હાદાનગરના રસ્તા મામલે મનપા અને રેલવે આમને સામને

  • December 23, 2023 07:31 PM 

ભાવનગર શહેરના લોકો માટે રેલવે દ્વારા રસ્તો બંધ કરતા મ્યુ.કમિશનર દ્વારા રેલવે સામે કાર્યવાહી કરાઈ. રેલવે દ્વારા એક રસ્તો બંધ કરી દેવામાં આવતા મહાનગર પાલિકા દ્વારા બે રોડ અને પાણીની લાઈન બંધ કરી દેવામાં આવી હતી. જોકે રેલવે કોલોનીના લોકોને ધ્યાને રાખી પાણીની લાઈન ફરીથી શરુ કરી દેવામાં આવી હતી.
ભાવનગર શહેરના હાદાનગરથી પરા રેલ્વે સ્ટેશન જવાનો રસ્તો જાહેર જનતા માટે બંધ કરી રેલ્વે તંત્રએ જો હુકમી કરી હતી. આ અંગે સ્થાનિક રહિશોમાં ભારે રોષ ફેલાયો હતો અને કોર્પોરેશન સુધી ફરિયાદ પહોચતા કમિશનર એન.વી.ઉપાધ્યાયએ જેસીબી મોકલીને રેલ્વે કરેલી આડશ દુર કરાવી હતી. તેની સામે રેલ્વે તંત્રએ કાયદાનો દંડો ઉગામી આરપીએફને મોકલી કોર્પોરેશનના કોન્ટ્રાકટર અને તેના માણસને બેસાડી દઈ કાનુની કાર્યવાહી માટે ચક્રો ગતીમાન કર્યા હતા. જેની જાણ થતા કમિશ્નર ઉપાધ્યાય લાલઘુમ થયા હતા અને રેલ્વે તંત્રને ભરીપીવા મ્યુ.તંત્રને સુચના આપી તેના બે રસ્તા બંધ કરાવી દિધા હતા અને પાણી સપ્લાય પણ બંધ કરાવતા રાત્રે બે વખત ડીઆરએમે કલેકટરને ફોન કરીને પાણી સપ્લાય શરૂ કરાવવા વિનવ્યા હતા. આખરે કમિશ્નરે રાત્રે મોડેથી પાણીનો સપ્લાય શરૂ કરાવ્યો હતો. કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારના બે વિભાગો વચ્ચે રીતસર જંગ સમાન આ ઘટનામાં આખરે હાલ તો રેલ્વેએ નમતુ જોખ્યુ છે અને તાજેતરમાં બંધ કરાયેલ હાદાનગરનો રસ્તો ફરીથી લોકોની અવરજવર માટે શરૂ કર્યો છે. જો કે મ્યુ.કમિશ્નરે માત્ર લોકો ચાલીને જઈ શકે તે રીતે નહી પરંતુ દરેક વાહનો પસાર થઈ શકે તે રીતે રસ્તો ખુલ્લો મુકવા રેલ્વે તંત્રને સાફ જણાવી દઈ આ મુજબ અમલ નહી થાય ત્યાં સુધી કોર્પોરેશને રેલ્વેને બે રસ્તા ઉજાગર કરી અને રેલ્વે તમામ રસ્તા ખોલી આપે તેવી માંગ રાખી છે. આ સંદર્ભે આગામી દિવસોમાં કલેકટરની અધ્યક્ષતામાં મિટીંગ કરવામાં આવશે. અને તેમાં રેલ્વે વતી ડીઆરએમ પોતે ઉપસ્થિત રહેશે તેવું પ્રોમીસ લેવામાં આવ્યું છે. અને બાદમાં જ કોર્પોરેશને પાણી સપ્લાય પૂર્વવત કર્યો હતો. આમ આ વિવાદમાં હાલ રેલ્વે તંત્રનો ફાકો  ઉતરી ગયો છે અને પ્રજાજનો ખોટી રીતે હેરાન કરવાનો પરેશાન કરવાનો મનસુબો ખુલ્લો પડી ગયો છે. મ્યુ. તંત્ર અને કમિશ્નરે કરેલી કાર્યવાહીની ભાવનગરના લોકોમાં જબ્બર સરાહના થઈ રહી છે. ઉલ્લેખનિય છે કે હાદાનગર વિસ્તારની સાતથી આઠ સોસાયટીના રહિશો માટે રેલ્વેનો આ રસ્તો શોર્ટકટ અને એકદમ ઉપયોગી છે. સ્કુલ જતા બાળકો તેમજ ઈમરજન્સી વેળા એમ્બ્યુન્સ સહિતના વાહનો આ રસ્તેથી લોકો સુધી જડપથી પહોંચી શકે છે. પરંતુ રેલ્વે તંત્રના પેટમાં તેલ રેડાતા હાદાનગરનો રસ્તો રીપેરીંગના નામે બંધ કરી દેતા મ્યુ. તંત્ર એકશન મોડમાં આવ્યુ છે. મહાનગર પાલિકા દ્વારા રેલવેની સામે કરાયેલી કાર્યવાહીથી હાદાનગર વિસ્તારમાં આવેલી ૨૦ થી વધુ સોસાયટીઓના લોકોમાં ખુશીની લાગણી જોવા મળી હતી. અને જોકે રેલવે દ્વારા જો હુકમી કરી કુંભારવાડા ગઢેચી ફાટક પાસે ભાવનગર પરા સ્ટેશન સુધી જવાનો રસ્તો અને ગઢેચી નદીના પુલમાં પણ રસ્તો બંધ કરતા લોકોને ખુબ મુશ્કેલી પડી રહી છે. ત્યારે આ અંગે પણ યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application