જામનગરમાં ૩ દુકાનને નિશાન બનાવતા નિસાચરો

  • December 13, 2023 10:55 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

તિનબતી નજીક રાત્રીના દુકાનોના પતરા ઉંચા કરી તસ્કરો ત્રાટકયા : માલસામાન સહિતની ચોરી : સીસી ફુટેજ ચેક કરતી પોલીસ

જામનગર શહેર-જીલ્લામાં ચોરીના બનાવો યથાવત રહયા છે, તાજેતરમાં થયેલી માતબર રકમની ચોરી સહિતના બનાવોનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે ત્યાં શહેરના તિનબત્તી વિસ્તારમાં મોડી રાત્રીના ૩ દુકાનોને તસ્કરોએ નિશાન બનાવી હતી, ઉપરના પતરા ખેસવીને અંદર ત્રાટકયા હતા, જો કે કેટલો મુદામાલ લઇ ગયા એ ફરીયાદમાં બહાર આવશે.
ઠંડીના દિવસોમાં તસ્કરો અલગ અલગ વિસ્તારોમાં કસબ અજમાવી રહયા છે, તાજેતરની ચોરીઓના ભેદ ઉકેલાયા બાદ અન્ય ચોરી અંગે વિગતો સામે આવી છે, જામનગર શહેરના સતત ધમધમતા જુના સ્ટેશન નજીકના તિનબત્તી વિસ્તારમાં આવેલી કરીયાણા સહિતની ૩ દુકાનોમાં મોડી રાત્રીના તસ્કરો ઉપરના સિમેન્ટના પતરાઓ ખેસવીને અંદર ત્રાટકયા હતા.
આજે સવારે ચોરી અંગેની જાણ થતા વેપારીઓ દ્વારા સીટી-બી પોલીસને જાણ કરવામાં આવી હતી અને ટુકડી સ્થળ પર દોડી આવી હતી, પોલીસ દ્વારા પ્રાથમિક વિગતો જાણીને આજુબાજુના સીસી કેમેરા ચેક કરવામાં આવી રહયા છે. દુકાનમાંથી માલસામાન સહિત અંદાજે અડધા લાખ જેવો મુદામાલ લઇ ગયાની વિગતો જાણવા મળી છે, બીજી બાજુ દુકાનદારો દ્વારા ફરીયાદ નોંધાવવા તજવીજ હાથ ધરી છે જે ફરીયાદમાં કુલ કેટલી ચોરી થઇ એ વિગતો સામે આવશે, હાલ દુકાનોને તસ્કરોએ નિશાન બનાવતા ચકચાર વ્યાપી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application