SRH vs RCB: સતત 6 હાર બાદ RCBનું કમબેક, હૈદરાબાદને 35 રનથી હરાવ્યું

  • April 26, 2024 12:52 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે IPL 2024માં બીજી જીત નોંધાવી છે. RCBને સતત 6 હારનો સામનો કર્યા બાદ આ જીત મળી છે.


રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે સનરાઈઝર્સ હૈદરાબાદને 35 રનથી હરાવ્યું છે. પહેલા રમતા આરસીબીએ નિર્ધારિત 20 ઓવરમાં 206 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. બેંગલુરુ તરફથી વિરાટ કોહલી અને રજત પાટીદારે અડધી સદી ફટકારી હતી. 


બીજી તરફ લક્ષ્યનો પીછો કરતી વખતે SRHની શરૂઆત સારી રહી ન હતી કારણ કે ટીમે 50 રનની અંદર 3 મોટી વિકેટ ગુમાવી દીધી હતી. ટ્રેવિસ હેડ આ વખતે કોઈ સારી ઈનિંગ રમી શક્યો ન હતો. તેણે માત્ર 1 રન બનાવ્યો હતો. જ્યારે તેના પાર્ટનર અભિષેક શર્માએ શરૂઆત તો કરી પરંતુ ટીમને વધુ સારી સ્થિતિમાં ન લાવી શક્યો. અભિષેકે 13 બોલમાં 3 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 31 રન બનાવ્યા હતા. હૈદરાબાદના બેટ્સમેનો ખાસ કરીને સ્પિન બોલિંગ સામે સંઘર્ષ કરતા જોવા મળ્યા હતા. આરસીબીના સ્પિન બોલરોએ આ ઇનિંગમાં 5 વિકેટ ઝડપી હતી.


સનરાઇઝર્સ હૈદરાબાદે પાવરપ્લે ઓવરમાં 62 રન બનાવ્યા હતા, પરંતુ ટીમે 4 વિકેટ ગુમાવી દીધી હતી. 85 રનના સ્કોર પર SRHએ છઠ્ઠી વિકેટ ગુમાવી ત્યારે 10મી ઓવર શરૂ થઈ હતી. એવું લાગી રહ્યું હતું કે હૈદરાબાદ આ મેચ મોટા અંતરથી હારી જશે. આ દરમિયાન કેપ્ટન પેટ કમિન્સ અને શાહબાઝ અહેમદ વચ્ચેની 39 રનની ભાગીદારીએ SRHને આશા આપી હતી, પરંતુ કમિન્સ 15 બોલમાં 31 રન બનાવીને આઉટ થયો હતો. કમિન્સે પણ પોતાની ઇનિંગમાં 1 ફોર અને 3 સિક્સર ફટકારી હતી. 


સનરાઇઝર્સ હૈદરાબાદને છેલ્લી 5 ઓવરમાં 75 રનની જરૂર હતી, પરંતુ હાથમાં માત્ર 3 વિકેટ બાકી હતી. આગળની 3 ઓવરમાં માત્ર 27 રન જ આવ્યા હતા, જેના કારણે ટીમને 2 ઓવરમાં જીતવા માટે હજુ 48 રનની જરૂર હતી. શાહબાઝ અહેમદે હૈદરાબાદ માટે 37 બોલમાં 40 રનની ઇનિંગ રમી હતી, પરંતુ 19મી ઓવરમાં મોહમ્મદ સિરાજ અને યશ દયાલની ચુસ્ત બોલિંગે RCBનો 35 રનથી વિજય સુનિશ્ચિત કર્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application