ભારતમાં પઠાન ફિલ્મના વિવાદ વચ્ચે વિદેશમાં બમ્પર બુકિંગ

  • January 02, 2023 02:56 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
  

  • જર્મનીમાં ફર્સ્ટ ડે શો રિલીઝ પહેલાં જ થઇ ગયો હાઉસફૂલ
  • ફેન્સ હવે શાહરુખની ફિલ્મનો ટ્રેલર જોવા થયા બેતાબ

 બોલીવૂડના કિંગખાન શાહરુખની 4 વર્ષના ગાળા બાદ આવી રહેલી ફિલ્મ પઠાનના બેશરમ રંગ ગીતમાં દીપિકા પાદુકોણની કેસરી બિકીનીએ દેશભરમાં વિવાદોની સાથે ધૂમ મચાવી છે. હિન્દુ સમુદાયના લોકોની ધાર્મિક લાગણી દુભાય તે સાથે જ ભાજપના નેતાઓએ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી. એટલું જ નહીં શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણને પણ જાહેરમાં ધમકી આપવામાં આવી છે, ત્યારે વિદેશમાં પઠાન એડવાન્સ બુકિંગના મામલે નવા રેકોર્ડ બનાવી રહી છે.

બેશરમ રંગ ગીતમાં કેસરી રંગની બિકીનીના કારણે વિવાદ વધતા સેન્સર બોર્ડે પણ ફિલ્મના નિર્માતાઓને ગીતો અને ફિલ્મમાં ફેરફાર કરવાનું કહીને તેમની મુશ્કેલીઓ વધારી દીધી છે અને ફિલ્મની રિલીઝ પહેલા તેમને ફરીથી બતાવવાનો આદેશ આપ્યો છે. 

 જર્મનીમાં 28 ડિસેમ્બરથી પઠાનનું એડવાન્સ બુકિંગ શરૂ થઈ ગયું છે. લોકો ઉત્સાહપૂર્વક ફિલ્મની એડવાન્સ ટિકિટ ખરીદી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બુકિંગના જે આંકડા સામે આવી રહ્યા છે તે અવિશ્વસનીય છે. ફર્સ્ટ ડે શો રિલીઝ પહેલા જ હાઉસફુલ થઈ ગયો છે. એડવાન્સ બુકિંગના કિસ્સામાં પઠાન જૂના રેકોર્ડને તોડી નવા રેકોર્ડ સર્જી રહી છે. 

વિદેશમાં શાહરૂખ ખાન અને તેની ફિલ્મોના લાખો ચાહકો છે. ખાસ કરીને જર્મનીમાં તેના વિશે એક અલગ જ ક્રેઝ છે. પઠાનને વિદેશોમાં પ્રેમ મળી રહ્યો છે ત્યારે દેશમાં ફિલ્મ ખરાબ રીતે અટવાઈ ગઈ છે.

પઠાનના નિર્માતાઓએ તેના બે ગીતો રિલીઝ કર્યા છે. દર્શકો લાંબા સમય પછી શાહરૂખ ખાનને એક્શન અવતારમાં જોશે. ફેન્સ હવે તેના ટ્રેલરની રાહ જોઈ રહ્યા છે. ફિલ્મમાં શાહરૂખ ખાન અને જ્હોન અબ્રાહમ વચ્ચે જબરદસ્ત લડાઈના દ્રશ્યો શૂટ કરવામાં આવ્યા છે. બીજી તરફ, દીપિકા પાદુકોણ પહેલા ક્યારેય ન જોઈ હોય તેવા લુકમાં જોવા મળશે. આ ફિલ્મ આ મહિને 25 જાન્યુઆરીએ સિનેમાઘરોમાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application