ખંભાળિયામાં ટાઉનહોલ અને દ્વારકામાં સનાતન આશ્રમ ખાતે કરી શકાશે રક્તદાન
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં થેલેસેમિયા સહિતના રક્તની જરૂરિયાતવાળા લોકોને સહાયભૂત થવાના ઉમદા આશયથી દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વિભાગ દ્વારા મહારક્તદાન કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાની સરકારી સિવિલ હોસ્પિટલમાં રક્તનો પુરવઠો જળવાઈ રહે અને લોહીની જરૂરિયાતવાળા દર્દીઓને સહાયભૂત થવા માટે જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય દ્વારા વધુ એક પ્રજાલક્ષી અભિગમ દાખવીને જિલ્લાના રક્તદાતાઓ માટે શનિવાર તારીખ 5 એપ્રિલના રોજ મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવ્યો છે.
આ અંતર્ગત ખંભાળિયા, ભાણવડ, સલાયા અને વાડીનાર વિસ્તારના રક્તદાતાઓ માટે ખંભાળિયાના ટાઉનહોલ ખાતે તેમજ દ્વારકા, મીઠાપુર, ઓખા, કલ્યાણપુર અને બેટ દ્વારકાના રક્તદાતાઓ માટે દ્વારકામાં પોલીસ સ્ટેશન પાસે આવેલા સનાતન આશ્રમ ખાતે આ રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો છે. દરેક રક્તદાતાઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવશે.
શનિવારે સવારે 8 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી યોજવામાં આવેલા આ કેમ્પમાં રક્તદાનની આ સેવા પ્રવૃત્તિમાં સહભાગી થવા જિલ્લાના સર્વે રક્તદાતાઓને દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય તેમજ પોલીસ પ્રશાસન દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.