જૂનાગઢ મનપા અને 66 ન.પા.ની ચૂંટણી માટે 16 ફેબ્રુઆરીએ મતદાન, 18 ફેબ્રુઆરીએ પરિણામ

  • January 21, 2025 06:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતમાં ઘણા સમયથી જેની રાહ જોવામાં આવી રહી છે તે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની આજે જાહેરાત કરવામાં આવી છે. રાજ્ય સરકારે સ્થાનિક ચૂંટણીઓ માટેની તૈયારીઓને અંતિમ ઓપ આપી દીધો છે. આગામી મહિને 16 ફેબ્રુઆરીએ મતદાન અને 18 ફેબ્રુઆરીએ પરિણામ જાહેર કરવામાં આવશે. આજે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ચૂંટણી કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી છે.


સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખો

  • 27 જાન્યુઆરીએ જાહેરનામું પ્રસિદ્ધ થશે
  • 1 ફેબ્રુઆરીએ ઉમેદવારી ભરવાની છેલ્લી તારીખ
  • 3 ફેબ્રુઆરીએ ઉમેદવારી પત્રકની ચકાસણી 
  • 4 ફેબ્રુઆરીએ ઉમેદવારી પત્રક પરત ખેંચવાની છેલ્લી તારીખ
  • 16 ફેબ્રુઆરીએ મતદાન થશે 
  • 17 ફેબ્રુઆરીએ પુનઃમતદાન તારીખ (જરૂર જણાય તો)
  • 18 ફેબ્રુઆરીએ મતગણતરી થશે
  • 21 ફેબ્રુઆરીએ ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવાની તારીખ


જૂનાગઢ મનપાની ચૂંટણી માટે 16મીએ મતદાન
જૂનાગઢ મનપાની ટર્મ પૂર્ણ થઈ જતા તેની ચૂંટણી યોજાવાની છે. ત્યારે આજે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા જૂનાગઢ મનપાની સામાન્ય ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે. જૂનાગઢ મનપાની સાથે અમદાવાદ, ભાવનગર અને સુરત મહાનગરપાલિકામાં ખાલી પડેલી ત્રણ બેઠકો પર પેટાચૂંટણી યોજાશે. આ તમામ બેઠકો પર 18મીએ મતગણતરી હાથ ધરાશે.


ખેડા જિલ્લા પંચાયત અને ધાનરા નગરપાલિકાની ચૂંટણી જાહેર નથી કરાઈ
​​​​​​​
રાજ્ય ચૂંટણી આયોગના કમિશનર ડૉ. એસ. મુરલીક્રિષ્નાએ જણાવ્યું છે કે, રાજ્યમાં જૂનાગઢ મહાનગર પાલિકા, 66 નગર પાલિકા, 3 તાલુકા પંચાયતની ચૂંટણી યોજવામાં આવશે. આ સિવાય અમદાવાદ, ભાવનગર, સુરત મહાનગર પાલિકાની 3 ખાલી પડેલ બેઠકની ચૂંટણી યોજાશે. ખેડા જિલ્લા પંચાયતની ચૂંટણી હાલ જાહેર નથી કરાઈ. આ સિવાય ધાનરા નગરપાલિકાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર નથી કરાયો. બોરસદ, સોજીત્રા જેમાં OBCની ભલામણ મુજબ હજી રિઝર્વેશન નક્કી થયું નથી. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જેમાં 19 લાખ જેટલા મતદારો મત આપશે. 


આચારસંહિતાને કારણે જાન્યુઆરી-૨૦૨૫ મહિનાનો જિલ્લા-તાલુકા અને રાજ્ય “સ્વાગત” કાર્યક્રમ યોજાશે નહીંસામાન્ય નગરીકોની સમસ્યાઓ-પ્રશ્નોની રજૂઆતો માટે ટેકનોલોજીના વિનિયોગ સાથે પ્રતિમાસ યોજવામાં આવતો સ્વાગત ઓનલાઇન જન ફરિયાદ નિવારણ કાર્યક્રમ જાન્યુઆરી-૨૦૨૫માં યોજાશે નહીં. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ એટલે કે, નગરપાલિકાઓ, ૧ મહાનગરપાલિકા તેમજ કેટલીક જિલ્લા તાલુકા પંચાયતોની બેઠકોની ચૂંટણીઓ યોજવાની જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાત સાથે જ આદર્શ ચૂંટણી આચારસંહિતા અમલમાં આવી છે. આ આદર્શ આચાર સંહિતાને અનુલક્ષીને જાન્યુઆરી મહિનાનો તાલુકા, જિલ્લા અને રાજ્યકક્ષાનો સ્વાગત ઓનલાઇન જન ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે નહીં. આ અંગેની નોંધ લેવા સૌ નાગરિકોને મુખ્યમંત્રીના જનસંપર્ક એકમ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

રાજ્ય ચૂટણી આયોગે પત્રકાર પરિષદ યોજીને સ્થાનિક સ્વરાજની ચૂંટણી તારીખ જાહેર કરી છે. જેમાં રાજ્યની 66 નગરપાલિકાની ચૂંટણીઓ જાહેર કરી છે. નોંધનીય છે કે, રાજ્યમાં આવનારી સ્થાનિક ચૂંટણીઓમાં 27 ટકા ઓ.બી.સી., 14 ટકા એસ.ટી. અને 7 ટકા એસ.સી. અનામત બેઠકો રહેશે.

જે જિલ્લા અને તાલુકા પંચાયતો અને નગરપાલિકામાં ચૂંટણી જાહેરાત થતાની સાથે જ આચારસંહિતાનો અમલ થશે. રાજ્યમાં છેલ્લા બે વર્ષથી ખેડા અને બનાસકાંઠા જિલ્લા પંચાયત, 17 તાલુકા પંચાયત, 75 નગરપાલિકા અને 539 નવી ગ્રામ પંચાયતો સાથે કુલ 4765ની ચૂંટણીઓ થઈ શકી નથી. 


ઓબીસી સમાજ માટે અનામત બેઠક 
ગુજરાત રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઓબીસી સમાજ માટે અનામત બેઠક જિલ્લા પંચાયતોમાં 105થી વધીને 229,248 તાલુકા પંચાયતોમાં 506થી વધીને 1085, રાજ્યની કુલ 14,562 ગ્રામ પંચાયતોમાં 12,750થી વધીને 25,347 અને એ જ રીતે નગરપાલિકાઓ પણ મોટા પ્રમાણમાં વધી છે. સૂત્રો એવું કહે છે કે, લોકસભાની ચૂંટણી પછી રાજ્ય ચૂંટણી પંચ બે મહિનામાં નવી મતદાર યાદી તૈયાર કરવાની તથા અનામત વર્ગીકરણની કાર્યવાહી પૂર્ણ કરી દીધી છે.


સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેરાતના પગલે આચારસહિતાનો અમલ
રાજ્યમાં 75 નગરપાલિકા, 17 તાલુકા પંચાયત, 2 જિલ્લા પંચાયત તેમજ 7000 જેટલી ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ છેલ્લા કેટલાક સમયથી અટવાઈ હતી. જેમાં 66 નગરપાલિકાની આજે જાહેરાત થઈ છે. આ સાથે જ આ તમામ વિસ્તારમાં આચારસંહિતા લાગુ પડશે.


રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થામાં અગાઉ ઓબીસી સમાજ માટે 10 ટકા બેઠકો અનામત હતી, જે નિવૃત્ત જજ કે.એસ. ઝવેરી પંચના રિપોર્ટ બાદ વધારીને 27 ટકા કરવાની જાહેરાત ગત ઓગસ્ટમાં રાજ્ય સરકારે કરેલી છે. ઝવેરી કમિશનના રિપોર્ટ પ્રમાણે રાજ્યમાં ગ્રામીણ સ્તરે 52 ટકા અને શહેરી ક્ષેત્રે 46.43 ટકા ઓબીસી સમાજની વસ્તી છે. આજે સાંજે ચૂંટણીની જાહેરાત થતાની સાથે આદર્શ આચારસંહિતાનો કડક અમલ શરૂ થશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application