વાવાઝોડામાં સૅલ્ટરહૉમ બન્યાં આશીર્વાદરુપ

  • June 16, 2023 10:36 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બરડા ડુંગર વિસ્તારમાં સંભવિત વાવાઝોડા પૂર્વે રેસ્ક્યુ ઓપરેશન...
દ્વારકા જિલ્લાના ભાણવડ પંથકમાં આવેલા બરડા ડુંગર વિસ્તારમાં ધ્રામણીનેસ ખાતે બે સગર્ભા મહિલાઓ તેમજ બે નવજાત બાળકો સાથે ૧૧૧ લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરાવવામાં આવ્યું હતું. જે માટે અહીંના પ્રાંત અધિકારીના માર્ગદર્શન મામલતદાર અને પીએસઆઈની ટીમ દ્વારા કામગીરી કરવામાં આવી હતી.

**
ચા-પાણી અને જમવાની વ્યવસ્થા પણ કરાઈ: બિપરજોય વાવાઝોડાં સામે રાજ્યભરમાં તાત્કાલિક ધોરણે ૧૫૨૧ શેલ્ટર હોમ્સ ઊભા કરવામાં આવ્યા

કુદરતી આફતો સામેની સજ્જતા અને કટિબદ્ધતામાં ગુજરાતનું ડિઝાસ્ટર મેનેજમેન્ટ હંમેશાં અગ્રેસર રહ્યું છે. ગુજરાતમાં ૧૬૦૦ કિમી લાંબો દરિયાકિનારો હોવાના કારણે, રાજ્યના દરિયાકિનારાના વિસ્તારોમાં અવારનવાર વાવાઝોડાંઓની અસર રહેતી હોય છે. આવા વાવાઝોડાંઓ સામે પહોંચી વળવા અને રાજ્યની જનતાને સુરક્ષિત રાખવા માટે રાજ્ય સરકારે દીર્ઘદ્રષ્ટિ વાપરીને દરિયાકિનારાના વિસ્તારોમાં ૭૬ અદ્યતન સુવિધાઓ ધરાવતા મલ્ટિપર્પઝ સાયક્લોન શેલ્ટર્સનું નિર્માણ કર્યું છે. આજે રાજ્ય જ્યારે બિપરજોય વાવાઝોડાંની સંભવિત અસરો સામે લડવા માટે સજ્જ થઈ રહ્યું છે, ત્યારે આ શેલ્ટર્સ જનતા માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યા છે.
આ ૭૬ મલ્ટિપર્પઝ સાયક્લોન શેલ્ટર્સમાં શેલ્ટર જૂનાગઢ ખાતે ૨૫, ગીર સોમનાથ ખાતે ૨૯, પોરબંદરમાં ૪, દેવભૂમિ દ્વારકામાં ૪, કચ્છમાં ૪, અમરેલીમાં ૨, જામનગરમાં ૧, નવસારીમાં ૧, ભરૂચમાં ૫ અને અમદાવાદમાં ૧ શેલ્ટરનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત, બિપરજોય વાવાઝોડાંને પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મક્કમ નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ કચ્છ-સૌરાષ્ટ્ર વિસ્તારના આ ૮ જિલ્લાઓમાં ૧૫૨૧ શેલ્ટર હોમ્સ તાત્કાલિક ધોરણે ઊભાં કરવામાં આવ્યા છે, જેમાં જૂનાગઢમાં ૧૯૬, કચ્છમાં ૧૭૩, જામનગરમાં ૫૬, પોરબંદરમાં ૧૪૦, દેવભૂમિ દ્વારકામાં ૧૮૨, ગિર સોમનાથમાં ૫૦૭, મોરબીમાં ૩૧ અને રાજકોટમાં ૨૩૬ શેલ્ટર હોમ્સ ઊભા કરવામાં આવ્યા છે. મેડિકલ ટીમ દ્વારા આ શેલ્ટર હોમ્સની નિયમિત વિઝિટ કરવામાં આવી રહી છે, અને ત્યાં સ્થળાંતરિત કરાયેલા લોકોની આ ટીમ દ્વારા યોગ્ય આરોગ્ય તપાસ કરવામાં આવી રહી છે.
મુખ્યમંત્રીના નેતૃત્વમાં સંભવિત વાવાઝોડાના પરિણામે રાજ્યમાં કોઇપણ પ્રકારની જાનહાનિ ન થાય તે માટે સરકાર દ્વારા સંપૂર્ણ તકેદારી રાખવામાં આવી રહી છે. આ માટે રાજ્ય સરકારે વાવાઝોડાંથી ભયગ્રસ્ત વિસ્તારોમાં વસતા લોકોના સ્થળાંતર પર ભાર મૂક્યો છે, અને ૮ જિલ્લાઓમાંથી અત્યારસુધીમાં કુલ ૯૪ હજારથી વધુ લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરાવ્યું છે.
રાજ્યમાં અત્યાર સુધીમાં સંભવિત વાવાઝોડાથી અસર થઇ શકે તેવા કચ્છમાં ૪૬,૮૨૩, જૂનાગઢમાં ૪૮૬૪, જામનગરમાં ૯૯૪૨, પોરબંદરમાં ૪૩૭૯, દેવભૂમિ દ્વારકામાં ૧૦,૭૪૯, ગીર સોમનાથમાં ૧૬૦૫, મોરબીમાં ૯૨૪૩ અને રાજકોટમાં ૬૮૨૨ એમ કુલ ૮ જિલ્લાઓમાં અત્યાર સુધીમાં કુલ ૯૪,૪૨૭ જેટલા નાગરિકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે, જેમાં ૮૯૩૦ બાળકો, ૪૬૯૭ વૃદ્ધો અને ૧૧૩૧ સગર્ભા મહિલાઓનો સમાવેશ થાય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application