જામનગરનું મરીન નેશનલ પાર્ક દરિયાઈ જીવસૃષ્ટિના મહત્વ, રક્ષણ, જતન માટે સમર્પિત

  • June 09, 2023 10:40 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વિશ્વ મહાસાગર દિવસ ૨૦૨૩ : મરીન નેશનલ પાર્કમાં દરિયાઈ જીવસૃષ્ટિ માટે કડીરૂપ દરિયાઈ કાચબાનું સંવર્ધન અને સંરક્ષણ કરવામાં આવે છે

દર વર્ષે તારીખ ૮ જૂનના રોજ ’વિશ્વ મહાસાગર દિવસ’ મનાવવામાં આવે છે. પૃથ્વી પર આપણું જીવન ટકાવી રાખવા માટે મહાસાગરોની મહત્વપૂર્ણ ભૂમિકા રહેલી છે. વિશ્વભરમાં આવેલા સાત સમુદ્રોમાં આર્ક્ટિક, ઉત્તર એટલાન્ટિક, દક્ષિણ એટલાન્ટિક, ઉત્તર પેસિફિક, દક્ષિણ પેસિફિક, ભારતીય/ હિન્દ મહાસાગર અને દક્ષિણ મહાસાગરોનો સમાવેશ થાય છે. પૃથ્વી પરનું ૯૭% જળ મહાસાગરો અને સમુદ્રોમાં રહેલું છે. માત્ર ૩% જળ જ પીવાલાયક પાણી છે. પૃથ્વીનો ૭૧% વિસ્તાર જળમાં રોકાયેલો છે.
વર્લ્ડ રજિસ્ટર ઓફ મરીન સ્પીસીસના વર્ષ ૨૦૨૧ ના અહેવાલ મુજબ, જાણીતી દરિયાઈ પ્રજાતિઓની કુલ સંખ્યા લગભગ ૨૪૦,૦૦૦ જેટલી છે. મહાસાગરો અને સમુદ્રોમાં રહેતી ૯૧% પ્રજાતિની હજુ પણ શોધ કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં માત્ર ૯% દરિયાઈ જીવો વિષે જ જાણકારી મેળવી શકાઈ છે.
**
ભારતીય સંસ્કૃતિમાં મહાસાગરને દેવ માનવામાં આવ્યા છે
ભારતીય સંસ્કૃતિમાં દરિયાને દેવ તરીકે પૂજવામાં આવે છે. જળ, દરિયાના દેવ મનાતા વરુણ અને ઈન્દ્ર દેવની અનેક કહાનીઓ આપણા શાસ્ત્રમાં આલેખિત કરવામાં આવી છે. દરિયાઈ કાચબાને મહાદેવના મંદિરમાં અગ્ર સ્થાન આપવામાં આવ્યું છે. ભગવાન શ્રી વિષ્ણુનો બીજો અવતાર ’કૂર્મ અવતાર’ તરીકે સુપ્રિસદ્ધ છે. શ્રી વિષ્ણુનું નિવાસ સ્થાન વૈકુંઠ એ ક્ષીર સાગરમાં આવેલું છે. પુરાણોમાં વર્ણવવામાં આવ્યું છે કે, ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી દૂધથી બનેલા ક્ષીર સાગરમાં આદિશેષનાગ પર બિરાજમાન છે. પૌરાણિક કથાઓમાં, મહાસાગર ઘણી વસ્તુઓનું પ્રતીક છે. બ્રહ્મ, જીવન, અસ્તિત્વ, વિશ્વ, ચેતના, નશ્વરતા, અસાધારણ શક્તિ, લાગણી અને બલિદાનને સાગર સાથે સાંકળવામાં આવ્યા છે.
**
વિશ્વ મહાસાગર દિવસ’ નો ઇતિહાસ શું છે ?
વર્ષ ૧૯૯૨ માં કેનેડાના ઇન્ટરનેશનલ સેન્ટર ફોર ઓશન ડેવલપમેન્ટ અને ઓશન ઇન્સ્ટિટ્યૂટ ઓફ કેનેડા દ્વારા રિયો ડી જાનેરો, બ્રાઝિલમાં અર્થ સમિટ,  ઞગ કોન્ફરન્સ ઓન એન્વાયર્નમેન્ટ એન્ડ ડેવલપમેન્ટમાં આ દિવસની ઉજવણી કરવા અંગેનો વિચાર પ્રસ્તાવિત કરવામાં આવ્યો હતો. વર્ષ ૨૦૦૨ માં ’વિશ્વ મહાસાગર દિવસ’ ની ઉજવણીની શરૂઆત કરવામાં આવી હતી. વર્ષ ૨૦૦૮ માં ’વિશ્વ મહાસાગર દિવસ’ ને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા સત્તાવાર રીતે માન્યતા આપવામાં આવી હતી.
**
વિશ્વ મહાસાગર દિવસ’ ની ઉજવણી કરવા પાછળનો હેતુ શું છે ?
આંતરરાષ્ટ્રીય મહાસાગર દિવસ વિશ્વવ્યાપી સસ્ટેનેબલ ડેવલપમેન્ટ એટલે કે ટકાઉ વિકાસના લક્ષ્યાંકોના અમલીકરણને સમર્થન આપે છે, અને દરિયાઈ જીવસૃષ્ટિના સંરક્ષણમાં જાહેર હિતને પ્રોત્સાહન આપે છે. સમુદ્ર અને તેના સંસાધનોના ટકાઉ સંચાલન માટે આ દિવસે લોકોને જાગૃત કરવામાં આવે છે.
**
જામનગરમાં આવેલું દરિયાઈ જીવસૃષ્ટિ અભ્યારણ્ય અને મરીન નેશનલ પાર્ક
જામનગરમાં મરીન નેશનલ પાર્ક અને દરિયાઈ જીવસૃષ્ટિ અભયારણ્ય પિરોટનના દરિયાકાંઠાના વિસ્તારમાં આવેલું છે. ઓગસ્ટ ૧૯૮૦માં દરિયાઈ જીવસૃષ્ટિ અભયારણ્ય અને જુલાઈ ૧૯૮૨માં મરીન નેશનલ પાર્ક જાહેર કરવામાં આવ્યા છે. બેડી બંદરથી પિરોટન ટાપુ ૨૨ કિમિ દૂર છે, અને ત્યાં પ્રવાસીઓ બોટ દ્વારા પહોંચી શકે છે. વર્ષમાં ઓક્ટોબરથી માર્ચ દરમિયાન અભયારણ્યની મુલાકાત લેવા માટેનો શ્રેષ્ઠ સમયગાળો ગણાય છે. જામનગર જિલ્લાના ઉત્તર કિનારે અને કચ્છના દક્ષિણ કિનારે ૪૨ ઉષ્ણકટિબંધીય ટાપુઓનો દ્વીપસમૂહ છે. અહીંના હૂંફાળા વાતાવરણથી દરિયાઈ જીવસૃષ્ટિએ અદભુત રીતે અનુકૂલન સાધ્યું છે.
ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા દરિયાઈ કાચબાને બચાવવા માટે ખાસ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. તેમજ દરિયાઈ કાચબાની પ્રજાતિઓને આરક્ષિત પ્રાણીઓની કેટેગરીમાં સમાવિષ્ટ કરવામાં આવી છે. આ પ્રાચીન સરિસૃપ, જે ડાયનાસોર યુગ એટલે કે સૃષ્ટિ પર માનવ જીવન શરૂ થયાના પૂર્વથી વસવાટ કરી રહયા છે. દરિયાઈ કાચબા એ દરિયાઈ જીવસૃષ્ટિમાં મૂળભૂત કડી છે. મરીન નેશનલ પાર્કમાં સીગ્રાસ બેડ, કોરલ રીફ, ઝીંગા, લોબસ્ટર અને માછલીઓ વિપુલ પ્રમાણમાં હોવાથી કાચબાના સંરક્ષણ માટે ઘણી મદદ મળી છે. કાચબા ૧૦૦ થી વધુ વર્ષો સુધી જીવી શકે છે.
ઓખામઘી ખાતે કાચબાની હેચરી બનાવવામાં આવી છે. જ્યાં દર વર્ષે દરિયાઈ કાચબાના હજારો ઈંડાનું જતન કરવામાં આવે છે. દર વર્ષે દરિયાકિનારાના માળાઓમાંથી અને હેચરીમાંથી બહાર નીકળેલા બાળ કાચબાને દરિયામાં સુરક્ષિતપણે છોડવામાં આવે છે. મરીન નેશનલ પાર્કમાં લીલા રંગના સમુદ્રી કાચબા, ભૂખરા/ ઓલીવ રંગના સમુદ્રી કાચબા, લેધરબેક ટર્ટલ અને હોસ્કબીલ પ્રકારના કાચબાનું જતન કરવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે, સમુદ્ર અને મહાસાગરોના ખારા પાણીમાં રહેતા કાચબાને અંગ્રજીમાં ટર્ટલ કહેવાય છે. ટર્ટલ એ દરિયાઈ ઘાસ, શેવાળ, માછલી અને અન્ય નાના પ્રાણીઓને ખાય છે. તેઓ મિશ્રાહારી પ્રાણીઓની કેટેગરીમાં આવે છે. જમીન પર અને મીઠા પાણીમાં રહેતા કાચબાને અંગેજીમાં ટોર્ટોઇસ કેહવાય છે. તેઓ ઉભયજીવી પ્રાણીઓની કેટેગરીમાં આવે છે. ટોર્ટોઇસ એ સંપૂર્ણ રીતે શાકાહારી કાચબા છે.
મરીન નેશનલ પાર્કમાં દરિયાઈ જીવસૃષ્ટિની વિશાળ વિવિધતા જોવા મળે છે. દરિયાકાંઠે મેન્ગ્રોવ્સ એટલે કે ચેરના વૃક્ષોનું જંગલ આવેલું છે. અહીં મેન્ગ્રોવ્સની ૭ પ્રજાતિઓ છે, જે ખારા અને તાજા પાણીની વ્યવસ્થા વચ્ચે સંતુલન જાળવવા અને દરિયા કિનારાને ધોવાણથી બચાવવાનું મહત્વપૂર્ણ કાર્ય કરે છે. મેન્ગ્રોવ વૃક્ષો તેમના વિશિષ્ટ મૂળ દ્વારા ઓળખી શકાય છે. આ વૃક્ષોનું વાવેતર કાદવ- કીચડવાળી ભીની જમીનમાં કરવામાં આવે છે. મેન્ગ્રોવ્સ પેઈન્ટેડ સ્ટોર્ક, ડાર્ટર અને બ્લેક નેક આઈબીસ જેવા પક્ષીઓની પ્રજાતિઓની વસાહતો માટે સંવર્ધનનું ઉત્તમ સ્થાન છે. ચેરના પાંદડા પ્રોટીનથી સમૃદ્ધ હોય છે. આ પક્ષીઓ ચેરના પાંદડા ખાય છે. આ ટાપુઓ પર પક્ષીઓની લગભગ ૮૦ નોંધાયેલી પ્રજાતિઓ છે. દરરોજ સાંજે હજારોની સંખ્યામાં પક્ષીઓને વી- ફોર્મેશન એટલે કે અંગેજીના વી આલ્ફાબેટ ના આકારમાં ઉડતા જોવાનો નજારો અદભુત હોય છે.
પીરોટન ટાપુમા દરિયામાં અંદર કોરલ રીફ્સ, ડિગ્રેડેડ રીફ્સ, ઇન્ટર- ટાઇડલ મડફ્લેટ્સ એટલે કે અલગ અલગ આકૃતિવાળા પથ્થરો અને પરવાળા જોવા મળે છે. આ ઉપરાંત, વિશાળ સમુદ્રી એનિમોન, ટ્યુબ એનિમોન, જેલી ફિશ, દરિયાઈ ઘોડો, ઓક્ટોપસ, શંખછીપ એટલે ઓઈસ્ટર, પર્લ ઓઈસ્ટર એટલે મોતીવાળા શંખ છીપ, તારાનો આકાર ધરાવતી માછલી (સ્ટારફિશ), બોનેલિયા, સેપિયા, લોબસ્ટર, કરચલા/ ક્રેબ, પ્રોન્સ એટલે ઝીંગા, દરિયાઈ કાચબાની વિવિધ પ્રજાતિઓ, ડોલ્ફિન, ડુગોંગ, પોર્પોઇઝ, શાર્ક અને અન્ય માછલીઓ આ જગ્યાને કુદરતી રીતે અને જૈવિક ચક્રની બાબતમાં ખુબ જ ખાસ બનાવે છે.
ઉલ્લેખનીય છે કે, શિયાળાની ઋતુમાં પ્રવાસી પક્ષીઓ વિદેશથી હજારો કિલોમીટરનો પ્રવાસ કરીને પિરોટન ટાપુ ક્ષેત્રમાં પહોંચી જાય છે. પ્રવાસીઓ બોટ દ્વારા અન્ય ટાપુઓની મુલાકાત લઈ શકે છે. દરેક ટાપુ પર અલગ અલગ પ્રજાતિના પક્ષીઓ જોવા મળે છે.
**
શા માટે મહાસાગરો એ આપણા જીવનનો અભિન્ન ભાગ છે ?
મહાસાગર એ જીવન અને અમરત્વનો સ્ત્રોત પણ છે. દેવતાઓ અને દાનવો વચ્ચે અમૃત મેળવવા માટે સમુદ્ર મંથન થયું હતું. પુરાણોમાં કહ્યું છે તેમ, સાગરમાં આપણી ધરતી જોડાયેલી છે, તો તેનો અંત પણ સમુદ્રમાં આવે છે. સમયાંતરે એક યુગના અંત અને બીજા યુગની શરૂઆત વચ્ચે જયારે પ્રલય આવે છે, ત્યારે બધું જળમાં વિલીન થઇ જાય છે. પ્રલય બાદ નવા જીવવની શરૂઆત પણ દરિયામાંથી જ થઈ છે.
**
વિશ્વ મહાસાગર દિવસ ૨૦૨૩ ની થીમ શું છે?
આ વર્ષની થીમ છે : પ્લેનેટ ઓશન- દરિયાની ભરતી બદલાઈ રહી છે સાગર પ્રત્યે તમારો પ્રેમ દર્શાવો. દરિયા અને અન્ય જળ સંપત્તિની જાળવણી માટે યોગ્ય સી ફૂડની પસંદગી કરીને તમે માછીમારોને પ્રોત્સાહિત કરી શકો છો. મહાસાગરના આરોગ્ય અને જળની અંદર રહેતા જીવોની સંભાળ રાખવામાં મદદ કરતી કંપનીઓ, સમુદ્ર પ્રેરિત ઉત્પાદનોને સમર્થન આપવું જોઈએ. જળની જાળવણી અંગેના પ્રેરણાદયી ઉપદેશ સોશિયલ મીડિયામાં શેર કરી શકીએ છીએ.
મહાસાગર એ ભૌતિક વિપુલતાનો સ્ત્રોત છે. કોઈપણ વસ્તુ જે વધારે કે પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. તેની દરિયા સાથે સરખામણી કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જ્ઞાનરૂપી સાગર, કરુણાનો સાગર- આ નામથી ભક્તો શ્રી વિષ્ણુની સ્તુતિ કરે છે. જ્યારે દેવતાઓ અને દાનવોએ સમુદ્ર મંથન કર્યું, ત્યારે તેમાંથી અનેક અદ્ભુત વસ્તુઓ બહાર આવી છે. ઐરાવત હાથી, કૌસ્તુભ મણિ, ઉચેયશ્ર્વા ઘોડો, અપ્સરાઓ, દૈવી ગાય કામધેનુ અને દેવી લક્ષ્મીના જન્મદાતા સાગર છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application