થાન તાલુકામાં ગેરકાયદે કોલસા ખનન પ્રવૃત્તિઓ પર મોટી કાર્યવાહી, એકસાથે 150થી વધુ ખાણો પર ચોટીલાના ડેપ્યુટી કલેક્ટરના દરોડા

  • March 25, 2025 05:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સુરેન્દ્રનગર જિલ્લાના થાન તાલુકામાં ગેરકાયદે કોલસા ખનનની પ્રવૃત્તિઓ પર મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ચોટીલાના ડેપ્યુટી કલેક્ટર એચ.ટી. મકવાણા અને તેમની ટીમે એકસાથે 150થી વધુ ગેરકાયદે ખાણો પર દરોડા પાડીને ખનન માફિયાઓ પર મોટી ધોંસ બોલાવી છે. આ કાર્યવાહી જામવાળી અને ભડુલો વિસ્તારમાં હાથ ધરવામાં આવી હતી, જ્યાં અધિકારીઓએ કોલસો કાઢવા માટે ખોદવામાં આવેલા 150થી વધુ ખાડાઓ શોધી કાઢ્યા હતા. દરોડા દરમિયાન હજારો ટન કોલસાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે, જે ગેરકાયદે ખનનના વ્યાપક પ્રસારને દર્શાવે છે.


તપાસ દરમિયાન ખનન માટે વપરાતા ટ્રેક્ટર અને અન્ય સાધનો પણ જપ્ત કરવામાં આવ્યા છે. આ સાધનોનો ઉપયોગ ગેરકાયદે ખનન માટે કરવામાં આવતો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, પકડાયેલી કેટલીક ખાણોમાં રાજકીય આગેવાનોની સંડોવણી હોવાની શક્યતા છે. આ મામલે વધુ તપાસ ચાલી રહી છે, અને જો આ દાવા સાચા સાબિત થાય, તો આ કેસ વધુ ગંભીર બની શકે છે.


ખનીજ માફિયાઓમાં ફફડાટ
આ કાર્યવાહીથી વર્ષોથી ચાલી રહેલા કોલસાના કાળા કારોબાર પર મોટો ફટકો પડ્યો છે. ખનીજ માફિયાઓમાં ભારે ફફડાટ ફેલાયો છે. પ્રાંત અધિકારીની આ કાર્યવાહીથી ગેરકાયદે ખનન પર અંકુશ લાગશે તેવી આશા સેવાઈ રહી છે.


ગુજરાતના ઇતિહાસમાં નવો રેકોર્ડ
આ કાર્યવાહી ગુજરાતની ખાણ તપાસના ઇતિહાસમાં એક નવો રેકોર્ડ છે. ડેપ્યુટી કલેક્ટર એચ.ટી. મકવાણા અને તેમની ટીમની આ કામગીરીને લોકો તરફથી પ્રશંસા મળી રહી છે. આ કાર્યવાહીથી ગેરકાયદે ખનન પર કડક પગલાં ભરવાની સરકારની પ્રતિબદ્ધતા સ્પષ્ટ થાય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application