ગુજરાતમાં માવઠાએ લીધો 4 લોકોનો ભોગ...રાજકોટના ત્રંબામાં વીજળી પડતાં ખેડૂતનું મોત

  • March 07, 2023 05:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અરબી સમુદ્રમાં સક્રિય થયેલા ટ્રફની અસરથી અમદાવાદ સહિત રાજ્યભરના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. ગઇકાલે રાજ્યમાં ઘણી જગ્યાએ વીજળીના કડાકા સાથે વરસાદ પડ્યો હતો. રાજ્યમાં કમોસમી વરસાદ અને ભારે પવનના કારણે 4 લોકોના મોત નીપજ્યા છે. જેમાં વીજળી પડતાં 2 ખેડૂતોના મૃત્યુ નીપજ્યાં છે. જ્યારે એક મહિલાનું વૃક્ષ ધરાશાયી થતાં અને એક મહિલાનું વીજથાંભલો પડતા મોત નીપજ્યું છે.


રાજકોટના ત્રંબામાં વીજળી પડતાં ખેડૂતનું મોત

રાજકોટ જિલ્લામાં હોળીના પર્વ પર સતત બીજે દિવસે કમોસમી વરસાદ પડ્યો હતો. ત્યારે રાજકોટમાં વીજળી પડવાના કારણે ખેડૂતનું મોત થયું છે. ત્રંબા ગામ ખાતે ખેડૂત ખેતરમાં કામ કરી રહ્યા હતા. આ દરમિયાન તેમના પર વીજળી પડી હતી. વીજળી પડતા ખેડૂતનું મોત નીપજ્યું હતું. મૃતકનું નામ કમલેશભાઈ ભીખાભાઈ ટીંબળીયા હતું.

કચ્છના રાપરમાં વીજળી પડવાથી એક વ્યક્તિનું મૃત્યુ

કચ્છમાં કમોસમી વરસાદ વચ્ચે દુર્ઘટના સર્જાઈ હતી. રાપરના તાલુકામાં ખેત મજૂર પર વીજળી પડતા મૃત્યુ નિપજ્યું હતું. મળતી માહિતી અનુસાર, રાપર તાલુકાના કારીધાર વાંઢ વિસ્તારમાં ખેતરમાં કામ કરી રહેલા 26 વર્ષીય ખેત મજૂર કિશોર રઘુભાઈ કોળી પર વીજળી પડી હતી. જેથી તેઓને સારવાર માટે રાપરની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં ફરજ પર હાજર ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા.


જંબુસરમાં વૃક્ષ ધરાશાયી થતાં મહિલાનું મોત

કમોસમી વરસાદ વચ્ચે દુર્ઘટના સર્જાઈ હતી. કમોસમી વરસાદ અને ભારે પવને બે મહિલાઓના પણ જીવ લીધા છે. જંબુસરમાં વૃક્ષ ધરાશાયી થતાં એક મહિલાનું મોત નીપજ્યું છે. જંબુસરના પિશાદ મહાદેવ મંદિર પાસે લીમડાનું વૃક્ષ તુટીને બાજુના ઘર પર પડતાં એક મહિલાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ દુર્ઘટનામાં અન્ય એક મહિલા અને બાળકીને ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

​​​​​​​ 

સાબરકાંઠાના હિંમતનગરમાં ભારે પવનથી વીજપોલ પડતા એક મહિલાનું મૃત્યુ

તો સાબરકાંઠાના હિંમતનગરમાં વીજ થાંભલો પડતા UGVCLના એક મહિલા કર્મચારીનું કરૂણ મૃત્યુ નીપજ્યું છે. UGVCLના મહિલા કર્મી મીતાબેન ભટ્ટ મહાવીરનગરથી મોતીપુરા એક્ટિવા પર જઈ રહ્યા હતા. આ દરમિયાન ભારે પવનના કારણે રોડ વચ્ચે લગાવેલ સ્ટ્રીટ લાઈટનો થાંભલો ધરાશાયી થઈને તેમની ઉપર પડ્યો હતો. જેથી તેઓને માથાના ભાગમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. જે બાદ તેમને સ્થાનિક સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application