યુનિવર્સિટી રોડ પર ઇલેક્ટ્રીકની દુકાનમાંથી 1 લાખની ચોરીમાં કુબલીયાપરાની મહિલા ઝબ્બે

  • April 12, 2025 03:09 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શહેરના યુનિવર્સિટી રોડ પર જલારામ શેરી નંબર 2 માં આવેલી ઈલેક્ટ્રીકની દુકાનમાં આગળના દરવાજાનો આંગળીઓ ખોલી દુકાનના ફળિયામાં રહેલ રૂપિયા 1.04 લાખની કિંમતના કેબલ વાયરની ચોરી કરી ગયા અંગે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ અંગે પોલીસે તપાસ હાથ ધરી કુબલીયાપરા વિસ્તારમાં રહેતી મહિલાને ઝડપી લીધી હતી.મહિલા આ વાયરને બાળી કોપર કાઢી વેચી નાખવાની પેરવીમાં હતી. પોલીસે રૂ.૧૧,૫૦૦ ની કિંમતનો કોપર કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.


ચોરીના આ બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ, શહેરના મોરબી રોડ પર સેટેલાઈટ ચોક પાસે શિવ આસ્થા રેસિડેન્સી શેરી નંબર 2 માં રહેતા વેપારી મહેશ પ્રવીણભાઈ અકબરીએ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ રાજકોટના યુનિવર્સિટી રોડ પર જલારામ શેરી નંબર 2 જાનકી માર્ગ પીઝા કન્ટ્રીવાળી શેરીમાં વ્રજ ઇલેક્ટ્રો ટ્રેડ નામે દુકાન ચલાવે છે.


ગત તા.30/3 ના રવિવાર હોવાથી બપોરના 1:00 વાગ્યા આસપાસ દુકાનનો અંદરનો દરવાજો લોક કરી બહારના દરવાજાને આંગળીઓ મારી તેઓ ઘરે જતા રહ્યા હતા. બીજા દિવસે તારીખ 31/3 ના સવારના આઠેક વાગ્યે દુકાને આવી જોતા બહારનો દરવાજો ખુલ્લો હતો અને દુકાનનો બીજો અંદરનો દરવાજો લોક હતો દુકાનના ફળિયામાં રહેલ બધો સામાન અસ્તવ્યસ્ત પડ્યો હતો. બાદમાં તપાસ કરતા માલુમ પડ્યું હતું કે, દુકાનના ફળિયામાંથી કુલ રૂપિયા 1.04 લાખની કિંમતનો વાયર ચોરી કરી થઇ ગયો હતો. આ અંગે તેમણે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.


ચોરીના આ બનાવને લઇ ગાંધીગ્રામ પોલીસ મથકના પીઆઇ એસ.આર.મેઘાણીની રાહબરી હેઠળ પીએસઆઇ એસ.એલ.ગોહિલ તથા તેમની ટીમે તપાસ શરૂ કરી હતી દુકાન આસપાસના સીસીટીવી ફૂટેજ ચેક કરતા કોન્સ્ટેબલ અમીનભાઈ ભલુર અને પ્રશાંતભાઈ ગજેરાને સીસીટીવી ફૂટેજમાં એક શંકાસ્પદ મહિલા નજરે પડી હતી. આ મહિલા અગાઉ આ પ્રકારે વાયર ચોરીમાં પકડાઈ ચુકી હોય અને તેનું નામ લક્ષ્મી (રહે. રામનાથપરા નદીના કાંઠે) હોવાનું માલુમ પડ્યું હતું. પરંતુ આ મહિલા રખડતુ ભટકતું જીવન જીવતી હોય તેને શોધી કાઢવા માટે પોલીસે અલગ અલગ ટીમો બનાવી તપાસ આગળ ધપાવી હતી. દરમિયાન હેડ કોન્સ્ટેબલ રવિભાઈ ગઢવી, રોહિતદાન ગઢવી અને મસરીભાઈ ભેટારીયાને મળેલી બાતમીના આધારે જામનગર રોડ પર એમસ હોસ્પિટલ પાસે આવવારૂ જગ્યાએ મહિલા આ કેબલ વાયર સાથે ઉભી હોય અને તેણે વાયર બાળીને તેમાંથી કોપર કાઢી તે કોપર વેચી દેવાની પહેરવીમાં હતી દરમિયાન પોલીસની ટીમે અહીં પહોંચી મહિલા આરોપી લક્ષ્મી વિજયભાઈ સોલંકી (ઉ.વ 25 રહે. કુબલીયાપરા શેરી નંબર 5, મચ્છી ચોક પાસે, રાજકોટ) ને ઝડપી લઇ તેની પાસેથી રૂપિયા 11,500 ની કિંમતનો કોપર વાયર કબજે કર્યો હતો.


પોલીસે જણાવ્યું હતું કે, મહિલા કેબલ વાયરની ચોરીની ટેવ ધરાવે છે અગાઉ તેની સામે રાજકોટના એ ડિવિઝન, બી ડિવિઝન, તાલુકા સહિતના પોલીસ સ્ટેશનમાં મળી આ પ્રકારની ચોરીના ચાર ગુના નોંધાય ચૂક્યા છે.


પાણી પીવાના બહાને દુકાનમાં આવી રેકી કરી હતી

પોલીસે જણાવ્યું હતું કે, રવિવારે મહિલા આરોપી લક્ષ્મી અહીં વેપારીની દુકાને પાણી પીવા માટે આવી હતી. આ સમયે તેણે અહીં દુકાનના ફળિયામાં કેબલ વાયર પડ્યા હોવા અંગેની રેકી કરી લીધી હતી. બપોર બાદ વેપારીએ દુકાન બંધ કરી દેતા તે ફરી અહીં પહોંચી હતી અને દુકાનના ફળિયામાંથી કેબલ વાયરની ચોરી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application