ખેલ મહાકુંભ 3.0 નો રાજકોટથી શાનદાર પ્રારંભ: મુખ્યમંત્રીના હસ્તે ભવ્ય ઉદ્ઘાટન

  • January 04, 2025 08:38 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આજે રાજકોટ ખાતે ખેલ મહાકુંભ ૩.૦નો શાનદાર પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે રમત-ગમત રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી સહિત મંત્રીશ્રીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.


મુખ્યમંત્રીશ્રીએ આ પ્રસંગે ખેલ મહાકુંભ ૨.૦માં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર શાળાઓ, જિલ્લાઓ અને મહાનગરોને એવોર્ડ અને પુરસ્કારો આપીને સન્માનિત કર્યા હતા.


આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, "ગુજરાતના રમતવીરોને વર્લ્ડ ક્લાસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર આપવાની સરકારની નેમ છે. ખેલ મહાકુંભ જેવા કાર્યક્રમો દ્વારા આપણે રાજ્યના યુવાનોને રમત-ગમત તરફ પ્રેરિત કરી શકીએ છીએ. આપણા યુવાનો દેશ અને રાજ્યનું નામ રોશન કરે તેવી મારી કામના છે."


ખેલ મહાકુંભ ૩.૦માં વિવિધ રમતોની સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ દ્વારા રાજ્યના ખેલાડીઓને પોતાની પ્રતિભા દર્શાવવાની તક મળશે.


મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ખેલ મહાકુંભ ૩.Oનો રાજકોટથી પ્રારંભ કરાવતા સ્પષ્ટ જણાવ્યું કે, રમતવીરોને વર્લ્ડ ક્લાસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પુરૂ પાડવાની રાજ્ય સરકારની નેમ છે. 



આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, રમત-ગમત માટે સાધન સુવિધાઓ, તાલિમ, અને સ્પોર્ટસ કોમ્પલેક્ષ સરળતાએ મળી રહે તે માટે રાજ્ય સરકારે રમત-ગમત માટેના બજેટમાં ઉત્તરોત્તર વધારો કર્યો છે. ૨૦૦૨માં જે બજેટ માત્ર અઢી કરોડનું હતું તે આજે વધીને રૂ.૩૫૨ કરોડ થયું છે.


એટલું જ નહિ, ૨૦૦૨માં રાજ્યમાં માત્ર ત્રણ સ્પોર્ટસ કોમ્પલેક્ષ હતા આજે ૨૨ જિલ્લામાં ૨૪ સ્પોર્ટસ કોમ્પલેક્ષ છે તેમજ નવા ૧૩ કોમ્પલેક્ષનું બાંધકામ પ્રગતિમાં છે. નારણપુરામાં ૨૨ એકરમાં મલ્ટી યુટિલીટી સ્પોર્ટસ સેન્ટર નિર્માણાધિન છે અને વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડીયમ પાસે ૨૩૩ એકરમાં સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટસ એન્કલેવનું નિર્માણ કરવામાં આવશે તેમ મુખ્યમંત્રીશ્રીએ ઉમેયુ હતું.


રાજ્ય સરકારના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ તથા સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા આયોજીત ખેલ મહાકુંભ ૩.Oનો રાજકોટમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે, રમત-ગમત રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી તથા મંત્રીશ્રીઓ શ્રી કુવરજીભાઈ બાવળીયા, શ્રીમતી ભાનુબેન બાબરીયા અને રજકોટ શહેરના ધારાસભ્યશ્રીઓ અને મેયર તથા પદાધિકારીઓની ઉપસ્થિતીમાં પ્રારંભ કરાવ્યો હતો.


મુખ્યમંત્રીશ્રીએ આગામી અઠવાડીએ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં શરૂ થનારા મહાકુંભ પહેલા ગુજરાતમાં શરૂ થઈ રહેલા આ ખેલ મહાકુંભ ૩.Oને રમત-ગમતનો મહાકુંભ ગણાવ્યો હતો.


તેમણે કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશમાં વિશ્વાસ અને ઉત્સાહનું વાતાવરણ ઉભું થયું છે તેના પરિણામે ૨૦૨૪નું વર્ષ ભારત માટે રમત-ગમત ક્ષેત્રે અનેક ઉપલબદ્ધીઓનું વર્ષ બન્યું છે.


પેરિસના પેરાલિમ્પિક્સમાં આપણા ખેલાડીઓનું રેકર્ડ બ્રેક પ્રદર્શન, ચેસની વિશ્વ રમતમા ઐતિહાસીક જીત અને મહિલા શક્તિની ખેલ-કૂદમાં વધુને વધુ ભાગીદારીએ નવા કિર્તીમાન સ્થાપ્યા છે એમ તેમણે જણાવ્યું હતું.


મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, ૨૦૩૬ના ઓલિમ્પિક્સની યજમાની માટે ભારતને સજ્જ કરવાનું મિશન હવે વડાપ્રધાનશ્રીએ ઉપાડ્યું છે અને ગુજરાત પણ તેમના દિશાદર્શનમાં આ ઓલિમ્પિકના રન અપના ભાગરૂપે ૨૦૨૫, ૨૦૨૬ તથા ૨૦૨૯ એમ ત્રણ વર્ષોમાં પાંચ જેટલી વર્લ્ડ ક્લાસ ગેઈમ્સના આયોજન માટે પ્રયત્નશીલ છે.


ગુજરાતમાં આજે જે સ્કેલ પર સ્પોર્ટસ કલ્ચર ખીલ્યું છે તે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનનું પરિણામ છે તેનો ઉલ્લેખ કરતાં મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે ૨૦૧૦માં ‘ખેલે તે ખીલે’ના મંત્ર સાથે શરૂ કરાવેલા ખેલ મહાકુંભથી છેવાડાના વિસ્તારથી લઈને મહાનગર સુધીના ખેલ કૌશલ્યને બહાર આવવાનું અને નિખરવાનું પ્લેટફોર્મ મળ્યું છે.


તેમણે ખેલ મહાકુંભને ઉત્તરોત્તર મળી રહેલા વ્યાપક પ્રતિસાદની વિગતો આપતાં કહ્યું કે, ૨૦૧૦માં પ્રથમ ખેલ મહાકુંભમાં ૧૬ લાખ ખેલાડીઓ હતા તે આ વર્ષે રેકર્ડ બ્રેક ૭૧ લાખથી વધુ રજીસ્ટ્રેશન થયા છે. વિવિધ રમતોના વિજેતા ખેલાડીઓને કુલ ૪૫ કરોડ રૂપિયાના ઈનામોથી રાજ્ય સરકાર પ્રોત્સાહિત કરવાની છે તેમ તેમણે ઉમેર્યુ હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application