વર્ગ–૨ માટે બે વર્ષ પછી 'સ્પીપા' પરીક્ષા યોજશે

  • August 22, 2024 11:08 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગુજરાત વિકાસ સેવા વર્ગ–૨ માં બઢતી અને ઉચ્ચતર પગાર ધોરણ મેળવવા માટે ખાતાકીય પરીક્ષા અજમાયશી સમયગાળા દરમિયાન જ ફરજિયાત રીતે પસાર કરવાની હોય છે. પરંતુ આ પરીક્ષાનું આયોજન સરદાર પટેલ લોક પ્રશાસન સંસ્થા ' સ્પીપા' દ્રારા કરવામાં આવતું હોય છે. છેલ્લા બે વર્ષ જેટલા સમયથી સ્પીપા દ્રારા આવી પરીક્ષા ન યોજાતા મોટી સંખ્યામાં કલાસ ટુ ઓફિસરોના પ્રમોશન સમગ્ર ગુજરાતમાં અટકી પડા છે. આ બાબતે 'આજકાલ'માં વિસ્તૃત અહેવાલ પ્રસિદ્ધ થયા પછી આખરે સરકાર અને તેનું સમગ્ર વહીવટી તત્રં જાગી ગયું છે. લાંબા સમયથી ન લેવાયેલી આ પરીક્ષાઓ હવે સપ્ટેમ્બર માસમાં યોજાશે તેવી સત્તાવાર જાહેરાત સ્પીપા દ્રારા કરવામાં આવી છે અને તેની ડિટેઈલ તારીખો પણ જાહેર કરી દીધી છે.

સ્પીપાના સંયુકત નિયામક (પરીક્ષા) દ્રારા આ સંદર્ભે કરવામાં આવેલી જાહેરાત મુજબ ગુજરાત વિકાસ સેવા વર્ગ બે ના સીધી ભરતીથી નિયુકત થયેલા અધિકારીઓની તથા વર્ગ ત્રણમાંથી વર્ગ–૨ માં બઢતી માટેની ખાતાકીય પરીક્ષા આગામી સપ્ટેમ્બર માસમાં તારીખ ૯,૧૦,૧૧,૧૨ અને ૧૩ ના રોજ લેવામાં આવશે.

આ પરીક્ષા આપવા માંગતા અધિકારીઓએ નિયત નમુનામાં સંપૂર્ણ વિગતો ભરીને સંબંધિત વિભાગ અને કચેરી મારફત વિકાસ કમિશનરને ગાંધીનગર ખાતે તારીખ ૩૧ ઓગસ્ટ  સુધીમાં મળી જાય એ રીતે મોકલી આપવાની રહેશે. વિકાસ કમિશનરની કચેરી તરફથી ઉમેદવારોની સંપૂર્ણ વિગતોની યાદી તારીખ ૩ સપ્ટેમ્બર સુધીમાં સ્પીપા ને મોકલી આપવાની રહેશે. સમય મર્યાદા પછી મળેલી અરજીઓ ધ્યાનમાં લેવામાં નહીં આવે. પરીક્ષામાં ઉપસ્થિત રહેનાર પરીક્ષાથી તેઓના ઓળખપત્રનો નમુનો પરીક્ષાનો કાર્યક્રમ હાજરી પત્રક અને નિયત નમૂનાના અરજી પત્રકનો નમુનો પણ જાહેર કરી દેવાયો છે.

સ્પીપાએ પોતાના પરિપત્રમાં જણાવ્યું છે કે પરીક્ષા દરમિયાન આવા કર્મચારીઓ અને અધિકારીઓને રજા આપવાની રહેશે અને જો તેમની બદલી થઈ હોય તો બદલીના સ્થળે તેમને પરીક્ષાના કાર્યક્રમ અંગે જાણકારી આપવાની રહેશે


વર્ગ બેના અધિકારીઓના પ્રશ્નને વાચા આપ્યા પછી તે ઉકેલાયો
નિયત સમય મર્યાદામાં કોમ્પ્યુટર કૌશલ્ય પરીક્ષા પાસ નહીં કરી શકનાર રાજકોટ જિલ્લા પંચાયતના આઠ તલાટીઓને ફરજ મુકત કરી તેમની પાસેથી પગારની રિકવરી કરવાનો નિર્ણય કરાયા પછી તાલુકા વિકાસ અધિકારીઓએ પોતાની વેદના ઠાલવી હતી. સ્પીપા દ્રારા પરીક્ષા લેવાતી નથી અને અમારા પ્રમોશન અટકયા છે તેવી તાલુકા વિકાસ અધિકારીઓ સહિત વર્ગ–૨ ના અધિકારીઓના પ્રશ્નને 'આજકાલ'માં વાચા આપ્યા પછી પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ હરકતમાં આવ્યું હતું અને તેના નાયબ સચિવ દ્રારા સ્પીપાને પત્ર પાઠવી પરીક્ષાના આયોજન માટે તાકીદ કરી હતી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News