રાજકોટ અમદાવાદ સીક્સલેન હાઇવેના કામમાં ત્રણ વર્ષથી વિલંબ : RTIમાં થયો મોટો ખુલાસો

  • July 06, 2023 07:08 PM 

રાજકોટ-અમદાવાદથી સૌરાષ્ટ્ર તરફ આવવા માટે અમદાવાદ રાજકોટ હાઇવેને ફોરલેનમાંથી સિક્સલેન બનાવવા માટેની મંજૂરી કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2017 આપવામાં આવી હતી. ત્યારે મંજૂરી મળ્યા ના 7 વર્ષ બાદ પણ આજે પણ રાજકોટ અમદાવાદ હાઈવે સિક્સલેનનું કામ પૂર્ણ નથી થયું. જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તો બીજી તરફ અવારનવાર રાજકોટ અમદાવાદ હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાઈ છે. ગત મંગળવારના રોજ સુરેન્દ્રનગરના લીમડી ખાતે વાહનોની મસ મોટી કતારો જોવા મળી હતી. જેના કારણે સોશિયલ મીડિયામાં રાજકોટ અમદાવાદ હાઈવે પરથી લોકોને પ્રવાસ ન ખેડવા વિનંતી પણ કરવામાં આવી હતી. રાજકોટ અમદાવાદ સિક્સલેન હાઈવેનું કામ 3 વર્ષ વિલંબિત થયું છે. વાહનચાલકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે. પરંતુ હાઈવેનું કામ ક્યારે પૂરું થશે તેની સમય મર્યાદા વિશે કોઈ જાણકારી નથી. 5 વર્ષથી આ પ્રોજેક્ટ ચાલી રહ્યો છે અને તેના લીધે હાઈવે પર કેટલાય ટ્રાફિક ડાયવર્ઝન આપવામાં આવ્યા છે અને રસ્તા પણ બ્લોક થયા છે. રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગના નેશનલ હાઈવે ડિવિઝન દ્વારા પ્રોજેક્ટના કોન્ટ્રાક્ટરને નોટિસો ફટકારવામાં આવી છે પરંતુ તેનો કોઈ જવાબ આપ્યો નથી. સમગ્ર મામલે રાજકોટના આરટીઆઈ એક્ટીવિસ્ટ શૈલેન્દ્ર સિંહ જાડેજા દ્વારા આરટીઆઇ કરવામાં આવી હતી અને તેના આધારે કોન્ટ્રાક્ટરો-ઓથોરિટી અને તેમણે મોકલેલી નોટિસો અંગેનો ખુલાસો થયો હતો. RTI પરથી જાણવા મળ્યું કે, બે કોન્ટ્રાક્ટરોને હાઈવેના ચાર સેક્શન માટે કામ સોંપવામાં આવ્યું હતું. તેમણે માત્ર 40-50 ટકા કામ કર્યું છે અને પછી નાદારી નોંધાવી હતી. આ બંને કોન્ટ્રાક્ટરોને જાન્યુઆરી 2019માં કામ આપવામાં આવ્યું હતું. કામ પૂરું થવાની ડેડલાઈન જાન્યુઆરી 2020 હતી. હવે સિક્સલેનનું નિર્માણ કાર્ય ક્યારે પૂર્ણ થશે એ જોવાનું અતિમહત્વનું રહેશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application