ઓમ શાંતિ: રાજકોટ સ્વયંભુ શાંતિપૂર્ણ બંધ

  • June 25, 2024 10:22 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટની ટીઆરપી કાંડની ઘટનાને આજે એક મહિનો થયો છે ત્યારે પ્રથમ માસિક પુણ્યતિથિ નિમિત્તે પીડિતોના પરિવારજનોને ન્યાય મળે તે માટે ગુજરાત કોંગ્રેસ દ્વારા રાજકોટ સ્વયંભુ બંધનું એલાન અપાયો હતું તેને સફળ પ્રતિસાદ મળ્યો છે અને આજે સવારથી શહેરની મોટાભાગની બજારો બંધ રહી છે આ ઉપરાંત શાળાઓ અને કોલેજોમાં પણ સ્વૈચ્છિક ધોરણ એ બંધ રહી હતી.

જે વિસ્તારોમાં દુકાનો શોરૂમ કે પછી શાળાઓ ખુલ્લી હતી ત્યાં કોંગ્રેસ અને એન એસ યુ આઈ ના કાર્યકરો વેપારીઓને હાથ જોડી વિનંતી કરી બંધ રાખવા માટે અપીલ કરી રહ્યા છે અને તેમ છતાં પણ જે લોકોએ બંધ રાખવા માટે ઇન્કાર કર્યો હતો તેના વિડીયો બનાવીને વાયરલ કરવામાં આવી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.
રાજકોટમાં ગઈકાલે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ગોહિલે પત્રકાર પરિષદ યોજીને જણાવ્યું હતું કે કોંગ્રેસ દ્વારા અગ્નિ કાંડના પીડિતોને શ્રદ્ધાંજલિ આપવા તેમજ તેમના પરિવારજનોને હજુ સુધી ન્યાય મળ્યો નથી ત્યારે તાત્કાલિક ધોરણે આ ઘટનાના મૂળભૂત રીતે જવાબદાર લોકોને જેલ હવાલે કરવાની માંગણી સાથે આજે બંધનું એલાન આપ્યું છે તેમાં રાજકોટના ચેમ્બર ઓફ કોમર્સ થી લઈને મોટાભાગના વેપારી મંડળોએ સમર્થન આપ્યું હતું અને જેને લઈને આજે શહેરની બજારો પણ વેપારીઓએ દિવંગત આત્માઓને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

આજે અડધો દિવસ રાજકોટ બંધના એલાનને પગલે દરેક વિસ્તારોમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ગઈકાલે સાંજે રાજકોટ એસોસિએશન દ્વારા દિવ્ય આત્માઓને ઈશ્વર શાંતિ આપે તેવી પ્રાર્થના સાથે 300 થી વધુ ક્લાસીસના સંચાલકો અને વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો દ્વારા રાજકોટ જિલ્લા પંચાયત ચોક ખાતે શ્રદ્ધાંજલિ સભા યોજવામાં આવી હતી જેમાં લોકો કેન્ડલ માર્ચ સાથે અહીં પહોંચ્યા હતા અને ત્યારબાદ સદગત આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી.
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ, લાખાજીરાજ રોડ એસોસિએશન, ધર્મેન્દ્ર રોડ ,ઘીકાંટા, દિવાનપરા સાંગડવા ચોક, કોઠારીયા નાકા, સોની બજાર, પરા બજાર ,દાણાપીઠ, યાજ્ઞિક રોડ ,અમીન માર્ગ યુનિવર્સિટી રોડ, ગુંદાવાડી ,કેવડાવાડી, રૈયા નાકા ટાવરના વેપારી એસોસિએશન દ્વારા આજે ધંધા રોજગાર સ્વયંભુ બંધ રાખવામાં આવ્યા હતા.


કોંગ્રેસના આગેવાનોએ હાથ જોડીને વિનંતી કરી
અમુક જગ્યાએ દુકાનો અને સ્કૂલો ચાલુ રહી હતી ત્યારે કોંગ્રેસના આગેવાનો આગેવાનો દ્વારા વેપારીઓને હાથ જોડીને વિનંતી કરવામાં આવી હતી કે આજે બંધના એલાનમાં જોડાઈને હતભાગીઓને શ્રદ્ધાંજલિ આપે અને તેના પરિવારજનોને ન્યાય મળે તે માટે આ કાર્યક્રમમાં જોડાવા અપીલ કરાઈ હતી.


99% રાજકોટ બંધ રહ્યું:જીગ્નેશ મેવાણી
ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ રાજકોટવાસીઓનો આભાર માનતા જણાવ્યું હતું કે આજે 99% રાજકોટ બંધ રહ્યું છે, જીગ્નેશ મેવાણીએ મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ પાઠવી અને જણાવ્યું હતું કે, આ પીડિતોના પરિવારજનો ના ન્યાય માટે અમે લડત ચલાવીશું અને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી આ લડત ચાલુ રહેશે.


એનએસયુઆઈએ અમુક સ્કૂલો બંધ કરાવી
ગઈકાલે એલાનના પગલે રાજકોટની મોટાભાગની સ્કૂલોએ આજે બંધ રહેશે તેવી જાહેરાત કરી હતી. તેમ છતાં અમુક સ્કૂલ આજે અમુક સ્કૂલ ચાલુ રહેતા એન એસ યુ આઈ ના કાર્ય કરો ત્યાં પહોંચ્યા હતા. જેમાં માતૃ મંદિર, વિદ્યામંદિર, સરસ્વતી સ્કૂલ, સહિત શાળાઓમાં શૈક્ષણિક કાર્ય બંધ કરાવવામાં આવ્યું હતું.

ભાજપ શાસિત રાજકોટ યાર્ડ ધરાર ખુલ્લું રખાવાયું
રાજકોટમાં ગત તા.25 મે ના રોજ ટીઆરપી ગેમઝોનના અગ્નિકાંડમાં બાળકો સહિત 27 નાગરિકોના કરૂણ મોત નિપજ્યા હતા, દરમિયાન આ દુર્ઘટનાને આજે એક મહિનો પૂર્ણ થતાં આજે કોંગ્રેસ દ્વારા રાજકોટ બંધનું એલાન અપાયું હતું, એલાનને પગલે શહેર બંધ રહ્યું હતું પરંતુ ભાજપ શાસિત રાજકોટ માર્કેટ રાજકીય ખુન્નસ રાખીને ધરાર ખુલ્લું રખાવાયું હતું. દરમિયાન રાજકોટ માર્કેટ યાર્ડના ચેરમેન જયેશભાઇ બોધરાએ જણાવ્યું હતું કે નવું બેડી યાર્ડ સંકુલ અને જૂનું યાર્ડ સંકુલ આજે કાર્યરત રહ્યું હતું. નવા અને જૂના યાર્ડ સંકુલની 800 દુકાનો પણ રાબેતા મુજબ કાર્યરત રહી હતી. તેમણે ઉમેર્યું હતું કે હાલ ચોમાસાની સ્થિતિ જોતા યાર્ડ બંધ રાખવું ખેડૂતોના હિતમાં ન હતું.



 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application