સલમાન ખાનને ધમકીભર્યો મેઇલ મોકલનારા આરોપીની ધરપકડ

  • March 27, 2023 10:50 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


  • મુંબઇ પોલીસને મળી સફળતા, જોધપુરમાંથી 21 વર્ષનો શખસ પકડાયો
  • કંગના રણૌતની ફિલ્મનું નામધારી શખસે મૂસેવાલાના પિતાને પણ ધમકી આપી હતી



બોલીવૂડના દબંગ સ્ટાર સલમાન ખાનને મારી નાખવાની ધમકી આપવાના કેસમાં મુંબઈ પોલીસને સફળતા મળી છે અને રાજસ્થાનના જોધપુરમાંથી 21 વર્ષીય શખસની ધરપકડ કરી હતી. આરોપીની ઓળખ ધાકડ રામ બિશ્નોઈ તરીકે થઈ છે. પંજાબી સિંગર સિદ્ધૂ મૂસેવાલાના પિતાને પણ ધમકી આપી હોવાનો તેના પર આરોપ છે અને આ કેસમાં ત્યાંની પોલીસ પણ તપાસ કરી રહી છે. 

મુંબઈ પોલીસની તપાસ બાદ આરોપીને પંજાબ પોલીસના હવાલે કરવામાં આવી શકે છે. ધાકડ રામે થોડા અઠવાડિયા પહેલા સુપરસ્ટારની ઓફિસમાં પીએ તરીકે કામ કરતાં જોર્ડી પટેલને ઈમેઈલ કર્યો હતો, જેમાં સલમાનના પણ મૂસેવાલા જેવા જ હાલ થશે તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ધમકી બાદ તેના ઘર બહાર પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

જોધપુર પોલીસ કમિશનર રવિદત્ત ગૌરના જણાવ્યા પ્રમાણે એડિશનલ ડીસીપી જયપ્રકાશ અટલના આગેવાનીમાં આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. અગાઉ આરોપીની ધરપકડ આર્મ્સ એક્ટ હેઠળ કરવામાં આવી હતી. 22 સપ્ટેમ્બર 2022ના રોજ તે ઝડપાયો હતો અને તેની પાસેથી હથિયાર જપ્ત કરાયા હતા. સલમાનને ધમકી આપવાનો કેસ બાંદ્રા પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો હતો.

સલમાન ખાનને ધમકી આપતાં જોર્ડી પટેલને મોકલેલા ઈ-મેઈલમાં લખ્યું હતું કે 'ગોલ્ડી બ્રારને તારા બોસ સાથે વાત કરવી છે. લોરેન્સ બિશ્નોઈએ હાલમાં જે ઈન્ટરવ્યૂ આપ્યો તે જોયો જ હશે અને ન જોયો હોય તો જોઈ લેવાનું કહી દેજે. મેટર ક્લોઝ કરવી હોય તો વાત કરાવી દેજે. ફેસ-ટુ-ફેસ વાત કરવા પણ તૈયાર છીએ'.

નોંધનીય છે કે 1999માં 'હમ સાથ સાથ હૈ'ના શૂટિંગ દરમિયાન સલમાન ખાને કાળિયારનો શિકાર કર્યો હતો. બિશ્નોઈ સમાજ દ્વારા કાળિયારની પૂજા કરવામાં આવે છે અને તેથી લોરેન્સ બિશ્નોઈએ તેને ધમકી આપી છે. હાલમાં જ એબીપીને જેલમાંથી આપેલા ઈન્ટરવ્યૂમાં તેણે કહ્યું હતું કે 'જો સલમાન માફી નહીં માગે તો તેણે પરિણામ ભોગવવા માટે તૈયાર રહેવું પડશે. હું અન્ય કોઈ પર નિર્ભર રહીશ નહીં. તે જમ્બેશ્વરજી મંદિર સામે બિશ્નોઈ સમાજની માફી માગે. જો તે આમ કરશે તો હું પીછેહઠ કરીશ. અમારો સમાજ જો તેને માફ કરશે તો હું કંઈ બોલીશ નહીં'.

અગાઉ જૂન 2022માં પણ સલમાન અને તેના પિતા સલીમ ખાનને મૂસેવાલા જેવા હાલ કરવાની ધમકી આપતો પત્ર મળ્યો હતો. આ પત્ર પણ બિશ્નોઈ ગેંગે જ મોકલ્યો હોવાનું કહેવાતું હતું. ત્યારબાદ એક્ટરને Y+ સુરક્ષા અને ગન લાયસન્સ આપવામાં આવ્યું હતું. જો કે, બિશ્નોઈના કહેવા પ્રમાણે તે પત્ર તેણે મોકલ્યો નહોતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application