બિહાર વિધાનસભામાં નીતિશની અગ્નિ પરીક્ષા

  • February 12, 2024 12:32 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બિહારમાં કોંગ્રેસ અને આરજેડી સાથે છેડો ફાડીને ભાજપ સાથે ગઠબંધન કરીને સરકાર બનાવવા જઇ રહેલા નીતિશ કુમારે આજે વિધાનસભામાં અગ્નિ પરીક્ષામાંથી પસાર થવું પડશે. આજે બિહાર વિધાનસભામાં નીતિશ કુમારે બહુમત સાબિત કરવો પડશે. જોકે આ દરમિયાન એવા દાવા થઇ રહ્યા છે કે જેડીયુના જ કેટલાક ધારાસભ્યો નીતિશ કુમારના કહ્યામાં નથી, તેથી વિશ્વાસમત દરમિયાન કઇ પણ થઇ શકે છે. હાલ ભાજપ, જેડીયુ, આરજેડી, કોંગ્રેસ એમ તમામ પક્ષો પોતાના ધારાસભ્યોને એક રાખવાનો પ્રયાસ કરી રહ્યા છે.

ગઈકાલે ભાજપ્ના તમામ ધારાસભ્યોને બિહારના બોધગયાના એક રિસોર્ટમાં રખાયા હતા, જ્યાંથી તેઓને રાજધાની પટના રવાના કરાયા છે. જેડીયુના ધારાસભ્યો માટે મંત્રી શ્રવણ કુમારે પોતાના નિવાસ પર ડિનરનું આયોજન કર્યું હતું જેમાં તમામ 45 ધારાસભ્યોને હાજર રહેવા કહેવામાં આવ્યું હતું, પણ એવા અહેવાલો છે કે માત્ર 39 ધારાસભ્યો જ ડિનર માટે પહોંચ્યા હતા, અન્ય ધારાસભ્યો કેમ નથી આવ્યા તેને લઇને અનેક અટકળો ચાલી રહી છે. આરજેડીના નેતા તેજસ્વી યાદવે દાવો કર્યો છે કે નીતિશ કુમાર બહુમત સાબિત નહીં કરી શકે. કોંગ્રેસના ધારાસભ્યોને તેલંગણામાં રખાયા હતા જ્યાંથી તેઓને પટના લાવવામાં આવ્યા છે. આરજેડીના તમામ ધારાસભ્યો તેજસ્વી યાદવના નિવાસ પર એકઠા થયા છે.

ઝારખંડના મંત્રી આલમગીર આલમે દાવો કર્યો છે કે બિહારની વિધાનસભામાં બહુમત સાબિત કરવી નીતિશ કુમાર માટે સરળ નહીં રહે. એનડીએ માટે
પણ કપરો સમય છે. નીતિશ કુમાર વારંવાર પલટી મારી રહ્યા છે. જેને કારણે તેમના જ પક્ષના ધારાસભ્યો નારાજ છે. મંત્રીનો દાવો છે કે બિહારના એક ડઝનથી વધુ ધારાસભ્યો ગૂમ છે. ફ્લોર ટેસ્ટ સરળ નહીં રહે. નીતિશ કુમાર અને જેડીયુથી લોકો નારાજ છે.

બિહાર વિધાનસભામાં કુલ બેઠકો 243 છે, તેથી બહુમત માટે 122 ધારાસભ્યો હોવા જરૂરી છે. હાલમાં સૌથી વધુ 79 ધારાસભ્યો લાલુ યાદવના પક્ષ આરજેડી પાસે છે, જ્યારે 78 ધારાસભ્યો સાથે ભાજપ બીજા ક્રમે અને નીતિશ કુમારનો પક્ષ જેડીયુ 45 ધારાસભ્યો સાથે ત્રીજા ક્રમે છે. કોંગ્રેસ પાસે બિહારમાં 19 ધારાસભ્યો છે. જીતન રામ માંઝીના હમ પાસે 4 ધારાસભ્યો છે.
આ ઉપરાંત ડાબેરી પક્ષ સીપીઆઇ(એમએલ)(એલ) પાસે પણ 12 ધારાસભ્યો છે. સીપીઆઇ(એમ) પાસે બે અને સીપીઆઇ પાસે બે ધારાસભ્યો છે. એક સ્વતંત્ર અને ઓવેસીના પક્ષ પાસે એક ધારાસભ્ય છે. જેડીયુ , ભાજપ, માંઝીના હમના મળીને કુલ ધારાસભ્યોની સંખ્યા 128 પર પહોંચી છે. તેથી ઓછામાં ઓછા સાત ધારાસભ્યો આઘાપાછા થાય અને વિરોધમાં મત આપે તો નીતિશ કુમારનું ફરી મુખ્યમંત્રી બનવાનું સપ્નું અધુરુ રહી શકે છે. હાલ બિહારમાં ભાજપ્ના ઓપરેશન લોટસ સામે આરજેડીનું ઓપરેશન લાલટેન જેવી સ્થિતિ જોવા મળી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application