જામનગરનાં લાભશંકર પુરોહિતનું અવસાન થતા સાહિત્યનો એક પંડિત યુગ આથમી ગયો: લાભુદાદાને એનાયત થયા છે દલપતરામ સુવર્ણ ચંદ્રક, સાહિત્ય અકાદમી પુરસ્કાર, દર્શક એવોર્ડ સહિતનાં વિવિધ સન્માન
ગુજરાતી સાહિત્ય જગત તથા શિક્ષણ ક્ષેત્રે શ્રી લાભશંકર પુરોહિત (જન્મ :૨૯-૧-૧૯૩૩, ચિરવિદાય :૨૧-૦૮-૨૦૨૪)નું નામ અત્યંત ગૌરવભેર લેવામાં આવે છે. તેમણે જામનગરમાં વસવાટ કરી 'છોટીકાશી' ને પણ કાશી ની જેમ પાંડિત્યની નગરી હોવાનું ગૌરવ પ્રદાન કર્યુ હતું.
તેઓ મધ્યકાલીન તથા અર્વાચીન ગુજરાતી સાહિત્ય, લોકવિદ્યા/લોકસાહિત્ય, સંતસાહિત્ય, ચારણી/બારોટીસાહિત્ય, ઈતિહાસ, પુરાણો, તત્વજ્ઞાનના વિદ્વાન વિરલ અભ્યાસી તથા શાસ્ત્રીયસંગીત, લોકસંગીત, ભક્તિસંગીત અને સુગમસંગીતના તજજ્ઞ તથા અંગ્રેજી, સંસ્કૃત અને ગુજરાતી ભાષા-સાહિત્યના જાણકાર હતાં પંડિતયુગનાં વિવેચકોની પરંપરાના વર્તમાન સાક્ષરોમાં તેમનું નામ મોખરાનું હતું.
સાહિત્ય,શિક્ષણ અને ધર્મના ક્ષેત્રમાં 'લાભુદાદા' તરીકે ઓળખાતા લાભશંકર ધનજીભાઈ પુરોહિતે ગુજરાતી-હિન્દી વિષયો સાથે પ્રથમ વર્ગમાં બી.એ.ની પદવી પ્રાપ્ત કરેલી, એમ.એ.ની પદવી ગુજરાતી-સંસ્કૃત વિષયો સાથે પ્રથમ વર્ગમાં પ્રથમ સ્થાન મેળવીને પ્રાપ્ત કરેલી અને કવિશ્રી દલપતરામ સુવર્ણચન્દ્રકના અધિકારી બન્યા હતાં.
જ્યારે સનદી અધિકારી અને શૈક્ષણિક પ્રધ્યાપકોની જીપીએસસી એક હતી ત્યારે તેઓ ડે.કલેકટર તરીકે જઈ શકે તેમ હતા પરંતુ તેઓ પ્રાધ્યાપક થયા. ઈ.સ. ૧૯૬૨થી ૧૯૯૨ સુધી ગુજરાતી વિષયના તેજસ્વી અધ્યાપક તરીકે બહાઉદ્દીન કોલેજ જૂનાગઢમાં, અને રાજકોટ, ભાવનગર, અમદાવાદની સરકારી કોલેજો તથા ડી.કે.વી.કોલેજ જામનગરમાં આચાર્ય તરીકે પણ સેવાઓ આપી.
તેમણે રાષ્ટ્રીય કક્ષાનાં અસંખ્ય પરિસંવાદો-સેમિનારમાં મુખ્ય વક્તા કે અભ્યાસી સંશોધક વિદ્વાન તરીકે વ્યાખ્યાનો આપ્યાં છે. ગુજરાતની તમામ યુનિવર્સિટીઓમાં તથા મુંબઈ યુનિ. અને એસ.એન.ડી.ટી.યુનિ. મુંબઈમાં મુલાકાતી પ્રાધ્યાપક કે વિશિષ્ટ વક્તા તરીકે છેલ્લાં પચીસેક વર્ષથી સાહિત્ય અને સંગીત વિષયક અનેક વ્યાખ્યાનો આપેલાં છે.
વિસનગર મુકામે યોજાયેલા ગુજરાતી સાહિત્ય પરિષદનાં ૪૦ માં અધિવેશનમાં સંશોધન-વિવેચન વિષયનાં વિભાગીય અધ્યક્ષ તરીકે તથા શ્રી ડોલરરાય માંકડ વ્યાખ્યાનમાળા (૧૯૯૫),શ્રી સોમનાથ સુવર્ણજયંતિ વ્યાખ્યાનમાળા (૨૦૦૧),શ્રી વિ.મ.ભટ્ટ સ્મારક વ્યાખ્યાનમાળા (૧૯૯૭), શ્રી દર્શક વ્યાખ્યાનમાળા (૧૯૯૭)માં મુખ્ય વક્તા તરીકે અભ્યાસપૂર્ણ વ્યાખ્યાનો આપ્યાં હતાં.
ફાર્બસ ગુજરાતી સભા મુંબઈનાં ઉપક્રમે ‘મધ્યકાલીન શબ્દસંપદા' વિષયે પાંચ દિવસની સ-ગાન વ્યાખ્યાનશ્રેણી(૨૦૦૩)માં ; પ્રસારભારતી, આકાશવાણી રાજકોટ દ્વારા 'અષ્ટછાપ કરત ગાન'શીર્ષક અંતર્ગત કીર્તનગાનપરંપરા વિશે તથા દૂરદર્શન રાજકોટ પરથી પ્રસારિત દસ્તાવેજી રૂપક 'પુષ્ટિ મહારસ દેન'માં અપાયેલાં સ-ગાન વક્તવ્યોને રાષ્ટ્રીય આર્કાઈવલ શ્રેણીઓમાં કાયમી રીતે જાળવી રાખવામાં આવ્યાં છે.
વર્ષો સુધી એમણે મોરારીબાપુ પ્રેરીત ગુજરાતનાં કથાકારોનાં સંગઠન 'ત્રિવેણી'ના સંયોજક તરીકે સેવાઓ આપી હતી. સૌ કથાકારોને અલાહાબાદ કુંભમેળા અને થાઈલેન્ડ સુધીની યાત્રાઓ કરાવી. જોડિયામાં યોજાતા ગીતાજયંતી ઉત્સવમાં પણ સંયોજક-સંચાલક તરીકે એમનું પ્રદાન કાયમ યાદ રહેશે.
ઈ.સ. ૧૯૯૯ માં પ્રકાશિત થયેલ તેમનાં વિવેચન સંગ્રહ 'ફલશ્રુતિ' જેમાં સાહિત્ય, સંગીત અને લોકપરંપરાને લગતા અભ્યાસલેખો છે, તેને ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ તથા ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર દ્વારા શ્રેષ્ઠ વિવેચન ગ્રંથ તરીકેનાં પ્રથમ ઈનામો પ્રાપ્ત થયા હતાં.
ઈ.સ. ૨૦૦૯ માં પ્રાચીન મધ્યકાલીન સાહિત્યને લગતાઅભ્યાસ/વિવેચન લેખોનો સંગ્રહ 'અંતઃશ્રુતિ' પ્રકાશિત થયો.એ સિવાય કેન્દ્રીય સાહિત્ય અકાદેમી ન્યૂ દિલ્હી તરફથી 'મણિલાલ નભુભાઈ દ્વિવેદી' (મૂળ અંગ્રેજીનો અનુવાદ); શ્રી ઉપેન્દ્ર પંડયા સ્મૃતિગ્રંથ 'પરથમ પરણામ' (સંપાદન) પ્રકાશિત થયા છે. અર્વાચીન/આધુનિક ગુજરાતી સાહિત્યને લગતા અભ્યાસલેખો શબ્દ પ્રત્યય' શીર્ષકથી અને લોકસાહિત્ય, લોકપરંપરાને લગતા અભ્યાસલેખો 'લોકાનુસંધાન' શીર્ષકથી પ્રકાશિત થયાં છે.
અમદાવાદનાં શાહીબાગ વિસ્તારમાં આવેલ હઠીસિંહની વાડીના પટાંગણમાં જૈનાચાર્યશ્રી આચાર્ય વિજયશીલચન્દ્રસૂરિજી મહારાજ સાહેબની નિશ્રામાં તા.૦૯/૧૦/૨૦૧૦ ના રોજ ગુજરાતી ભાષા-સાહિત્યના ત્રણ તેજસ્વી વિદ્વાનો સર્વ શ્રી કનુભાઈ જાની અને ડૉ.હસુભાઈ યાજ્ઞિકની સાથે શ્રી લાભશંકર પુરોહિતને પણ મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય અને લોકસાહિત્ય પરનાં વિધાકાર્યો માટે 'કલિકાલ સર્વજ્ઞ હેમચન્દ્રાચાર્ય ચંદ્રક' અર્પણ કરવામાં આવ્યો હતો.
ત્યારબાદ મોરારીબાપુનાં હસ્તે મનુભાઈ પંચોળી 'દર્શક' ફાઉન્ડેશનનો ર૦રર વર્ષનો સાહિત્ય એવોર્ડ, સાવરકુંડલાના વિદ્યાગુરુ ફાઉન્ડેશન દ્વારા 'દર્શક એવોર્ડ' જેવાં અનેક સન્માનો એમને પ્રાપ્ત થયા હતાં. મોબાઈલ/યુટયૂબ પર શોધ કરતાં એમના દ્વારા અપાયેલ મુલાકાતો, વક્તવ્ય અને ગાનની વાત કરવા જઈએ પુસ્તકો ભરાઈ જાય એટલું વિપુલ એમનું પ્રદાન છે.
તેમની આવી જ કૌટુંબિક ઉજવળ શૈક્ષણિક પરંપરા જાળવતા તેમના પુત્ર અરવિંદભાઈ મધ્યપ્રદેશનાં રાજ્યપાલના ખાસ ફરજ પરના અધિકારી તરીકે સેવારત તે પણ દાદાના પુણ્યનો પ્રતાપ છે એમ કહી શકાય. લાભુદાદાનાં ગોલોકવાસી થવાથી એક પંડિત યુગ આથમી ગયો એમ કહી શકાય. જેને પગલે સમગ્ર સાહિત્ય જગતમાં શોકની લહેર છે, પ્રસિદ્ધ રામ કથાકાર પૂ. મોરારીબાપુ હાલ ઇન્ડોનેશિયામાં કથા કરી રહ્યા છે ત્યાં તેઓને લાભુ દાદાની ચિરવિદાયનાં સમાચાર પ્રાપ્ત થતા તેમણે વ્યાસપીઠ પરથી તેઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPMJAY યોજનામાં કૌભાંડ બાદ સરકાર સજ્જ, નવી SOP કરશે જાહેર
December 22, 2024 08:18 PMપૂર્વ CM વસુંધરા રાજેના કાફલાનો પાલીમાં અકસ્માત, પોલીસનું વાહન પલટતા પાંચ પોલીસકર્મી ઘાયલ
December 22, 2024 07:46 PMPM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન, 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર'થી સન્માનિત
December 22, 2024 07:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech