ખેતીમાં જંતુનાશક દવા છાંટવાના હોય તો આ કાળજી જરૂર રાખજો, રાજકોટ જિલ્લા ખેતીવાડી કચેરી દ્વારા ખેડૂતો માટે માર્ગદર્શિકા જાહેર

  • May 15, 2024 10:58 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ જિલ્લા ખેતીવાડી કચેરી દ્વારા ખેડૂતો માટે જંતુનાશક દવાઓના ઉપયોગ વખતે ધ્યાનમાં રાખવાની બાબતો અંગે ખેડૂતો માટે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. આ માર્ગદર્શિકા પ્રમાણે જંતુનાશક દવાઓનો સંગ્રહ બાળકો પહોંચી ના શકે તેવી જગ્યાએ તાળાં-કૂંચીમાં રાખવા. જંતુનાશક દવાનો ઉપયોગ કરતાં પહેલા પેકિંગ પર લખેલી સૂચના કાળજીપૂર્વક વાંચવા માટે જણાવવામાં આવ્યું છે.


જંતુનાશક દવાનાં પેકિંગ પર સમાપ્તિ તારીખ તપાસવી અને સમાપ્તિ તારીખ પહેલા જ જંતુનાશક દવાઓ ઉપયોગ કરવો. જંતુનાશક દવાનો છંટકાવ શરૂ કરતાં પહેલા સ્પ્રેયર (દવા છાંટવાનો પંપ) સારી હાલતમાં છે કે નહીં તેની ચકાસણી કરવી. ટપકતા અને તૂટેલા સ્પ્રેયરનો ઉપયોગ કરવો નહીં.


જંતુનાશક દવાનાં પ્રવાહી મિશ્રણને સ્પ્રેયરની ટાંકીમાં ભરતી વખતે ગળણીનો ઉપયોગ અવશ્ય કરવો. પ્રવાહી મિશ્રણ ઉભરાય નહીં તેની ખાસ કાળજી રાખવી. જંતુનાશક દવાનો છંટકાવ કરતાં પહેલા છંટકાવ કરનારે હાથ મોજા, માસ્ક, પ્રોટેક્ટિવ કપડાં, ગોગલ્સ તથા ગમબુટ અવશ્ય પહેરવા. વાતાવરણ શાંત હોય ત્યારે સવારે અથવા સાંજે જંતુનાશક દવાનો છંટકાવ કરવો. છંટકાવ સમયે જંતુનાશક દવા શરીર પર ન પડે તેની ખાસ કાળજી રાખવી. હંમેશા પવનની દિશામાં જંતુનાશક દવાનો છંટકાવ કરવો. જંતુનાશક દવા શ્વાસમાં જતી અટકાવવા લાન્સ તથા નોઝલને વધુ ઊંચાઈએ રાખી છંટકાવ કરવો નહીં.


જંતુનાશક દવાનો છંટકાવ કર્યા પછી પાણી પીતા, જમતા પહેલા, કશું પણ ખાતા પહેલા કે ધૂમ્રપાન કરતાં પહેલા હંમેશા હાથ-મોં સાબુથી ધોવા. જંતુનાશક દવા છાંટતી વખતે બેચેની જણાય તો તરત જ છંટકાવ બંધ કરવો અને ડૉક્ટરની સલાહ લેવી.


જંતુનાશક દવા વપરાયેલા ડબ્બાનો સંગ્રહ કે ઉપયોગ કરવો નહી પરંતુ ખાલી ડબ્બાઓ બોટલોને તોડીને જમીનમાં ઊંડે દાટી દેવી. જંતુનાશક દવાનો છંટકાવ પૂરો કર્યા પછી સાબુથી સ્નાન કરવું. પહેરેલા કપડાં પણ પાણીથી બરાબર ધોવા. વધુમાં દવાના વપરાશ વખતે દવા ઉપર આપવામાં આવેલ લેબલ મુજબ જે તે પાક માટે, આપવામાં આવેલા ડોઝ અને જે તે રોગ/જીવાત માટેની દવા છે તે ભલામણ મુજબ અનુસરવા જણાવવામાં આવે છે.  


આ અંગે વધુ જાણકારી આપના વિસ્તારના ગ્રામસેવક /વિસ્તરણ અધિકારી/ ખેતી અધિકારી/ તાલુકા અમલીકરણ અધિકારી/ મદદનીશ ખેતી નિયામક/ જિલ્લા ખેતીવાડી અધિકારી/ નાયબ ખેતી નિયામક(વિસ્તરણ)/ નાયબ ખેતી નિયામક(તાલીમ) નો સંપર્ક કરવા જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીની યાદીમાં જણાવાયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News