સૌરાષ્ટ્રની ઊંચામાં ઊંચી ઐતિહાસિક ઈમારત ભૂજિયા કોઠાની કામગીરી પૂર્ણતાના આરે

  • August 11, 2023 12:53 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રુા.ર૩.૪૧ કરોડના ખર્ચે બનેલા ભૂજિયા કોઠાનું નિર્માણ ૧૮પરમાં કરાયું હતું: ર૦૦૧માં ભૂકંપ આવ્યા બાદ ભૂજિયો કોઠો ધ્વંશ થયો હતો: ડિસેમ્બરમાં વડાપ્રધાન મોદીને ઉદ્ઘાટન માટે લાવવા પ્રયાસો શરુ

રાજાશાહી વખતમાં જામનગર જ નહીં, સમગ્ર સૌરાષ્ટ્રમાં અનેક એવી ઐતિહાસિક ઈમારતો બની છે કે એવી ઈમારતો હવે બનશે કે કેમ? તે પણ સવાલ છે! ૧૮પરની સાલમાં જામ રણમલ (બીજા)ના કાર્યકાળમાં આ ભૂજિયા કોઠાનું નિર્માણ કરાયું હતું. ૧૯૩૯થી ૧૮પર સુધી ભૂજિયાનું કામ ચાલ્યું અને ભારત સરકારે ૧૯૬૬માં આ ઈમારતને પ્રોટેકટ મૉન્યુમેન્ટ તરીકે જાહેર કરી હતી. સૌરાષ્ટ્રની આ સૌથી ઊંચી ઐતિહાસિક ઈમારત ર૦૦૧માં આવેલા ભૂકંપમાં ધ્વંશ થઈ ગઈ હતી. ભૂજિયો કોઠો પાછો બનશે કે કેમ? તે અંગે પ્રશ્ર્નાર્થો પણ થયાં હતાં. આખરે પહેલાંના જેવો જ નમૂનેદાર ભૂજિયો કોઠો બનાવવા માટે રુા.ર૩.૪૧ કરોડનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું અને આ કામ અક્ષર શિલ્પને સોંપાયું હતું, આજે ૯૬ ટકા ભૂજિયાની કામગીરી પૂરી થઈ ચૂકી છે અને લગભગ ડિસેમ્બરમાં જો વડાપ્રધાન મોદી સહમતી આપે તો તેમના હસ્તે આ નવી ઈમારતનું ઉદ્ઘાટન કરવામાં આવે તેવા પ્રયાસો થઈ રહ્યાં છે.
ભૂજિયો ધ્વંજ થયાં બાદ એ વખતના સિટી ઈજનેર શૈલેષ જોશી, હાલના ડીએમસી ભાવેશ જાનીએ અથાગ પ્રયત્નો કરીને આ ભૂજિયો કોઠો પહેલાં જેવો જ બને તે માટે પ્રયાસો કર્યા હતાં. એટલું જ નહીં, ઈમારતના બાંધકામને મૂળ સ્વરુપમાં લાવવા અને આગળના સી ટાઈપના સ્ટ્રકચરને બનાવવા તેમજ ૧૧ દુકાનો હટાવવી આવશ્યક હતી ત્યારબાદ કોર્ટ મેટર પણ બની, આખરે ૭ દુકાનધારકોને ગૉલ્ડન સિટિ ઍરિયામાં દુકાનો આપીને આ કામ પૂરુ કરાયું. હાલમાં પ્રોજેકટ પ્લાનિંગ શાખાના નાયબ કાર્યપાલક ઈજનેર રાજીવ જાની અને તેમની ટીમ ઝડપી આ કામ પુરુ થાય તે માટે પ્રયાસો કરી રહી છે.
તાજેતરમાં મ્યુનિ. કમિશનર ડી.એન. મોદી અને ડીએમસી ભાવેશ જાનીએ ભૂજિયા કોઠાની મુલાકાત લીધી હતી અને કેટલીક સૂચનાઓ પણ આપી હતી. લગભગ ૧૭૦ વર્ષ જૂની અને ૧૦૦ ફૂટ ઊંચાઈ ધરાવતી સૌરાષ્ટ્રની આ એક માત્ર ઊંચી ઈમારત છે. ખંભાળિયા દરવાજા અને લાખોટા કોઠાને જોડતી હેરીટેજ સાંકળ રુપી આ કડી બની છે. ૩ માળનું રિ-પ્રોડકશન વર્ક તેમજ સી આકારના ભાગનું રિ-પ્રોડકશન વર્ક લગભગ ૯૬ ટા પૂર્ણ થઈ ગયું છે. ભૂજિયા કોઠા સ્થાપત્યને ફોલ્ટ વૉલ્ટ પર ખંભાળિયા ગેઈટ તરફથી આવતી વૉલ સાથે જોડવા રિ-પ્રોડકશન વર્ક કરાયું છે અને બીજા માળે આકર્ષક ગૅલેરી બનાવવામાં આવશે.
ભૂજિયાની તમામ બારી-દરવાજા તેમજ નાશ પામેલ રાઉન્ડ ગૅલેરીનું રિ-પ્રોડકશન વર્ક અને ક્ધસોલિડેશન વર્ક કરાયું છે તેમજ હયાત સ્ટોન સ્ટેરનું રિસ્ટોરેશન વર્ક તેમજ તમામ લાકડાંની છતનું રિપેરીંગ કરી દેવામાં આવ્યું છે. બીજા માળ અને તેને જોડતી સીડી, પ્રથમ માળ પર આવેલ મૂર્તિ તેમજ ઈલેક્ટ્રિફીકેશન કેમ્બલિંગ, લાઈટીંગ, સીસી ટીવી કેમેરા, સાઉન્ડ સિસ્ટમ અને ઈન્ટરકોમ બનાવવામાં આવ્યું છે.
આ ઉપરાંત નવી સુવિધામાં ટોઈલેટ બ્લૉક, હયાત ફલોરિંગનું ડીસ્મેન્ટલિંગ કામ તેમજ ફલોરિંગને લાઈમ સ્ટોન અને ફલોરિંગ કરવાનું કામ ઉપરાંત સ્થાપત્યમાં ઉગી નીકળેલ તમામ વાસને દૂર કરાયા છે. છેલ્લા માળ ઉપર હૅલિમોગ્રાફી ડિસ્પ્લે મૂકાયું છે, હવે ભૂજિયાની કાનૂની અડચણ દૂર છે ત્યારે ઝડપથી લોકો માટે ખૂલ્લો મૂકવામાં આવશે.
**
ભૂજિયો કોઠો પ્રવાસન સ્થળ બની રહેશે
સૌરાષ્ટ્રની ઊંચામાં ઊંચી ગણાતી ઐતિહાસિક ઈમારત ર૦૦૧માં ધ્વંશ થયાં બાદ તેને બે વર્ષમાં આકર્ષક બનાવવામાં આવી છે, જામનગરમાં અનેક સ્થળો જોવા લાયક છે ત્યારે ભૂજિયા કોઠાનું નવીનીકરણ કરી દેવામાં આવ્યું છે. આ અગાઉ ખંભાળિયા ગેઈટને પણ આકાર્ષક બનાવાયો છે ત્યારે હાલમાં આ કામને આખરી ઓપ આપવામાં મ્યુનિ. કમિશનર દિનેશ મોદીની આગેવાની હેઠળ ડીએમસી ભાવેશ જાની અને નાયબ કાર્યપાલક રાજીવ જાનીની ટીમ પ્રયત્નો કરી રહી છે.
**
ડીસેમ્બરમાં ભૂજિયો કોઠો ખૂલ્લો મૂકાશે: વડાપ્રધાન મોદીને લાવવા પ્રયાસો
જામનગરમાં ઐતિહાસિક ભૂજિયા કોઠાની ઈમારતનું કામ ૯૬ ટકા પૂર્ણ થઈ ગયું છે અને હવે ડિસેમ્બરની શરુઆતમાં જ આ ભૂજિયા કોઠાને લોકો માટે ખૂલ્લો મૂકી દેવામાં આવશે, પરંતુ જો શક્ય હોય તો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને પણ આ ભૂજિયો કોઠો ખૂલ્લો મૂકવા માટે આમંત્રણ આપવામાં આવનાર હોવાની વિગતો બહાર આવી છે ત્યારે જામનગર જ નહીં ગુજરાતના લોકો માટે ભૂજિયો કોઠો નવલું નજરાણું બની રહેશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application