અમરેલી લેટરકાંડમાં સંઘાણીએ CMને પત્ર લખ્યો, સમગ્ર પ્રકરણમાં હાઈકોર્ટ જજની તપાસની માગ કરી, પોતાના નાર્કો ટેસ્ટની તૈયારી દાખવી

  • February 03, 2025 03:34 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમરેલી લેટરકાંડ મામલે આજે નવો વળાંક આવ્યો છે. ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે. સમગ્ર પ્રકરણની હાઈકોર્ટના નિવૃત્ત જજ દ્વારા તપાસની માંગણી કરી છે. એટલું જ નહીં, આ લેટરકાંડમાં તેમને સંડોવવા પોલીસે વઘાસિયાને માર મરાયાનું આરોપીએ કહેતા તેમણે પોતાના નાર્કો ટેસ્ટની તૈયારી બતાવી છે. કોંગ્રેસના નેતા અને પૂર્વ ધારાસભ્ય પરેશ ધાનાણીએ આ લેટર મૂકી કવિતા લખીને તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ એક્સ પર પોસ્ટ કરી છે, જેથી સ્થાનિક રાજકારણ ગરમાયું છે.

દિલીપ સંઘાણીએ પોતાના પત્રમાં જણાવ્યું છે કે, તેઓ પોતે નાર્કો ટેસ્ટ માટે તૈયાર છે અને સાથે જ ફરિયાદી તેમજ અન્ય 4 આરોપીઓના પણ નાર્કો ટેસ્ટ થવા જોઈએ, જેથી સત્ય બહાર આવી શકે. તેમણે આ કેસમાં પોલીસની કાર્યવાહી સામે પણ પ્રશ્નો ઉઠાવ્યા છે અને જણાવ્યું છે કે, કોઈ સામાન્ય વ્યક્તિના ઇશારે પોલીસ આવું કૃત્ય ન કરી શકે. સમગ્ર પ્રકરણની ગંભીરતાને ધ્યાનમાં રાખીને દિલીપ સંઘાણીએ હાઈકોર્ટના સિટિંગ અથવા નિવૃત્ત જજ દ્વારા તપાસની માંગણી કરી છે, જેથી સત્ય બહાર આવી શકે.


સંઘાણીના લેટરને ટેગ કરીને ધાનાણીની કવિતા
#નારી_સ્વાભિમાન_આંદોલન સાથે અમરેલીની આબરું બચાવોના મથાળા વાળી કોંગ્રેસના નેતા અને પૂર્વ ધારાસભ્ય પરેશ ધાનાણીએ કવિતા લખીને તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ એક્સ પર પોસ્ટ કરી છે. જેમાં લખ્યું છે કે, સમગ્ર ગુજરાતને કલંકિત કરનારી કમનસીબ ઘટના ઈ પાટીલ ગેંગનું જ ગુનાહિત ષડયંત્ર છે, સીટીંગ જજને તપાસ સોંપો અને હાલ ગુજરાત ભાજપના ગુરુ તથા બંને ચેલકાઓના સત્વરે નાર્કો ટેસ્ટ કરાવો, જે કોઈ ગુનેગાર હોય તેને રાજકીય ફાંસીના માચડે ચડાવો..!


સંઘાણીએ સીએમને લખેલો પત્ર




ભ્રષ્ટાચારના આક્ષેપોવાળો લેટર
આ કેસની શરૂઆત ત્યારે થઈ જ્યારે અમરેલી તાલુકા પંચાયત પ્રમુખ કિશોર કાનપરિયાના નામે એક પત્ર વાઈરલ થયો, જેમાં વિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરિયા પર દારૂ અને રેતી સહિતના ભ્રષ્ટાચારના આક્ષેપો કરવામાં આવ્યા હતા. કાનપરિયાએ આ પત્રને બનાવટી ગણાવીને ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પોલીસે ભાજપના પૂર્વ હોદ્દેદાર મનીષ વઘાસિયા સહિત 4 લોકોની ધરપકડ કરી હતી. જેલમાંથી છૂટ્યા બાદ મનીષ વઘાસિયાએ પ્રેસ કોન્ફરન્સ કરીને પોલીસ પર ગંભીર આરોપો મૂક્યા હતા કે, તેમને માર મારીને દિલીપ સંઘાણી સહિતના નેતાઓના નામ આપવા દબાણ કરવામાં આવ્યું હતું.


આખા મામલો શું છે?
વિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરીયા વિરુદ્ધ લખાણ કરી સોશિયલ મીડિયામાં વાઈરલ કરાયું હતું. જેમાં અમરેલી તાલુકા પંચાયત પ્રમુખ કિશોર કાનપરીયાના બનાવટી લેટરપેડ પર ખોટી સાઈન કરાઈ હતી. લેટરમાં રેતી, દારૂ જેવા ગેરકાયદે પ્રવૃતિમાં હપ્તા કૌશિક વેકરીયા દ્વારા લેવામાં આવતા હોવાના ગંભીર સનસનીખેજ આરોપ લગાવાયા હતા. જેથી અમરેલી જિલ્લા ભાજપમાં ખળભળાટ મચી ગયો હતો. કાર્યકર્તાઓમાં નારાજગી જોવા મળતાં અમરેલી પંથકના 100 જેટલા આગેવાનો કૌશિક વેકરીયાના સમર્થકો સમગ્ર ઘટનાને લઈ ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલને ગાંધીનગર સુધી પહોંચાડી રજૂઆતો કરવામાં આવી હતી. આ દરમિયાન અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં કિશોર કાનપરીયાએ ફરિયાદ નોંધાવી હતી.


27મી ડિસેમ્બરે સોશિયલ મીડિયામાં લેટરપેડ વાઈરલ
અમરેલી તાલુકા પંચાયત પ્રમુખ કિશોર કાનપરીયાના નામ અને હોદ્દાવાળો બનાવટી લેટરપેડ સોશિયલ મીડિયામાં 27મી ડિસેમ્બરે વાઈરલ કર્યો હતો, ત્યારબાદ મામલો જિલ્લા પોલીસ વડા સુધી પહોંચ્યો હતો. આ ઘટનાને લઈ ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા. કેટલાક આગેવાનો ગાંધીનગર સુધી કૌશિક વેકરીયાને સમર્થનમાં પણ પહોંચ્યા હતા. આ ઘટનામાં અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં કિશોર કાનપરીયાએ ફરિયાદ નોંધાવી હતી, ગુન્હો નોંધાયા બાદ અમરેલી SPની ટીમ લોકલ ક્રાઇમ બ્રાન્ચ, સાયબર ક્રાઇમ સહિતની ટીમો દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.


28મી ડિસેમ્બરે ધરપકડ
વિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરીયાને એક લેટર વાઈરલ કરીને બદનામ કરાયા હતા. આ ગુનામાં ભાજપના પૂર્વ હોદ્દેદાર સહિત 4 આરોપીની પોલીસે 28મી ડિસેમ્બરે ધરપકડ કરી હતી. તાલુકા ભાજપના પૂર્વ યુવા ભાજપ પ્રમુખ મનીષ વઘાસીયા, જશવંત ગઢ સરપંચ અશોક માંગરોળીયા, જીતુ ખાત્રા, પાયલબેન ગોટી સામેલ હતા.


29મી ડિસેમ્બરે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાયું
ત્યારે તાલુકા ભાજપના પૂર્વ યુવા ભાજપ પ્રમુખ મનીષ વઘાસીયા, જશવંત ગઢ સરપંચ અશોક માંગરોળીયા, જીતુ ખાત્રા, પાયલબેન ગોટી આ ચારેય આરોપીઓને સાથે રાખીને પૂર્વ યુવા ભાજપ પ્રમુખની ઓફિસ પર 29મી ડિસેમ્બરે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાયું હતું. અહીં રાજકીય માહોલ ગરમાયેલો જોવા મળ્યો હતો.ચારેય આરોપીઓને લઈને પોલીસ પહોંચી ત્યારે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. સમગ્ર મામલે વઘાસીયાએ ભાજપના તાલુકા પ્રમુખ બનવા ષડયંત્ર રચ્યું હોવાનું પોલીસ તપાસમાં ખૂલ્યું હતું​​​​​​​


3 જાન્યુઆરીએ સંઘાણીએ પાયલ ગોટીને જેલમાં મળવું પડ્યું
અમરેલી લેટરકાંડમાં પોલીસની કાર્યવાહીમાં ભાજપના પૂર્વ હોદેદાર મનીષ વઘાસીયા, પાયલ ગોટી સહિત 4 લોકોની ધરપકડ બાદ પ્રથમ કોંગ્રેસ એ મુદ્દો ઉછાળ્યા બાદ ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા. પાટીદાર સમાજના આગેવાનો ખોડલધામ ટ્રસ્ટીઓએ આરોપી પાયલ ગોટીને છોડાવવા મુદ્દે આગળ આવ્યા હતા. પાયલ ગોટીની કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. 2 જાન્યુઆરીએ 1 દિવસ પહેલા કોંગ્રેસ મહિલા નેતા જેની ઠુંમરે જેલની મુલાકાત બાદ અમરેલી ભાજપના સિનિયર નેતા અને ઇફ્કોના ચેરમેન દિલીપ સંઘાણીની જિલ્લા જેલે પહોંચી પાયલ ગોટી સાથે મુલાકાત કરી હતી. તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરતાં રાજકીય માહોલ ગરમાયો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News