સદીઓ જૂની પ્રાચીન પરંપરા યથાવત રાખીને દ્વારકાના શિવરાજપુર ખાતે મલ્લ કુસ્તી મેળો યોજાયો:

  • October 02, 2023 11:30 AM 

વિજેતાઓને સન્માનિત કરાયા



દેવભૂમિ દ્વારકાના શિવરાજપુર ગામે કોમી એખલાસરૂપ જાકુબશા દાદાની જગ્યાએ દર ભાદરવી પૂનમના મલ્લ કુસ્તી જુનવાણી ઢબે યોજાય છે. આશરે 500 વર્ષથી પણ વધુ પ્રાચીન યોજાતા આ મેળામા ગ્રામ્ય લોકો તેમજ આસપાસના વિસ્તારના કુસ્તીબાજો ઉત્સાહભેર જોડાય છે.


કહેવાય છે કે, મહાભારતના સમયથી આ કુસ્તી મેળો યોજાતો હોય, રાજા મહારાજાઓ પોતાના સૈન્યમાં ભરતી કરવા આવા કુસ્તી મેળા યોજતા અને સારા કુસ્તીબાજોને સૈન્યમાં ભરતી કરતા. ત્યારના સમયથી આ કુસ્તી મેળા અહીં યોજાય છે. જેમાં દુર દુરથી મલ્લ કુસ્તીબાજો ભેગા મળીને કુસ્તી લડે છે.


આ વર્ષે ગુજરાત રાજ્યના મુખ્ય મંત્રી તેમજ રાજ્યના પ્રવાસન અને સાંસકૃતીક પ્રવૃતીના કેબીનેટ મંત્રી મુળુભાઈ બેરા અને રમત ગમત અને યુવક સેવા મંત્રી હર્ષ સંઘવીના દેશી અને સ્થાનીક રમતોની ઓળખ અને અસ્તિત્વ જળવાઈ રહે તેવા હેતુલક્ષી અભિગમથી દેવભૂમિ દ્વારકા જિલ્લાની જનતાને પણ સ્થાનીક અને દેશી રમતોને પ્રોત્સાહન અને પ્રાધાન્ય આપવાના હેતુથી જિલ્લા રમત ગમત વિકાસ અધિકારી અને સરકારી તંત્રની મદદથી શિવરાજપુર ખાતે અનોખો જુનવાણી કુસ્તી મેળો યોજવામાં આવેલ હતો.


આ મેળામાં સ્પર્ધકો, કુસ્તીબાજો તેમજ ગ્રામ્ય લોકોનો ઉત્સાહ વધારવા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય તેમજ પ્રાંત અધિકારી પાર્થ કોટડીયાની ઉપસ્થિતિ વચ્ચે દેશી રમતોનો જુસ્સો અને ઉત્સાહ વધારવા પ્રયાસ કરવામાં આવ્યો હતો.

આ મલ્લ કુસ્તી મેળામાં કુલ 85 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જે પૈકી પ્રથમ ક્રમે ઓખાના ગજુભા મેઘાભા હાથલ, દ્વિતીય ક્રમે શિવરાજપુરના લખમણભા ડાડુભા અને તૃતીય ક્રમે મૂળવેલ ગામના વિજયભા જગતિયા વિજેતા બનતા તેમને પારિતોષિક અને સ્મૃતિચિહ્ન વિગેરે વડે પુરસ્કૃત કરવામાં આવ્યા હતા. આ સાથે અન્ય સત્તર સ્પર્ધકોને પણ પ્રમાણપત્ર આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ મેળામાં સરકારની યુવાનો માટેની દેશ સેવા સાથે સાથે રોજગારીની નવી યોજના "અગ્નીવીર"માં તાજેતરમાં જોડાયેલા સ્થાનીક યુવાનોને પણ ગ્રામજનો તેમજ ઉપસ્થિત લોકોની વચ્ચે અભિવાદન તેમજ પ્રોત્સાહિત કરાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application