ખંભાળિયા: હૃદયરોગના હુમલાએ વિપ્ર યુવાનનો ભોગ લીધો

  • January 20, 2025 01:28 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઔદિચ્ય બ્રાહ્મણ જોશી પરિવારનો એકનો એક પુત્ર હતો


ખંભાળિયામાં રહેતા સહસ્ત્ર ઝાલાવાડી ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિના યુવાનનું અમદાવાદ ખાતે લગ્ન પ્રસંગમાં હૃદયરોગના જીવલેણ હુમલાના કારણે મૃત્યુ નિપજતા ભારે શોકની લાગણી પ્રસરી જવા પામી છે.


       આ કરુણ બનાવની વિગત એવી છે કે ખંભાળિયામાં રહેતા અને નગરપાલિકાના નિવૃત્ત કર્મચારી શિરીષભાઈ પ્રહલાદભાઈ જોશીના પુત્ર વિવેક જોશી ઉર્ફે જે.વી. (ઉ.વ. 37) ગઈકાલે રવિવારે તેમના અમદાવાદ ખાતે રહેતા એક સંબંધીને ત્યાં લગ્ન પ્રસંગમાં ગયા હતા. અહીં તેમને હૃદયરોગનો ઘાતક હુમલો આવી જતા તાકીદે તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા.


       આ પછી તેમના મૃતદેહને ખંભાળિયા લાવતા ગત સાંજે તેમની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં જ્ઞાતિજનો તેમજ નગરજનો જોડાયા હતા. 

        મૃતક વિવેક જોષી અગાઉ દુબઈમાં નોકરી કરતો હતો. ત્યાં પણ તેમને હૃદયરોગનો હુમલો આવતા સ્ટેન્ટ બેસાડવામાં આવ્યું હતું. ત્યાર પછી છેલ્લા કેટલાક સમયથી ખંભાળિયા જ હતો અને રવિવારે અમદાવાદ ખાતે પ્રસંગમાં તેમને પુનઃ હાર્ટ એટેક આવી જતા આ હુમલો જીવલેણ બન્યો હતો. મૃતક યુવાન તેમના માતા-પિતાનો એકનો એક પુત્ર અને એક બહેનનો ભાઈ હતો. અપમૃત્યુના આ બનાવે મૃતકના પરિવારજનોમાં ભારે આક્રંદની લાગણી પ્રસરાવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application