આગામી તા. ૨૫ના રોજ વડાપ્રધાનના હસ્તે સિગ્નેચર બ્રીજ ખુલ્લો મુકાવાની શકયતા

  • February 10, 2024 10:25 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાળીયા ઠાકોરના દર્શન કરશે : દ્વારકાના એનડીએચ હાઇસ્કુલના મેદાનમાં જનસભા પણ સંબોધશે : જો કે આ અંગે હજુ સત્તાવર કાર્યક્રમ નકકી થયો નથી : દ્વારકામાં તડામાર તૈયારીઓ શરુ : ઓખા, દ્વારકા, સુરજકરાડી, બેટ, મીઠાપુરમાં લોકોને ઘેર ઘેર દિવા પ્રગટાવવા અપીલ :  મજબુત સુરક્ષા ચક્ર ગોઠવાશે : રાત્રી રોકાણ દ્વારકામાં

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તા. ૨૪ અને ૨૫ના રોજ દ્વારકાની મુલાકાતે આવી રહયા છે અને તા. ૨૫ના રોજ ઓખા ખાતેના સિગ્નેચર બ્રીજનું ઉદઘાટન કરશે તેવી વાત બહાર આવી રહી છે ત્યારે જો કે સત્તાવાર હજુ કોઇ જાહેરાત કરવામાં આવી નથી પરંતુ દ્વારકાનું વહિવટી તંત્ર અત્યારથી જ તડામાર તૈયારીઓ શરુ કરી રહયું છે, ઓખા, દ્વારકા, સુરજકરાડી, બેટ, મીઠાપુરમાં લોકોને ઘેર ઘેર દિવા પ્રગટાવવા અપીલ કરવામાં આવી છે અને ઇમારતોને શણગારવા પણ નકકી કરવામાં આવ્યું છે, રાજયના ઉચ્ચ અધકારીઓ દ્વારકા આવી રહયા છે અને સંભવત વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા. ૨૪ના રોજ રાત્રી રોકાણ દ્વારકામાં કરે તેવી પણ શકયતા છે. વડાપ્રધાન આવવાના હોય, કલેકટર જી.ટી. પંડયા અને ઉચ્ચ અધિકારીઓ સતત કામગીરી કરી રહયા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદનું સ્વપ્ન હતું કે ઓખાના દરીયામાં સિગ્નેચર બ્રીજ બને, ત્યારે આ સ્વપ્ન હવે પુરું થશે, દ્વારકામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભગવાન દ્વારકાધીશના દર્શન કરશે અને રાત્રી રોકાણ પણ ત્યાં કરશેે તેવું નકકી થઇ રહયું છે, તા. ૨૫ના રોજ તેઓ સિગ્નેચર બ્રીજનું ઓપનીંગ કરશે અને દ્વારકાના એનડીએચ હાઇસ્કુલના મેદાનમાં જનસભા પણ સંબોધશે તેમ જાણવા મળેલ છે, ગઇકાલે મળેલી મીટીંગમાં કલેકટર જી.ટી. પંડયા, એસપી નિતેશકુમાર પાંડેય, એસડીએમ ભગોરા, ચિફ ઓફીસર નિશીત ઉદય, ડીવાયએસપી પરમાર, ધારાસભ્ય પબુભા માણેક ઉપરાંત હોટલ એસો. વેપારી મંડળના સભ્યો સાથે મિટીંગ કરવામાં આવી હતી.
એવી વિગતો બહાર આવી છે કે તા. ૨૪ના રોજ બેટ દ્વારકાના તમામ મંદિરો, મુખ્ય કચેરીઓ અને બજારોને પણ શણગારવામાં આવશે, ઠેર ઠેર લાઇટીંગ કરવામાં આવશે, રાજયના માર્ગ મકાન વિભાગના સચિવ તેમજ પ્રભરી સચિવ મુકેશ પંડયા પણ દ્વારકા આવી રહયા છે, શહેરમાં રખડતા પશુઓને પકડવા તેમજ વિશેષ સફાઇ ઝુંબેશ કરવા પણ નગરપાલીકા દ્વારા જાહેરાત કરી દેવામાં આવી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારકા આવવાના હોય ભાજપના કાર્યકરોમાં પણ ઉત્સાહનું મોજુ ફરી વળ્યું છે, કેબીનેટ મંત્રી મુળુભાઇ બેરા, રાઘવજી પટેલ, સાંસદ પુનમબેન માડમ સહિતના અગ્રણીઓ પણ દ્વારકામાં હાજર રહેશે, હાલ તો વડાપ્રધાન તા. ૨૪ના રાત્રી રોકાણ દ્વારકામાં કરે એ રીતનો કાર્યક્રમ ઘડવામાં આવી રહયો છે. રાજકોટ રેન્જ આઇજી અશોક યાદવ, એસપી નિતેશકુમાર પાંડેય સહિતના ઉચ્ચ અધિકારીઓ સુરક્ષા વ્યવસ્થાની ગોઠવણીમાં લાગી ગયા છે, વડાપ્રધાન જે રસ્તે પસાર થવાના છે અને જયાં જનસભાને સંબોધવાના છે ત્યાં મજબુત સુરક્ષા ચક્ર ગોઠવવા માટે પ્લાન તૈયાર કરવામાં આવી રહયો છે, લાંબા સમય બાદ વડાપ્રધાન દ્વારકામાં આવી રહયા હોય ભાજપના કાર્યકરોમાં ઉત્સાહનું મોજુ ફરી વળ્યું છે.
***
દ્વારકામાં વડાપ્રધાન જનસભાને સંબોધન કરે તેવી શકયતા
તા. ૨૫ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારકામાં આવી રહયા છે તેવો કાર્યક્રમ ઘડાઇ રહયો છે ત્યારે દ્વારકાના એનડીએચ હાઇસ્કુલના મેદાનમાં તેઓ જનસભાને સંબોધન કરશે અને આ માટે મેદાનની આજુબાજુ પણ સુરક્ષા ચક્ર વધુ મજબુત થાય તે માટે પ્રયાસો થઇ રહયા છે.
***
વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાળીયા ઠાકોરના દર્શન કરશે
વડાપ્રધાન આગામી તા. ૨૪ના રોજ રાત્રી રોકાણ દ્વારકામાં કરશે ત્યારે તેઓ જગત મંદિરમાં કાળીયા ઠાકોરના દર્શન કરી પાદુકા પુજન કરશે, વડાપ્રધાન જયારે દ્વારકા મંદિરમાં આવે ત્યારે થોડો સમય લોકો માટે મંદિરના દર્શન બંધ કરી દેવામાં આવશે તેમ પણ જાણવા મળેલ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News