ગુજરાતમાં 'મિશન મધમાખી'એ ખેડૂતોના જીવનમાં ઉમેરી મીઠાશ

  • January 04, 2025 11:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાત સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં ખેડૂતોની આવક વધારવા અને ગ્રામીણ અર્થતંત્રને મજબૂત બનાવવાના હેતુથી શરૂ કરવામાં આવેલ 'મિશન મધમાખી' કાર્યક્રમ સફળતાના નવા શિખરો સર કરી રહ્યો છે. આ કાર્યક્રમ હેઠળ ખેડૂતોને મધમાખી ઉછેર માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે.


આ કાર્યક્રમ અંતર્ગત ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ, આણંદ (અમૂલ ડેરી) દ્વારા અમલવારી કરવામાં આવી રહી છે. અમૂલ ડેરીના પશુપાલકોએ આ કાર્યક્રમ હેઠળ માત્ર થોડા સમયમાં જ 16,000 કિલો મધનું ઉત્પાદન કરીને એક નવી ઉપલબ્ધિ હાંસલ કરી છે. આ સફળતા 'મિશન મધમાખી' કાર્યક્રમની સફળતાનું પ્રતીક છે.


ભારત એક કૃષિ પ્રધાન દેશ છે અને અહીંનો એક મોટો વર્ગ ખેતી આધારિત ઉદ્યોગો દ્વારા પોતાનું ગુજરાન ચલાવે છે. આ પૈકી મધમાખી ઉછેર એક અત્યંત મહત્વપૂર્ણ ઉદ્યોગ છે. મધમાખી ઉછેર માત્ર સ્વાસ્થ્ય માટે લાભદાયી મધ મેળવવાનું સાધન નથી, પરંતુ તે અનેક ખેડૂતોના જીવનમાં મીઠાશ પણ ભરી રહ્યું છે. આ ઉદ્યોગનો ખર્ચ ઓછો છે, અને તેનાથી આવક મબલખ થાય છે.


ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ખેડૂતો મધમાખી ઉછેરના વ્યવસાય સાથે જોડાય અને તેમની આવકમાં વધારો થાય તે માટે અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. ‘મિશન મધમાખી’ કાર્યક્રમ આ દિશામાં એક મહત્વનું પગલું છે. આ કાર્યક્રમને સારો પ્રતિસાદ મળી રહ્યો છે, જેનું ઉત્તમ ઉદાહરણ અમૂલ ડેરીના પશુપાલકો છે, જેમણે આ કાર્યક્રમ અંતર્ગત 16,000 કિલો મધનું ઉત્પાદન કર્યું છે. આ સફળતા ‘મિશન મધમાખી’ કાર્યક્રમની નોંધપાત્ર સિદ્ધિ દર્શાવે છે. ‘મિશન મધમાખી’ કાર્યક્રમને ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ, આણંદ (અમૂલ ડેરી) દ્વારા અમલમાં મૂકવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ શ્વેત ક્રાંતિ બાદ મધ ક્રાંતિની દિશામાં એક મોટી પહેલ સાબિત થઈ રહ્યો છે.


‘મિશન મધમાખી’ કાર્યક્રમ શું છે?

રાજ્યમાં મધમાખી ઉછેર માટે ખેડૂતોને પ્રોત્સાહિત કરવાની સાથે તેમને આ વ્યવસાય સંબંધિત માર્ગદર્શન, તાલીમ આપવા તેમજ મહત્તમ મધ ઉત્પાદન, પ્રોસેસિંગ, પૅકિંગ અને માર્કેટિંગ વ્યવસ્થા કરવાના ઉદ્દેશથી બાગાયત વિભાગે 2022-23થી ‘મિશન મધમાખી’ કાર્યક્રમ લાગુ કર્યો છે.


અમૂલ ડેરીના પશુપાલકોએ કર્યું 16,000 કિલો મધનું ઉત્પાદન

‘મિશન મધમાખી’ કાર્યક્રમને ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ, આણંદ (અમૂલ ડેરી) મારફતે અમલમાં મૂકવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટથી શ્વેત ક્રાંતિ બાદ મધ ક્રાંતિની દિશામાં એક મોટી પહેલ થઈ છે. અમૂલ ડેરીએ આ વર્ષની શરૂઆતમાં લાભાર્થી દીઠ ₹10,000ના યોગદાન સાથે આણંદ, ખેડા અને મહિસાગર જિલ્લાના 284 સભ્ય પશુપાલન ખેડૂતોને મધમાખી ઉછેરના આ પ્રોજેક્ટમાં સામેલ કર્યા હતા. ડેરી તરફથી દરેક સભ્યને મધમાખીના 10 બૉક્સ અને 5 સભ્યો વચ્ચે 1 હની એક્સટ્રૅક્ટર પણ આપવામાં આવ્યું હતું. આ 284 પશુપાલકોએ અત્યારસુધીમાં લગભગ 16,000 કિલો મધનું રેકોર્ડ ઉત્પાદન કરીને પ્રોજેક્ટની સફળતાનો એક નવો અધ્યાય લખ્યો છે.


અમૂલ ડેરીના પ્રોસેસિંગ અને પૅકિંગ યુનિટ દ્વારા આ પ્રોજેક્ટ હેઠળ અત્યાર સુધીમાં લગભગ 2 ટન મધનું પ્રોસેસિંગ કરવામાં આવ્યું છે. એટલું જ નહીં, આ સભ્ય પશુપાલકો અમૂલ ઉપરાંત સીધા વેચાણના માધ્યમથી પણ આવક મેળવી રહ્યા છે. ખાસ વાત એ છે કે આ સભ્યોએ પહેલા જ વર્ષ દરમ્યાન મધમાખી ઉછેર માટે રોકાણ તરીકે આપેલી રકમના લગભગ 75 ટકા વસૂલ કરી લીધા છે.


ઓછા ખર્ચ સામે મળે છે વધુ નફો

મધમાખી ઉછેર શરૂ કરવા માટે મધમાખી સમૂહ કોલોની, મધમાખી બૉક્સ અને હની એક્સ્ટ્રૅક્ટરની જરૂર પડે છે. સામાન્ય રીતે દસ મધમાખી સમૂહ કોલોની અને બૉક્સ તથા હની એક્સ્ટ્રૅક્ટર માટે આશરે ₹60થી 70 હજારનો ખર્ચ થાય છે. મધમાખી ઉછેરના વ્યવસાય દ્વારા મધ ઉપરાંત મીણ, રોયલ જેલી, મધમાખીનું ઝેર અને ગુંદરનું ઉત્પાદન કરીને વધુ નફો મેળવી શકાય છે.


મધમાખી ઉછેરથી ગ્રામીણ વિસ્તારોમાં સ્વરોજગારીની અપાર તકો ઉભી થઈ છે. ખેડૂતોને ખેતીની સાથે વધારાની આવકનો સ્ત્રોત મળ્યો છે ત્યારે તેમની આવક બમણી કરવાનો વડાપ્રધાનનો સંકલ્પ પૂર્ણ થઈ રહ્યો છે. એટલું જ નહીં, મધમાખીઓ દ્વારા વિવિધ પાકોના પરાગનયનથી પાકની ઉપજ વધે છે અને ફળો અને બીજની ગુણવત્તામાં સુધારો થાય છે. મહત્વની વાત એ છે કે, મધમાખી ઉછેરની પર્યાવરણ પર પણ હકારાત્મક અસર થાય છે.


‘મિશન મધમાખી’ કાર્યક્રમનો લાભ કોણ લઈ શકે?

રાજ્યની ચારેય કૃષિ યુનિવર્સિટીઓ- કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, બાગાયત વિભાગ અને રજિસ્ટર્ડ ખેડૂત સમૂહ, ખેડૂત ઉત્પાદક સંગઠન (FPO), ખેડૂત ઉત્પાદક કંપની (FPC), 'A' ગ્રેડની સહકારી સંસ્થાઓ, સહકારી ડેરી અને જિલ્લા દૂધ સહકારી સંઘ આ કાર્યક્રમનો લાભ લઈ શકે છે.


કાર્યક્રમ હેઠળ ચૂકવવાપાત્ર સહાય

કાર્યક્રમ અંતર્ગત પાત્રતા ધરાવતા લાભાર્થી જૂથો, સંગઠન અથવા સંસ્થાઓને મધમાખી ઉછેર માટે બૉક્સ, આધુનિક રીતે મધપૂડામાંથી મધ કાઢવા માટે મધ એક્સ્ટ્રૅક્ટર સાધન, ફૂડ ગ્રેડ કન્ટેનર અને અન્ય સાધનો ઉપરાંત, પ્રોસેસિંગ, પૅકેજિંગ, કોલ્ડરૂમ, મધમાખી સંવર્ધન, ન્યુક્લિયસ કલ્ચર અને મધમાખી ક્લિનિક તૈયાર કરવા માટે નિર્ધારિત માપદંડો મુજબ સહાય આપવામાં આવે છે.



‘મિશન મધમાખી’ કાર્યક્રમ હેઠળ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીને વર્ષ 2022-2023માં મધમાખી સંવર્ધન અને ક્લિનિક પ્રોજેક્ટ માટે ₹53 લાખની સહાય આપવામાં આવી છે. તો 2024-25માં અમૂલ ડેરીના પ્રોજેક્ટને ₹127.43 લાખની સહાય આપવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application