયા 3.75 કરોડના ખર્ચે ગ્રાઉન્ડ ફ્લોર + ફર્સ્ટ ફ્લોર બિલ્ડિંગ મંજૂર થયું હતું. ત્યારબાદ બિલ્ડિંગમાં કોન્ફરન્સ હોલ સહિતની અનુસંગીક સગવડોની ત્યાર પછીના બાર પ્રમુખ બકુલભાઈ રાજાણી અને ઉપપ્રમુખ સુરેશભાઈ ફળદુ દ્વારા રજૂઆત કરાતા સરકાર દ્વારા ગ્રાઉન્ડ ફ્લોર + ૪ ચાર માળનું બિલ્ડિંગ મંજુર થઈ ગયું હતું, પરંતુ વધારાના નાણા ફાળવવામાં આવ્યા નથી, તેથી કામ શરૂ થયું નથી. વકીલોના આ કોર્ટ બિલ્ડિંગ માટે જે તે વખતના યુનિટ જ્જ આશુતોષ શાસ્ત્રી સહિતના હાઇકોર્ટના પાંચ જસ્ટીસની હાજરીમાં ખાતમુહૂર્ત - ભૂમિ પૂજન થયું હતું. પરંતુ નાણાં નહીં ફાળવ્યા હોવાને કારણે આ કામ અટકેલું પડ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application