મુંબઈની માત્ર એક જ ભાષા નથી, ગુજરાતીથી પણ કામ ચાલે: ભૈયાજી

  • March 07, 2025 10:19 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
આરએસએસના વરિષ્ઠ નેતા સુરેશ ભૈયાજી જોશીએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે કે મુંબઈની એક જ ભાષા નથી. દરેક વિસ્તારની અલગ ભાષા છે. જેમ કે ઘાટકોપરની ભાષા ગુજરાતી છે. મુંબઈમાં રહીને મરાઠી ન શીખો તો ચાલે. જેના કારણે મહારાષ્ટ્રમાં રાજકીય હોબાળો થયો હતો. ઉદ્ધવ ઠાકરેએ ભૈયાજી સામે દેશદ્રોહનો કેસ કરવાની માગણી કરી હતી. વિધાનસભામાં આ મુદ્દે ધમાલ થતાં ગહ મુલત્વી રાખવું પડયું હતું. આખરે સીએમ દેવેન્દ્ર ફડણવીસે વિધાનસભામાં કહેવું પડયું હતું કે મુંબઈના દરેક નાગરિકની ફરજ છે કે તેઓ મરાઠી ભાષા શીખી લે. વિવાદ વધ્યા બાદ ભૈયાજી જોશીએ પણ પોતાનું નિવેદન બદલાવી નાખ્યું હતું હતું.સુરેશ ભૈયાજી જોશીએ વિદ્યાવિહાર વિસ્તારમાં યોજાયેલા એક કાર્યક્રમમાં આ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે મુંબઈમાં મરાઠીભાષીઓ સિવાય અન્ય રાજ્યોના લોકો પણ રહે છે. અનેકવાર ભાષાવિવાદ થાય છે. મુંબઈમાં રહેવું હોય તો મરાઠી બોલવું પડે એવો આગ્રહ રખાતો હોય છે. પરંતુ, વાસ્તવમાં મુંબઈની એક જ ભાષા નથી. દરેક વિસ્તારની અલગ અલગ ભાષા છે. ગિરગામમાં મરાઠી વધારે બોલાય છે. ઘાટકોપરની ભાષા ગુજરાતી છે. મુંબઈમાં રહેનારને મરાઠી આવડતી જ હોય તે જરુરી નથી.આ નિવેદન બાદ ભારે હોબાળો મચી ગયો હતો. શિવસેનાના ઉદ્ધવ જૂથના નેતા ભાસ્કર જાધવે સરકારને ભૈયાજીના નિવેદન મુદ્દે પોતાનું વલણ સ્પષ્ટ કરવા કહ્યું હતું. વિપક્ષોએ સૂત્રોચ્ચાર કરતાં ભારે ધમાલ મચી ગઈ હતી.ગૃહ પાંચ મિનીટ માટે મુલત્વી રાખવું પડયું હતું. બાદમાં સીએમ દેવેન્દ્ર ફડણવીસે ગૃહમાં નિવેદન કરતાં કહ્યું હતું કે મુંબઈ રહેતા દરેક વ્યક્તિની ફરજ છે કે તે મરાઠી ભાષા શીખી લે. સરકાર તમામ ભાષાઓનું સન્માન કરે છે પરંતુ મરાઠી એ મુંબઈ અને મહારાષ્ટ્રની ભાષા છે એ સ્પષ્ટ જ છે. દરેક વ્યક્તિએ દરેક ભાષાને સમાન આદર આપવો જોઈએ એમ તેમણે કહ્યું હતું.


નિવેદન બાદ ભૈયાજીનો યુટર્ન

પોતાના નિવેદનને લઈને વિવાદોમાં ઘેરાયેલા આરએસએસ નેતા ભૈયાજી જોશીએ સ્પષ્ટતા આપી છે. ભૈયાજી જોશીએ કહ્યું કે મારા નિવેદનને કારણે કેટલીક ગેરસમજ થઈ છે. હું વિવિધ ભાષાઓના સહઅસ્તિત્વ વિશે વાત કરી રહ્યો હતો, પરંતુ હું સ્પષ્ટ કરવા માંગુ છું કે મુંબઈ અને મહારાષ્ટ્રની ભાષા મરાઠી છે અને અહીં રહેતા બધા લોકોએ મરાઠી ભાષા શીખવી જોઈએ. ભૈયાજી જોશીએ કહ્યું કે મુંબઈ મહારાષ્ટ્રમાં છે અને અહીંની માતૃભાષા મરાઠી છે. ભારત વિવિધ ભાષાઓનો દેશ છે. ભારતમાં વિવિધ ભાષાઓ બોલાય છે. મુંબઈમાં વિવિધ ભાષાઓ બોલતા લોકો પણ રહે છે. આવી સ્થિતિમાં, એવી અપેક્ષા રાખવી સ્વાભાવિક છે કે જે કોઈ મુંબઈ આવે છે તેણે મરાઠી ભાષા શીખવી જોઈએ, મરાઠી સમજવી જોઈએ અને મરાઠી વાંચવી જોઈએ. મારી માતૃભાષા પણ મરાઠી છે, પરંતુ હું બધી ભાષાઓનો સમાન રીતે આદર કરું છું, મારા નિવેદનને સમાન ભાવનાથી જોવું જોઈએ. મારો હેતુ કોઈ પણ ભાષાનું અપમાન કરવાનો નહોતો.


ભૈયાજીએ મરાઠી ભાષાનું અપમાન કર્યું નથી: એકનાથ શિંદે

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ પણ આ વિવાદ પર પ્રતિક્રિયા આપી અને કહ્યું કે મહારાષ્ટ્રમાં મરાઠી ભાષા અને મરાઠી માનુષ અમારી પ્રાથમિકતા છે. અમે મરાઠી ભાષાને તેનું યોગ્ય સન્માન આપવા માટે સતત પ્રયાસ કરી રહ્યા છીએ અને રાષ્ટ્રીય સ્તરે પણ તેને માન્યતા આપવાની માંગ કરી છે. ભૈયાજી જોશીએ મરાઠી ભાષાનું અપમાન કર્યું નથી. તેમણે સ્પષ્ટપણે કહ્યું છે કે મરાઠી તેમની પોતાની ભાષા છે.

મુંબઈ તોડવાનો પ્રયાસ: આવ્હાડ

આરએસએસ નેતાના નિવેદન પર એનસીપી ધારાસભ્ય જિતેન્દ્ર આવ્હાડે પણ પ્રતિક્રિયા આપી છે. તેણે કહ્યું, ‘કેમ છો’ એવું લાગે છે કે હવે મુંબઈમાં માત્ર આ જ સાંભળવામાં મળશે. ભૈયાજી જોશી ભાષાના મુદ્દા પર મુંબઈને વિભાજીત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.


મરાઠી શીખવી એ દરેક નાગરિકની ફરજ : ફડણવીસ

મરાઠી ભાષા પર ચાલી રહેલી ચર્ચા વચ્ચે, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પણ આ મુદ્દા પર નિવેદન આપ્યું છે. તેમણે વિધાનસભામાં કહ્યું, 'મુંબઈ, મહારાષ્ટ્ર અને રાજ્ય સરકારની ભાષા મરાઠી છે.' અહીં રહેતા લોકોએ આ શીખવું જોઈએ. મરાઠી ભાષા રાજ્યની સંસ્કૃતિ અને ઓળખનો એક ભાગ છે અને તેને શીખવી એ દરેક નાગરિકની ફરજ હોવી જોઈએ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application