જીજી હોસ્પિટલમાં ન્યુરોસર્જન સુપર સ્પેશ્યાલીટીની સેવાઓ ફૂલ ટાઈમ મળશે

  • December 30, 2023 12:13 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

લાંબા સમયથી કરાતી માંગણી સંતોષાઈ : જી.જી. હોસ્પિટલની આરોગ્ય સેવામાં ઉમેરો થતાં સૌરાષ્ટ્રના દર્દીઓને સર્જરી માટે અમદાવાદ સુધી દૂર નહિ જવું પડે: એમ.પી.શાહ મેડિકલ કોલેજના ડીન ડો. નંદિની દેસાઇ

જામનગર જીલ્લાની એમ.પી. શાહ સરકારી મેડીકલ કોલેજ સંલગ્ન જી.જી. સરકારી હોસ્પિટલ ખાતે ન્યુરોસર્જન સુપર સ્પેશ્યાલીટીની સેવાઓ હાલ (ફૂલ ટાઈમ) ડો. તેજસ ચોટાઈનાં જોડાવવાથી શરુ થયેલ છે. તેઓ દર શુક્રવારે ઓપીડી અને મંગળવાર તથા ગુરુવારે ઓપરેશન કરશે. આ ઉપરાંત સંસ્થા ખાતે બે ન્યુરોસર્જન ડો. હર્ષ શાહ (દર બુધવારે) અને ડો. પવન વસોયા (દર સોમવારે) પણ સી.એમ.સેતુ અંતર્ગત સુપર સ્પેશ્યાલીટી સેવાઓ આપી રહ્યા છે.
સી.એમ.સેતુ અંતર્ગત વિવિધ સુપર સ્પેશ્યાલીટી જેવી કે  ડો. ધીરેન બુચ, યુરોલોજીસ્ટ (દર બુધવારે) ડો. કુશલ કપાસી (દર શુક્રવારે), ડો. અમિત સીતાપરા, પીડીયાટ્રીક સર્જન (મહિનાના પ્રથમ શુક્રવારે), ડો. રૂચીર મેહતા, વીટ્રીઓ  રેટાઈનાં સ્પેશીયાલીસ્ટ (દર સોમવારે), ડો. ઝલક ઉપાધ્યાય, પીડીયાટ્રીક એન્ડોક્રાઈનોલોજીસ્ટ (દર મહિનાના પહેલા શુક્રવાર), ડો. શિવાની ભટ્ટ, મેડીકલ ઓન્કોલોજીસ્ટ (દર બુધવારે) ની સેવાઓ હાલ ઉપલબ્ધ છે.
ન્યુરોસર્જરી સુપર સ્પેશ્યાલીસ્ટ તજજ્ઞ જોડાવવાનાં કારણે દર્દીઓને સારવારમાં ઘણો લાભ મળી શકશે આ ઉપરાંત પોસ્ટ ગ્રેજીયુએટ કોર્સ પણ અત્રે સુપર સ્પેશ્યાલીટી અંતર્ગત ચાલુ કરી શકાશે અને આ સિવાયની બીજી ૪ સુપર સ્પેશ્યાલીટીનાં કોર્ષ શરુ કરવા માટેની દરખાસ્ત પણ રાજ્યકક્ષાએ પણ કરવામાં આવેલી છે. તેમજ મંજુર થયેલ સુપર સ્પેશ્યાલીટી બિલ્ડીંગ બનતા તેમાં વધુ સારી સુવિધાઓ અને હાલ કરતા પણ વધુ સુપર સ્પેશ્યાલીટી વિભાગો ડેવલોપ કરી શકાશે.
આ અંગે વધુમાં એમ.પી.શાહ મેડિકલ કોલેજના ડીન નંદિનીબેન દેસાઇએ જણાવ્યું હતું કે, જામનગર જિલ્લાના પદાધિકારીઓ અને અધિકારીઓની મહેનતના પરિણામે હોસ્પિટલમાં ફૂલ ટાઈમ ન્યુરોસર્જન સુપર સ્પેશ્યાલીટીની સેવાઓ ઉપલબ્ધ થઈ છે. જેના પરિણામે જામનગર સહિત દ્વારકા અને પોરબંદર જિલ્લામાં અકસ્માતનો ભોગ બનેલા દર્દીઓને અમદાવાદ સુધી દૂર નહિ જવું પડે અને તાત્કાલિક જીજી હોસ્પિટલ ખાતે સારવાર મળી રહેશે.
ન્યૂરોસર્જરી ઉપરાંત સરકારમાં કાર્ડિયોલોજી, પ્લાસ્ટિક સર્જરી, નેફ્રોલોજી અને યુરોસર્જરીમાં ફૂલ ટાઈમ પ્રોફેસર ફાળવવા પણ વિનંતી કરવામાં આવી છે. ગત વર્ષે ૫૫૦ કરોડના ખર્ચે હોસ્પિટલના અદ્યતન ઇન્ફ્રાસ્ટ્રકચરને મંજૂરી મળી છે જેમાં સુપર સ્પેશિયાલિટી બ્લોકનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેના પરિણામે સૌરાષ્ટ્ર રિજીયનને સુપર સ્પેશિયાલિટી સેવાઓ આપી શકાશે.
લાંબા સમયથી જીજી હૉસ્પિટલમાં ન્યૂરોસર્જનની જગ્યા ખાલી હતી, ત્યારે થોડાં સમયથી પાર્ટટાઈમ ન્યૂરોસર્જન આવતાં હતાં, પરંતુ હવે સરકારે જીજીમાં કાયમી ન્યૂરો સર્જનની નિમણૂંક કરતાં લોકોને અરજન્ટ કેસમાં અમદાવાદ કે અન્ય સ્થળે જવું નહીં પડે આમ હાલરીઓને રાજ્ય સરકારે વધુ એક ડૉક્ટર સુવિધાની ભેંટ આપી છે. હવે જામનગરમાં જ ન્યૂરો સર્જરી થઈ શકશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application