રામાપીર ચોકડીએ જાહેરમાં ગંદકી ફેલાવતી હોટલ દેવજીવન સીલ કરાવતા મ્યુ.કમિશનર

  • October 28, 2023 04:32 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ શહેરમાં રામાપીર ચોકડી વિસ્તારમાં જાહેરમાં ગંદકી ફેલાવવા બદલ હોટેલ દેવજીવનને મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલના આદેશથી સીલ કરવામાં આવી હતી. રાજકોટ શહેરમાં રામાપીર ચોકડી પાસે, 150 ફૂટ રિંગ રોડ ખાતે આવેલ હોટલ દેવજીવન દ્વારા જાહેર આરોગ્યને નુકસાન કરે તે રીતે જાહેર ગંદકી તેમજ કચરો કરવામાં આવતો હોય, તા.23-10-2023ના રોજ આ બાબતે નોટીસ આપી તેમજ તા. 16-10-2023ના રોજ રૂ.500ના વહીવટી ચાર્જની પણ વસુલાત કરવામાં આવી હતી. તદ્દઉપરાંત આ હોટલના સંચાલકોને જાહેરમાં ગંદકી ન કરવા તેમજ સ્વચ્છતા જાળવવા અવાર-નવાર સુચના આપવામાં આવી હતી તેમ છતાં, તા.27-10-2023ના રોજ સ્થળ તપાસ કરતાં હોટલની આસપાસ ખુબજ ગંદકી તેમજ કચરો જોવા મળ્યો હતો. અગાઉ નોટિસ અને વહીવટી ચાર્જ વસુલ કરવા છતાં તેમના દ્વારા સ્વચ્છતા જાળવવામાં આવી ન હતી અને સ્વચ્છતા બાબતે કોઈ સુધારો જણાયો ન હતો. જેથી ગઇકાલે તા.27-10-2023ના રોજ સાંજે 7:30 કલાકે હોટલ દેવજીવનના સંચાલકોને નોટીસ આપીને હોટલ સીલ કરવામાં આવી હતી.વિશેષમાં આ અંગે મ્યુનિ. કમિશનરશ્રી આનંદ પટેલે જણાવ્યું હતું કે, સ્વચ્છતા અભિયાન લોકજીવનનો સક્રિય હિસ્સો બની રહે અને તેની પ્રકૃતિ સાથે પણ વણાઈ જાય તે જરૂરી જણાય છે. જાહેર સ્વચ્છતાની બાબત એ સામાજિક જીવનની શિષ્તબદ્ધતાનું પ્રતિક છે. શહેરીજનો રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરને સ્વચ્છ રાખવા જહેમત ઉઠાવવામાં આવી રહી છે તેમાં સક્રિય અને સજાગપણે સામેલ થાય એટલે અપેક્ષિત પરિણામો મળે છે. જાહેરમાં ગંદકી કરતા લોકો સામે આ અગાઉ અનેક વખત પગલાં લેવાયા છે, આમ છતાં ક્યાંક કેટલાક લોકો હજુ પણ ભૂલ કરતા રહે છે. લોકોમાં સ્વયં જાગૃતિ આવે તે ઈચ્છનિય છે, પરંતુ જયારે આવું સંભવ ન બને ત્યારે વહીવટી તંત્ર કડક પગલાં લેવા મજબુર બને છે. જાહેરમાં સ્વચ્છતાને નજર અંદાજ કરી ગંદકી કરનારા લોકો અને વ્યવસાયી સંકુલો સામે વહીવાટી ચાર્જ અને સીલીંગ સહિતના પગલાં લેવામાં આવશે. જાહેરમાં ગંદકી કરતા આસામીઓ સામે ધી જી. પી. એમ. સી. એક્ટ-1949ની કલમ 376-એ હેઠળ આગામી સમયમાં પણ કડક કાર્યવાહી કરવામાં આવશે જેમાં વહીવટી ચાર્જ-સીલીંગ વગેરે જેવા પગલાં સામેલ છે.આ કાર્યવાહી ધી જીપીએમસી એક્ટ-1949ની કલમ- 376-એ અન્વયે મ્યુનિ.કમિશનર આનંદ પટેલ તથા નાયબ કમિશનર અનિલ ધામેલીયાના માર્ગદર્શન હેઠળ પયર્વિરણ ઇજનેર નિલેશ પરમાર, એન્ક્રોચમેન્ટ રીમુવલ ઓફિસર બારીયા તથા નાયબ પયર્વિરણ ઇજનેર વલ્લભ જીંજાળા તેમજ વોર્ડના સેનેટરી ઇન્સપેકટર તેમજ તેમના તાબા હેઠળ સ્ટાફ દ્વારા કામગીરી કરાઇ હતી.હાલ સરકારના સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત શહેરને તેમજ શહેરની બહારના વિસ્તારો, શહેરને જોડતા હાઇ-વે વિગેરેને સ્વચ્છ કરવા માટે સઘન કાર્યવાહી કરવામાં આવી રહેલ હોય, જાહેરમાં ગંદકી ફેલાવતાં આસામીઓ તેમજ ધંધાર્થીઓને નોટીસ આપી વહીવટી ચાર્જ વસુલવા તેમજ તેમાં સુધારો ન જણાતા આવા આસામીઓ-ધંધાર્થીઓ સામે તેની દુકાન-ધંધાનું એકમ સીલ કરવા સુધીના આકરા પગલાં લેવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application