ભૂગર્ભ ગટરમાં હોટલ અને રેસ્ટોરન્ટનાં સંચાલકો દ્વારા અવાર-નવાર કચરો ન નાખવા અંગે નોટીસ અપાઇ હોવા છતાં ગટરો છલકાઇ: ભાજપનાં અને વિપક્ષનાં અગ્રણી અધિકારીઓને આડે આવ્યા આ કામગીરી ન કરો: તો કયાંથી જામનગર ચોખ્ખું થશે
જામનગર શહેરને સ્વચ્છ રાખવા માટે છેલ્લા કેટલાક દિવસથી મ્યુ.કમિશનરે કડક આદેશ આપ્યા બાદ તમામ વિસ્તારોની ભૂગર્ભ ગટર ચોખ્ખી ચણાક બનાવવા, કર્મચારીઓ કામે લાગ્યા છે, કેટલીક હોટલ અને રેસ્ટોરન્ટનાં સંચાલક દ્વારા હોટલનો વધેલો ખોરાક, અને અન્ય કચરો ભૂગર્ભ ગટરમાં ઠાલવી દેવામાં આવે છે જેના કારણે ભૂગર્ભ ગટર તરત છલકાઇ જાય છે અને રસ્તા ઉપર ગંદુ પાણી ફરી વળે છે. કોર્પોરેશનની સોલીડ વેસ્ટ શાખા દ્વારા હોટલ, રેસ્ટોરન્ટ ચેક કરવાની કામગીરી ચાલી રહી હતી ત્યારે ભાજપનાં બે શકિતશાળી નેતા અને વિપક્ષના એક શકિતશાળી કોર્પોરેટરે હોટલ સંચાલકને કોઇપણ જાતની તકલીફ ન પડે અને આ જગ્યાએ ચેકીંગ કરવા આવવું નહિ તેવું અધિકારીઓને કહેતા આ કામગીરી શ થઇ શકી ન હતી. આખરે આ શકિતશાળી નેતાઓની તાકાતને કારણે ત્રણેક સ્થળોએ ચેકીંગ કરવા ગયેલી ટીમ વીલે મોઢે પાછી ફરી હવે શું થશે? શું આવા નેતાઓ સામે બાથ ભીડવી કે કેમ? તે પ્રશ્ર્ન પણ સતાવી રહ્યો છે.
સુત્રોમાંથી જાણવા મળતી માહિતી મુજબ એક હોટલ ઉપર કોર્પોરેશનનાં અધિકારીઓ ગયા ત્યારે ભાજપનાં એક શકિતશાળી નેતાએ અધિકારીઓને આદેશ કર્યો કે આ હોટલ કયારેય ચેક કરવી નહીં બધુ બરાબર ચાલે છે ત્યારે અધિકારીઓએ કહ્યું કે ભૂગર્ભ ગટર છલકાય છે અને હોટલનો કચરો જ તેમાં ઠાલવાય છે પરંતુ નેતા ટસના મસ ન થયા અને કહ્યું કે ગામમાં ઘણી બધી હોટલ છે અને રેસ્ટોરન્ટ પણ છે ત્યાં ચેક કરોને ?
હજુ આ બબાલ પૂરી ન થઇ ત્યાં કોર્પોરેશનના એક પદાધિકારી નામાંકિત ગણાતી એક હોટલ પર પહોંચ્યા અને કહ્યું કે અહીં શું કામ કામગીરી કરો છો? આ હોટલ તો મારી છે અને હું કહું તેમ જ થશે તમને મન થાય ત્યારે આ હોટલ ચેક ન કરો આવું કહીને જયાં સુધી અધિકારી ત્યાંથી ન ગયા ત્યાં સુધી આ પદાધિકારી હોટલનાં જાણે કે સીકયુરીટી હેડ હોય તે રીતે ત્યાં જ ઉભા રહ્યા, અધિકારીઓનાં મોઢા પડી ગયા અને તેઓ વીલે મોઢે ત્યાંથી ચાલ્યા ગયા શું? કરવું આખરે કોર્પોરેશનમાં નોકરી કરીને આ પદાધિકારી સામે લડાઇ કેમ કરવી તેવું કહેતા હતા.
જામનગર શહેરમાં લોકોને એમ હતું કે શાસક પક્ષના પદાધિકારીઓને ભાજપનાં ઉચ્ચ નેતાઓ જ આવી સારી કામગીરી રોકે છે પરંતુ એવું નથી વિપક્ષનાં પણ એક ઉચ્ચ હોદો ધરાવતા કોર્પોરેટર પણ એક જગ્યાએ પહોંચી ગયા અને ભાઇ આ હોટલ ચેક કરવાની નથી અને આ જગ્યાએ તો આવું જ નહીં અધિકારીઓએ તેમનાં ઉચ્ચ અધિકારીઓને ફરિયાદ કરી તેવું બહાર આવ્યું છે હવે એવુ થશે કે કોઇપણ કામગીરી સ્વચ્છતાની કામગીરી કે અન્ય કામગીરી રોકનાર કોઇપણ હોય પરંતુ અધિકારીઓ પોલીસને સાથે રાખીને હોટલ તો સીલ કરશે જ. અધિકારીઓનાં અપમાન થયા બાદ ઉચ્ચ અધિકારી તરફથી આ પ્રકારનો નિર્ણય લેવાઇ ચુકયો છે તેવી વાતો બહાર આવી છે અને આગામી દિવસોમાં કાંઇક નવા કડાકા ભડાકા થાય તેવી નવાઇ નહીં.
શહેરમાં કોર્પોરેશન દ્વારા તોડપાડની કામગીરી થાય છે ત્યારે પણ ભલામણનો દોર વછૂટે છે, કયાંક બાંધકામો રોકી દેવામાં આવે છે અને હવે તો ભૂગર્ભ ગટર સાફ કરવામાં અને હોટલ, રેસ્ટોરન્ટના સંચાલકોને નોટીસ આપવાની કામગીરીમાં પણ ભાજપ, કોંગ્રેસનાં કદાવર નેતાઓ વિઘ્ન નાખે છે તો કર્મચારીઓ કેવી રીતે કામ કરે? વારંવાર આ પ્રકારની તોછડાઇ, આદેશ કે સુચના કર્મચારીઓને મળશે તો કયાંક કોર્પોરેશનનાં અધિકારી, કર્મચારીઓ હડતાલ પર ન જાય તો સારું તેમ લોકોનું કહેવું છે.
કેટલાક ગામોમાં એવુ હોય છે કે શાસક પક્ષનાં અગ્રણીઓ આવા પ્રકારની ભલામણો કરતા હોય છે પરંતુ જામનગર મહાપાલિકામાં શાસક અને વિપક્ષનાં કોર્પોરેટરો સબંધો ભાઇ-ભાઇ જેવા છે, આ પ્રકારનાં કામ રોકાવા હોય ત્યારે એક થઇ જાય છે કયાંક મોટા કામમાં પ્રસાદ લેવાનાં કામમાં પણ સાથે બેસીને પ્રસાદ આરોગવાનો નિયમ જાળવી રાખે છે ખરેખર તો કોર્પોરેશનનાં કર્મચારી કે અધિકારી જે લીગલી કામ થતું હોય તે કરવા દેવું જોઇએ. જામનગરને આપણે સ્વચ્છ બનાવવું છે ત્યારે આવા પ્રકારની ભલામણોની નેતાઓએ દુર રહેવું જોઇએ તેવુ લોકમુખે ચર્ચાઇ રહ્યું છે.
જો આ સિલસિલો આમ જ ચાલશે તો ધીમે ધીમે પદાધિકારી અધિકારીઓ વચ્ચેનું અંતર વધતુ જશે અને સામસામે આવી જશે સરવાળે મહાનગરપાલિકાના વહીવટને હાની પહોંચશે, ભાજપ સતાધારી હોવાથી રાજય અને કેન્દ્રમાં તેની સરકારો હોવાથી અધિકારીઓનાં મોરલ સ્વાભાવિક રીતે ડાઉન થશે એટલે જરી છે કે જયાં અધિકારીઓ કાયદેસરની કાર્યવાહી કરતા હોય ત્યાં ભાજપનાં સતાધીશોએ બીનજરી દખલગીરી કરવી જોઇએ નહીં.