નર્સિંગનું ભણેલી મહિલાએ ગર્ભ પરીક્ષણનો ગોરખધંધો ચલાવવા આવાસમાં ઘર ખરીદ્યુ, મદ્રાસી પરિવારને ભાડે આપ્યું, ગ્રાહક લઇ આવવા મહિલા દલાલ રાખી

  • April 07, 2025 02:38 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા  શહેરના તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે આવેલા સીતાજી ટાઉનશીપમાં ક્વાર્ટર નંબર C 404માં થતા ગેરકાયદે ગર્ભ પરીક્ષણના કારસ્તાનને ઝડપી પાડ્યાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે 40 વર્ષીય સરોજ ડોડીયા નામની મહિલાને ઝડપી પાડવામાં આવી છે. તેમજ તેના વિરુદ્ધ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી ડોક્ટર મૌલિક ઠાકર દ્વારા PC & PNPT એક્ટની જુદી જુદી કલમ અંતર્ગત ગુનો પણ નોંધાવવામાં આવ્યો છે.​​​​​​​

એક મહિલા દલાલને રાખવામાં આવી જે ગ્રાહકદીઠ કમિશન લેતી

પોલીસની તપાસમાં સરોજ ડોડીયા દ્વારા ગર્ભ પરીક્ષણ માટે એક મહિલા દલાલને રાખવામાં આવી હતી. જે મહિલા દલાલ સરોજ પાસે ગ્રાહકો લઇ આવતી હતી. જે પેટે તેને કમિશન પણ આપવામાં આવતું હતું. તેમજ ગર્ભ પરીક્ષણ કરવા માટે તેણે સીતાજી ટાઉનશિપમાં ક્વાર્ટર પણ ખરીદ કર્યું હતું. જે ક્વાર્ટર તેણે મદ્રાસી પરિવારને ભાડે આપ્યું હતું. તેમજ જ્યારે કોઈ સગર્ભા ગ્રાહક આવે ત્યારે પરિવાર એક રૂમ ખાલી કરી આપતો હતો.


સોનોગ્રાફીના મશીન સહિતની વસ્તુઓ કબજે કરવામાં આવી 

પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમને ચોક્કસ રાહેથી બાતમી મળી હતી કે, રાજકોટના સહકાર મેઇન રોડ પર રઘુવીર સોસાયટીમાં રહેતી સરોજબેન નામની મહિલા જે હોમકેર નર્સિંગની સારવાર સાથે સંકળાયેલ છે. તે ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણ પોતાના ઘરે તેમજ ક્લાયન્ટના ઘરે જઈ કરી આપે છે. તે બાબતે મહિલા કોન્સ્ટેબલ ડમી ગ્રાહક બન્યા હતાં. તેમજ ત્યારબાદ રાજકોટ મનપાના આરોગ્ય અધિકારી સહિતનાને સાથે રાખી ટ્રેપ ગોઠવતા સરોજ ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણ કરતા ઝડપાઈ ગઈ હતી. જેથી તેમના વિરુદ્ધ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરાવવામાં આવ્યો છે. તો સાથો સાથ 4,00,000 રૂ.ની કિંમતનું સોનોગ્રાફીના મશીન સહિતની વસ્તુઓ કબજે કરવામાં આવી છે.


કોઈ ગાયનેકોલોજિસ્ટનો રોલ પણ  સામે આવી શકે 

પોલીસની પ્રાથમિક તપાસમાં સરોજ ધોરણ 12 પાસ અને નર્સિંગનો કોર્સ કરેલ હોવાનું સામે આવ્યું છે. તેમજ 10 વર્ષ કરતાં પણ વધુ નર્સિંગના વ્યવસાય સાથે સંકળાયેલી હોવાનું સામે આવ્યું છે. તેમજ ગેર કાયદેસર ગર્ભ પરીક્ષણ માટે 20,000 રૂપિયા જેટલી માતબર રકમ લેતી હોવાનું સામે આવ્યું છે. ત્યારે ડોકટર દ્વારા ઉપયોગમાં લેવામાં આવનાર ગર્ભ પરીક્ષણનું મશીન એક નર્સિંગ હોમ કેરના વ્યવસાય સાથે સંકળાયેલ મહિલા પાસે કેવી રીતે આવ્યું તે બાબતે પોલીસ દ્વારા હાલ તપાસ કરવામાં આવી રહી છે. પોલીસને શંકા છે કે સમગ્ર ઘટનામાં કોઈ ગાયનેકોલોજિસ્ટનો રોલ પણ આગામી દિવસમાં સામે આવી શકે છે.


સરોજ અગાઉ પણ ગર્ભ પરીક્ષણ કરતા ઝડપાઈ હતી

સરોજ અગાઉ પણ ગેર કાયદેસર ગર્ભ પરીક્ષણ કરતા પોલીસના હાથે વર્ષ 2021માં ઝડપાઈ ચૂકી છે. ત્યારે તેના વિરુદ્ધ રાજકોટ ડીસીબી પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application