બેટ દ્વારકામાં કરોડોની જમીનના કૌભાંડ માટે સક્રિય ભૂમાફીયા

  • July 31, 2023 10:30 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દ્વારકાના બે શખ્સો દ્વારા મોટી જમીન પર ખેલ પાડવાની ચાલતી તૈયારી અંગે વ્યાપક ચર્ચા: સિગ્નેચર બ્રિજના કારણે બેટ દ્વારકાની જમીનોના ભાવ આસમાને પહોંચતા ભૂમાફીયાઓના કેમેરા બેટ તરફ વળ્યા: રાજય સરકાર, વહિવટી તંત્ર અને પોલીસ તંત્ર અગાઉથી જ સચેત નહીં થાય તો અનેક કૌભાંડ થઇ જશે

સિગ્નેચર બ્રિજ બનવાના કારણે ધર્મ સ્થાન બેટ દ્વારકાના વિકાસના માર્ગનો દરવાજો ખુલ્યો છે અને અહીં અનેક મોટા વેપારીઓ, હોટલ માલિકો પોતપોતાના ધંધા માટે યોજનાઓ બનાવી રહ્યા છે ત્યારે જમીનના કેટલાક કૌભાંડકારીઓ બેટ દ્વારકામાં સક્રિય થયા છે અને લાખોમાંથી કરોડોની બનેલી જમીનોને હડપ કરવા ખેલ કરી રહ્યા છે, દ્વારકાના બે શખસો દ્વારા આવો ખેલ પાડવાની તૈયારી ચાલી રહી હોવાથી ધર્મનગરીમાં કાનો અને ચતુરચંદની જોડી તરીકે ઓળખાતા આ બંને શખસોના જમીન કાંડ અંગે વ્યાપક કાનાફુસી ચાલી રહી છે, જરુરી છે કે રાજય સરકાર, વહિવટી તંત્ર અને પોલીસ તંત્ર અત્યારથી જ પૂર્ણપણે સક્રિય રહે નહીં તો બેટ દ્વારકામાં અનેક જમીન કૌભાંડ આચરાઇ જશે.
બેટદ્વારકાને જમીનથી જોડતા અત્યંત મહત્વકાંક્ષી સિગ્નેચર બ્રિજની મેગા યોજના પૂર્ણતા તરફ છે, હવે થોડુઘણુ કામ બાકી રહ્યું છે, સંભવત દિવાળીની આસપાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આ બ્રિજ ખુલ્લો મુકાઇ શકવાની સંભાવના છે, બ્રિજનું લોકાર્પણ થયા બાદ બેટદ્વારકા તરફ પ્રવાસીઓનો જબરો પ્રવાહ વધશે તેમાં કોઇ શંકા નથી અને આ ધાર્મિક સ્થળના વિકાસનો જબરદસ્ત ઉછાળો આવશે તેમાં કોઇ સંદેહ નથી.
આમ તો સિગ્નેચર બ્રિજ બનવાની શરુઆત થઇ ત્યારથી જ કેટલાક ખંધા અને જમીન કૌભાંડ જેની નસેનસમાં છે એવા તત્વો સક્રિય થઇ જ ગયા હતાં, આ બધાના કેમેરા બેટદ્વારકા તરફ મંડાઇ ચૂકયા હતાં એટલે કોણે શું કળા કરી છે ? કયા કૌભાંડ કર્યા છે ? તેની ચોંકાવતી વિગતો ભવિષ્યમાં સામે આવી શકે છે ત્યારે હાલમાં બેટદ્વારકાના વિસ્તારમાં જંગલખાતાની ગૌચર, સરકારી, પડતર અને ખાનગી જમીનો આવેલી છે, આ જગ્યા પર ખેલ પાડીને દ્વારકાના બે ચબરાક શખસો કરોડોની જમીન હડપ કરવાનો કારસો રચી રહ્યાની સ્ફોટક વિગતો સપાટી પર આવી રહી છે.
બેટદ્વારકાની જમીનોના ભાવમાં કેવો હનુમાન કુદકો લાગ્યો છે તે સૌ જાણે છે, આજથી પાંચ-સાત વર્ષ પહેલા એક એકર જમીન એક થી બે લાખ રુપિયામાં મળતી હતી તે આજે પ્રતિએકર એકથી બે કરોડની થઇ ગઇ છે. તેમાં પણ બિનખેતી કરેલી જમીનના ફુટના ભાવ જયાં ૫૦૦ હતાં તે હવે ૨૦૦૦થી વધુ બોલાઇ રહ્યા છે અને એટલા માટે જ બેટદ્વારકાની જમીન પર ભૂમાફીયાઓની લાળ ટપકી રહી છે.
જમીનના કૌભાંડકારીઓની એક મોડસ ઓપરેન્ડી રહી છે કે આ તત્વો પારકી જમીન પોતાની કરી લેવા માટે પોતાના મળતીયાઓને ઉતારે છે અને ધીમે-ધીમે કબ્જો કરીને આખો ખેલ પાડે છે. બેટદ્વારકાની ઘણી એવી જમીનો છે કે જેમાં વારસાઇ, ભાઇઓ ભાગ અથવા શરતભંગ અને અન્ય વાંધાના કારણે આવી જમીનો કાયદેસર વેંચી શકાય એવી સ્થિતિમાં નથી.
કાનુની વાંધો હોય, જમીન વેંચી શકાય તેમ ન હોય એવી જગ્યાઓ ઉપર ભૂમાફીયાઓનો ડોળો પડે જ છે અને કેટલાક સરકારી બાબુઓની મદદ લઇને ટેબલ નીચેથી એમને પ્રસાદી પધરાવીને બનાવટી દસ્તાવજો ઉભા કરીને બીનખેતીમાં જમીનને ફેરવીને રાજય સરકારને કરોડો રુપિયાનો ચુનો ચોપડી પારકી જમીન પોતાની કરી લેવા માટે દાવ-પેચ ચાલી રહ્યા છે.
હાલમાં ધર્મનગરી દ્વારકામાં એવી ચર્ચા છે કે, દ્વારકામાં આવેલ એક કરોડોની જમીન પાછળ દ્વારકાનો એક કાનો તરીકે ઓળખાતો શખસ અને એક ચતુરચંદ તરીકે ઓળખાતા વગદાર શખસ દ્વારા જુગલજોડી બનાવીને ખોટુ વસીયતનામુ ઉભુ કરીને, વારસદારોને અંધારામાં રાખીને કેટલાક મહત્વના સરકારી કાગળો પણ બનાવી લેવામાં આવ્યા છે.
આ બેલડી જમીનને કલીયર કરાવીને ખાનગી પાર્ટીને કરોડો રુપિયામાં આ જમીન વેંચી મારવાનો મનસુબો ધરાવે છે અને છાતી ઠોકીને એવું પણ કહે છે કે, દ્વારકાથી લઇને રાજયના પાટનગર સુધી એમના છેડા છે, એમને કોઇ રોકી શકશે નહીં.
આ બંને તત્વોને કાયદાનું ભાન કરાવવા માટે રાજય સરકાર, વહીવટી તંત્ર અને પોલીસ તંત્રએ અત્યારથી જ તમામ જમીનોના રેકર્ડ ચેક કરી છેલ્લા પાંચ-સાત વર્ષમાં કઇ જમીનમાં, કઇ વ્યકિત દ્વારા શું કરવાની હીલચાલ ચાલી રહી છે તેની વિગતો મેળવવાથી પણ ઘણી બધી જમીનોના કૌભાંડો પ્રકાશમાં આવશે એવું જાણકારો માને છે. ત્યાં એવી પણ ચર્ચા છે કે, ઉપરોકત જમીન કૌભાંડમાં કહેવાતો કાનો ખોખુ ખાઇ ચૂકયો છે અથવા ખાવાનો છે, જયારે ચતુર મહાશય આખેઆખી મલાઇ ખાવા બાયો ચડાવી ચૂકયા છે અને તેમાં દ્વારકા જિલ્લાની એક સરકારી કચેરીનો એક બાબુ પણ સાથે હોવાનું ચર્ચાઇ રહ્યું છે. હાલમાં દ્વારકા તાલુકામાં જમીનનું આ પ્રકરણ ટોપ ઓફ ધી ટાઉન બન્યો છે, જરુરી છે કે સરકારી તંત્ર બેટ દ્વારકાની જમીન પર કૌભાંડ કરીને સપનાના મહેલ ચણવા સક્રિયા થયેલા ભૂમાફીયાના ઇરાદાઓને નાકામ બનાવે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application