જામનગર જિલ્લામાં રવિ કૃષિ મહોત્સવનો શુભારંભ

  • November 25, 2023 11:13 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મહાનુભાવોને હસ્તે ૧૦ લાભાર્થીઓને સહાય ચેક અને સન્માન પત્રોનું વિતરણ કરવામાં આવ્યું

જામનગર જિલ્લા પંચાયત પ્રમુખના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાના રવિ કૃષિ મહોત્સવ-૨૦૨૩ કાર્યક્રમનું ધ્રોલ તાલુકાના લતીપુર ગામમાં આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ, જામનગર જિલ્લા વહિવટી તંત્ર તથા જામનગર જિલ્લા ખેતીવાડી કચેરીના માર્ગદર્શન હેઠળ તારીખ ૨૪ અને ૨૫ નવેમ્બરના રોજ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર-જામનગર તથા કાલાવડ, જામજોધપુર, લાલપુર, ધ્રોલ અને જોડીયા તાલુકામાં તાલુકા કક્ષાના ’રવિ કૃષિ મહોત્સવ-૨૦૨૩’ નું આયોજન કરવામાં આવ્યું છે.
કાર્યક્રમમાં અગ્રણી રમેશભાઈ મુંગરાએ તેમના પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૦૫ માં જામનગર જિલ્લામાં આવેલા કાલાવડ તાલુકામાં સ્થિત હરિપર ગામથી રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે રવિ કૃષિ મહોત્સવની શરૂઆત કરવામાં આવી હતી. જે જામનગર જિલ્લા માટે ગૌરવની બાબત છે. વડાપ્રધાનની દીર્ઘદ્રષ્ટિના પગલે સમગ્ર દેશમાં પ્રાકૃતિક કૃષિ એ એક માત્ર સરકારી કાર્યક્રમ જ ના રહેતા દેશવ્યાપી ચળવળ બની ગઈ છે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે રાજ્યના સૌ ખેડૂતોને તેમની આવક વધે, ધરતીનું સ્તર સુધરે અને પર્યાવરણ અને પ્રકૃતિ તરફ પરત ફરવાનો સંદેશો આપ્યો છે. કૃષિની સાથે વિજ્ઞાન જોડો- આ વિભાવના પ્રાકૃતિક કૃષિ સાથે જોડાયેલી છે.
કાર્યક્રમમાં દીપપ્રાગટ્ય બાદ મંચસ્થ મહેમાનોનું પુષગુચ્છ અર્પણ કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ અને અન્ય મંચસ્થ મહાનુભાવોના હસ્તે બાગાયતી ખેતી અને પ્રાકૃતિક ખેતીના ક્ષેત્રમાં સિદ્ધિ પ્રાપ્ત કરેલા ૧૦ જેટલા લાભાર્થીઓને સન્માન પત્રો અને સહાય ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ જૂનાગઢ કૃષિ યુનિવર્સીટી, બાગાયત વિભાગ, આત્મા પ્રોજેક્ટ, ખેતીવાડી વિભાગ, ટ્રેકટર સ્ટોર, સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત આધાર કાર્ડ, રેશનકાર્ડ માટેના સ્ટોલ, આરોગ્ય વિભાગ અને પ્રાકૃતિક કૃષિ વેચાણ સ્ટોલની મહાનુભાવો દ્વારા મુલાકાત લેવામાં આવી હતી, અને સ્ટોલ માલિકોને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન  શિતલે કર્યુ હતું અને, મહોત્સવના અંતે આભારવિધિ નાયબ ખેતી નિયામક બી.એમ.આગઠ દ્વારા કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, રાજ્યકક્ષાનો રવિ કૃષિ મહોત્સવ-૨૦૨૩ અમદાવાદ ખાતે ભુપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. કાર્યક્રમમાં કૃષિ, પશુપાલન, ગૌ સંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ અન્ય મહાનુભાવોની સાથે જોડાયા હતા. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના સાર્થક પ્રયાસો થકી વર્ષ ૨૦૨૩ ને આંતરરાષ્ટ્રીય તૃણધાન્ય વર્ષ તરીકે જાહેર કરવામાં આવ્યું છે. તેમજ સમગ્ર દેશમાં લોકલ ફોર વોકલ અને પ્રાકૃતિક કૃષિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ ચળવળને પ્રોત્સાહન પૂરું પાડવા મુખ્યમંત્રીના હસ્તે મિલેટસની વાનગીઓ - આ પુસ્તિકાનું વિમોચન કરવામાં આવ્યું હતું. તેમજ મંચસ્થ મહાનુભાવોના હસ્તે રાજ્યભરના પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રમાં અભુતપૂર્વ સિદ્ધિ મેળવેલા ખેડૂતોને પ્રોત્સાહિત કરવા માટે સન્માનપત્રો અર્પણ કરવામાં આવ્યા હતાં.  
સમગ્ર રાજ્યમાં આ બે દિવસ ચાલનારા રવિ કૃષિ મહોત્સવમાં ખેડૂતોને લગતી વિવિધ યોજનાઓ, કૃષિ વિષયક વિવિધ માહિતી, કૃષિ પરીસંવાદ, કૃષિ પ્રદર્શની, પશુ આરોગ્ય મેળા, મહાનુભાવોના હસ્તે ખેડૂતોને સહાય યોજનાઓના મંજૂરીપત્રો અને સહાય હુકમોનું વિતરણ, કૃષિ પ્રદર્શનના સ્ટોલની મુલાકાત તેમજ પ્રાકૃતિક કૃષિના મોડલ ફાર્મની મુલાકાત જેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
કાર્યક્રમમાં, જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, ધ્રોલ તાલુકા વિકાસ અધિકારી સોજીત્રા, આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર જીગ્નેશભાઈ, ધ્રોલ પ્રાંત અધિકારી વી.ડી.સાકરીયા, લતીપુર ગ્રામ સરપંચ હસમુખભાઈ સરવૈયા, આજુબાજુના ગામોમાંથી પધારેલા મુલાકાતીઓ, ખેડૂતો અને બહોળી સંખ્યામાં સ્થાનિક ગ્રામજનો હાજર રહયા હતાં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application