વેપારીઓની લાખોની જણસો બારોબાર વેચી દેવાનું રાયવ્યાપી કૌભાંડ: ક્રાઈમ બ્રાંચે ચારને દબોચ્યા

  • December 30, 2023 03:07 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં  ૨૫ લાખથી વધુના સીંગદાણા વેચવા આવેલી હિંમતનગરની ત્રિપુટી તથા માણાવદરના ચુડવાના ટ્રક ચાલકને રાજકોટ ક્રાઈમ બ્રાંચે દબોચી લઈ પાલનપુર, કેશોદના વેપારી સાથે થયેલી લાખોની છેતરપીંડીના ભેદ સાથે વેપારીઓની જણસો બારોબાર વેચી દેવાના રાય વ્યાપી કૌભાંડનો પર્દાફાશ કર્યેા છે. ૨૫.૨૬ લાખના સીંગદાણા ટ્રક, કાર મળી ૩૬,૭૬,૮૯૮નો મુદ્દામાલ કબજે કર્યેા છે. ઝડપાયેલા ચારેય શખસો વિરૂધ્ધ કેશોદમાં ગુનો નોધાયેલ હોવાથી કબજો કેશોદ પોલીસને સોંપાયો છે.

રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં હિંમતનગરના શખસો છેતરપીંડીથી મેળવેલા લાખો રૂપિયાના સીંગદાણા વેચવા આવવાના હોવાની ક્રાઈમ બ્રાંચના એએસઆઈ હરદેવસિંહ જાડેજા, કોન્સ્ટેબલ ક્રિપાલસિંહ ગોહીલને માહિતી મળી હતી. જે આધારે પીએસઆઈ એ.એન.પરમાર ટીમ સાથે વોચમાં હતા. મોરબી રોડ હાઈવે નજીક બાતમીવાળો કચ્છ પાસગ જીજે૧૨એયુ ૬૬૩૮ ટ્રક તથા સાથે રહેલી જીજે૦૯બીજે ૫૪૩૫ નંબરની હિંમતનગર પાસગની કાર અટકાવી હતી. ટ્રક ચાલક જુનાગઢના માણાવદરના ચુડવા ગામના નયન નાથાભાઈ મીયાત્રા ઉ.વ.૩૮ તથા હિંમતનગરની ત્રિપુટી કેબલ કનેકશન તથા કેટલ ફીડની દલાલી કરતા નાજીમ કોદરખાન પઠાણ ઉ.વ.૪૯ રહે. ગોપાલ કુંજ સોસાયટી છાપરીયા વિસ્તાર હિંમતનગર, કમિશન એજન્ટ મકસુદ અબ્બાસ મંસુરી ઉ.વ.૪૪ રહે. ઢાલવાડ પ્રજાપતિવાસ હિંમતનગર, અશરફનગર કસબા હિંમતનગરમાં રહેતો અયુબ શરીફખાન પઠાણ ઉ.વ.૫૩ને સકંજામાં લીધા હતા.

હિંમતનગરની ત્રિપુટીની હાથ ધરાયેલી કડક પુછપરછમાં વેપારીઓના સીંગદાણા અલગ અલગ શહેરમાં યાર્ડમાં કે અન્યત્ર વેપારીઓને સસ્તામાં વેચી દેવાનું કૌભાંડ બહાર આવ્યું હતું. રાજકોટ વેચવા આવેલા ૨૫,૨૬,૮૯૮ રૂપિયાના અંદાજે ૨૫ ટન સીંગદાણા કેશોદના વેપારી સુરેશભાઈ પરસોતમભાઈ સાવલીયા તા.૨૧ના રોજ મુંદ્રા પોર્ટ પર મોકલ્યા હતા. જે બારોબાર હિંમતનગર મકશુદ પાસે પહોંચી ગયા હતા. ત્યાંથી ત્રણેય ટ્રકમાં દાણા ભરી રાજકોટ વેચવા આવ્યા હતા.

આ ઉપરાંત આવી જ રીતે પાલનપુરના સુરેશભાઈ સમરતભાઈ પટેલ નામના વેપારીને ચેન્નાઈની એકસપોર્ટ પેઢી તરફથી મળેલા મોટા ઓર્ડર મુજબ તેમણે ૨૫ ટન સીંગદાણા ડિસાના ચામુંડા ટ્રાન્સપોર્ટમાં પાલનપુરથી તા.૯૧૨ના રોજ ટ્રકમાં ચાલક ભીમા રબારી મારફતે મુંદ્રા પોર્ટ પર રવાના કર્યા હતા. ૨૬.૭૭ લાખની જણસ સિંગદાણા મુંદ્રા પહોંચ્યા ન હતા જે અંગે તપાસ બાદ બે દિવસ પહેલા તા.૨૮ના રોજ પાલનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. આ દાણાનો જથ્થો પણ મકસુદે સાગરીતો સાથે મળી સસ્તા ભાવે ૧૫ લાખમાં વેચી નાખ્યો હતો. ગઈકાલે પણ આવી જ રીતે બીજો લોટ વેચે તે પુર્વે રાજકોટ ક્રાઈમ બ્રાંચે પકડીને રેકેટનો પર્દાફાશ કર્યો છે.


કચ્છનો શખસ મુખ્ય સૂત્રધાર લાખોની જણસો બારોબાર ઉપડાવ


હિંમતનગરથી પકડાયેલી ત્રિપુટીમાં મકસુદ કમિશન એજન્ટ છે. તે કચ્છના નખત્રાણાના વતની નીતીન ભાનુશાળીના સંપર્કમાં હતો. મુંદ્રા પોર્ટ પર એકસપોર્ટ થવા માટે આવતો માલ નીતીન બારોબાર ઉપડાવી લેતો. પાલનપુરના વેપારીના ૨૬ લાખના સિંગદાણા પણ મકસુદે સાબરકાંઠામાં વેચ્યા હતા. કેશોદના વેપારીના સિંગદાણાનો જથ્થો નીતીને જ મકસુદને સંપર્ક કરીને હિંમતનગર વેચવા મોકલ્યો હતો. ત્યાંથી મકસુદ સાગરીતો સાથે મળી ટ્રકમાં ૨૫.૨૬ લાખના દાણા ભરી રાજકોટ વેચવા આવ્યો હતો. કેશોદ પોલીસ ઉંડી તપાસ કરે તો કદાચીત અગાઉ પણ આવા કારસ્તાન કર્યા હોય તો બહાર આવી શકે. મકસુદે કરેલા કથનમાં અગાઉ ૧૫ લાખના દાણા વેચ્યા તેમાં માત્ર ૭૫ હજાર કમિશન મળ્યું હતું. બાકી રકમ નીતીને મેળવી હતી. સુત્રધાર નીતીન તથા કેશોદનો ચાલક હાથમાં આવે ત્યારે સમગ્ર કૌભાંડમાં કોનો મુખ્ય રોલ અને કેટલા સમયથી કારસ્તાન ચાલતું હતું તે ખુલી શકે તેવું પોલીસના સુત્રોનું માનવું છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application