જામનગર જિલ્લામાં ૬૦ કિ.મી.ની ઝડપે પવન ફુંકાતા ૨૦થી વધુ વિજ પોલને નુકશાન

  • May 30, 2023 09:57 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આમરણમાં ભારે પવનથી ૨૦ વિજ પોલ તુટી પડયા: જામદુધઇ, અંબાલા, કોયલી, ધુળકોટ, કોઠારીયામાં વૃક્ષોની ડાળીઓ તુટી પડી: એક પેટ્રોલ પંપનું છાપરુ ઉડયું: નિલગીરીના વૃક્ષોને ભારે નુકશાન: આજે અને આવતીકાલે હાલારમાં વરસાદની આગાહી

જામનગર અને દેવભુમિ દ્વારકા જિલ્લામાં ગઇકાલે ભારે પવનને કારણે મીની વાવાઝોડુ ફુંકાયું હતું, ૬૦ કિ.મી.ની ઝડપે ભારે પવન ફુંકાતા આમરણ, જામદુધઇ, કોયલી, ધુળકોટ, કોઠારીયા, અંબાલા સહિતના ગામોમાં અનેક વિજ પોલીને ભારે નુકશાન થયું છે, ૨૦ જેટલા વિજ પોલ ધરાશાયી થયા છે, એક પેટ્રોલ પંપનું છાપરુ પણ ઉડી ગયું છે અને ભારે પવનને કારણે કેટલાક વિસ્તારોમાં વિજ પુરવઠો ખોરવાઇ ગયો છે, આજે અને આવતીકાલે જામનગર અને દેવભુમિ દ્વારકા જિલ્લામાં વરસાદ પડશે એવી હવામાન ખાતાએ આગાહી કરી છે અને આજે સવારથી જ જામનગર સહિત કેટલાક ગામડાઓમાં વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યું છે.
આમરણથી અમારા પ્રતિનિધિ જણાવે છે કે, ગઇકાલે ઉનાળાના આકરા તાપ વચ્ચે બપોર બાદ વાતાવરણમાં એકાએક પલ્ટો આવ્યો હતો અને ભારે પવનના સુસવાટા વચ્ચે ૨૦ વિજ પોલને નુકશાન થયું હતું, વિજળીના થાંભલા પડી જતાં આમરણ સહિતના આજુબાજુના કેટલાક વિસ્તારોમાં અસહ્ય ગરમી વચ્ચે વિજળી ગુલ થઇ ગઇ હતી, આ ઉપરાંત બસ સ્ટેન્ડ અને હાઇવે ઉપર કેટલાક મંડપના ધંધાર્થીઓના મંડપો હવામાં ઉડયા હતાં, હાઇવે ઉપર આવેલા મેલડી માતાના મંદિરમાં ભારે પવનને કારણે નિલગીરીના કેટલાક વૃક્ષોનો શોથ વળી ગયો હતો, ઉપરાંત પેટ્રોલ પંપનું છાપરુ પણ પડયું હતું.
આ ઉપરાંત જામદુધઇ, અંબાલા, કોયલી અને ધુળકોટમાં વરસાદી છાટા પણ પડયા હતાં અને કેટલાક વૃક્ષોની ડાળીઓને ભારે નુકશાન થયું હતું, પીજીવીસીએલને લગભગ ૨ લાખથી વધુનું નુકશાન થયું છે.
જામનગરની વાત લઇએ તો ગઇકાલે બપોર બાદ શંકરટેકરી ઉદ્યોગનગર વિસ્તારમાં એસોસીએશનની ઓફીસ પાસે એક કાર પાર્ક કરાઇ હતી તેના ઉપર તોતીંગ વૃક્ષ પડતા કારને નુકશાન થયું હતું, જો કે કેટલાક વિસ્તારમાં હળવા છાંટા પડયા હોવાનું પણ જાણવા મળે છે, ગઇકાલે સાંજે હવામાન ખાતાએ એવી આગાહી કરી હતી કે, જામનગર અને દેવભુમિ દ્વારકા જિલ્લાના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડવાની પણ શકયતા છે, આ આગાહીને કારણે બંને જિલ્લાના કલેકટરોને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે.
સામાન્ય રીતે ચોમાસુ ૧૫ જુન આસપાસ આવતું હોય છે ત્યારે આ વખતે ચારેક વખત માવઠા થયા અને આ અઠવાડીયામાં અમરેલી, અમદાવાદ, ભાવનગર, રાજકોટ સહિતના વિસ્તારોમાં થોડોઘણો વરસાદ પણ પડયો છે, એકાએક વાતાવરણમાં પલ્ટો આવ્યો છે, ગામડાઓમાં આજ સવારથી જ વાવાઝોડા જેવો પવન ફુંકાઇ રહ્યો છે, જામનગર શહેરમાં પણ વાદળા છવાયા છે, કેટલાક ગામડાઓમાં સવારથી જ વાદળો છવાયા હતાં અને વરસાદ આવે તેવું વાતાવરણ ઉભું થયું હતું. આમ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદની આગાહીથી ખેડુતો પણ ચિંતામાં મુકાઇ ગયા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application