જામનગરના ખંભાલીડા સીમમાં બે લાખની રોકડ સાથે ૧૧ જુગારી ઝબ્બે

  • December 18, 2023 10:11 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વાડી માલિક દ્વારા ચલાવતું જુગાર ધામ પર પંચકોશી-એનો દરોડો : કુલ ૪.૨૯ લાખનો મુદ્દામાલ કબજે

જામનગર તાલુકાના મોરારદાસ ખંભાલીડા ગામમાં એક વાડીમાં જુગાર ચાલી રહ્યું છે, અને એક ઝાડની નીચે કેટલાક શખ્સો એકત્ર થઈને ગંજી પાના વડે જુગાર રમી રહ્યા છે, તેવી બાતમીના આધારે પંચકોશી એ. ડિવિઝન પોલીસે દરોડો, વાડી માલિક સહિત ૧૧ પત્તા પ્રેમીઓની અટકાયત કરી લઇ તેવો પાસેથી રૂપિયા ૪.૨૯ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
 જામનગરના ગ્રામ્ય ડીવાયએસપીની સુચનાથી સીપીઆઇ વાઘેલાના માર્ગદર્શન હેઠળ પંચકોશી એ. ડિવિઝનના પી.એસ.આઇ જેપી.સોઢા અને તેમની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે સ્ટાફના ફીરોજ ખફી તથા નરેન્દ્રસિંહ ઝાલાને ચોક્કસ બાતમી મળી હતી કે જામનગર તાલુકાના મોરારદાસ ખંભાલીડા ગામમાં રહેતા મહિરાજસિંહ ઉર્ફે મયુર જાડેજાની વાડીમાં જુગારધામ ચાલી રહ્યું છે, અને ત્રણ ખૂણીયા વાડીમાં એક લીમડાના ઝાડ નીચે કેટલાક જુગારીયા તત્વો એકત્ર થઈને ગંજીપાના વડે જુગાર રમી રહ્યા હોવાની બાતમીના આધારે દરોડો પાડયો હતો.
દરોડા વખતે જુગાર રમતા મહીરાજસિંહ ઉર્ફે મયુર જયવંતસિંહ જાડેજા, ઉપરાંત વાંકીયા ગામના પરેશ માવજીભાઈ ભીમાણી, ખારવા રોડ ખાતે રહેતા રાજેશ લાલજીભાઈ ગડારા, વાંકીયા ગામના કાંતિલાલ ઉર્ફે કાનો ગંગારામભાઈ સંતોકી, ખંભાલીંડા ગામના ખેતુભા ઉર્ફે પીન્ટુ રામસગ જાડેજા, વાંકીયાના ભુપેન્દ્ર પીતાંબરભાઈ ચાડણીયા-પટેલ, દ્વારકાધિશ સોસાયટીના નિલેશ ઉર્ફે ટીનો લાલજીભાઈ ગડારા, મોરારદાસ ખંભાલીંડાના સંજયસિંહ સતુભા જાડેજા, તુલશીપાર્ક સોસાયટીના શાંતિ માવજીભાઈ ગડારા, વાંકીયા ગામના પ્રવીણ અમૃતલાલ નિમાવત, તેમજ કેશીયા પ્લોટ વિસ્તારમાં રહેતા લાભૂભારથી બચુભારથી ગોસાઈ નામના ૧૧ પત્તાપ્રેમીઓની અટકાયત કરી લીધી છે.
 પોલીસે બનાવના સ્થળેથી રૂપિયા ૨,૦૧,૬૦૦ની રોકડ રકમ ગંજીપાના ૬ નંગ મોટરસાયકલ અને ૧૧ નંગ મોબાઈલ ફોન સહિત ૪,૨૯,૦૦૦ની માલ મતા કબજે કરી હતી. દરોડાના પગલે ભારે ચકચાર મચી જવા પામી હતી.
***
ખંભાળિયાના મોટા માંઢા ગામે રાત્રિના સમયે રમાતા જુગાર પર પોલીસ ત્રાટકી: બે શખ્સો ઝડપાયા, છ ફરાર

ખંભાળિયા તાલુકાના મોટા માંઢા ગામે રહેતા ધનુભા મનુભા જાડેજા નામના શખ્સની વાડીએ નદીના કાંઠે બેસીને મોડી રાત્રિના સમયે ટોર્ચબતીના અજવાળે ગંજીપત્તા વડે તીનપતી નામનો જુગાર રમી રહેલા ધનુભા મનુભા જાડેજા અને મુરુ રામસંગ મકવાણા નામના બે શખ્સોને પોલીસે ઝડપી લઇ, રૂપિયા ૫,૨૦૦ રોકડા તથા રૂપિયા ૧૦,૦૦૦ ની કિંમતના બે નંગ મોબાઈલ ફોન ઉપરાંત રૂ. ૮૫,૦૦૦ ની કિંમતના પાંચ મોટરસાયકલ મળી, કુલ રૂપિયા ૧,૦૦,૨૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
આ દરોડા દરમ્યાન સુરુભા ધીરુભા જાડેજા, બાબભા ભીખુભા જાડેજા, સંજય પરસોતમ નાગર, કિશોર વાણંદ, જીતુભા વાળા અને લાખા બાવળ ગામનો ફિરોજ નામનો શખ્સ મળી, કુલ છ શખ્સો અંધારામાં નાસી છુટ્યા હોવાનું વધુમાં જાહેર થયું છે. જે અંગે ખંભાળિયા પોલીસે જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application