મનપામાં કાલે સ્ટેન્ડિંગ; દરખાસ્તો રહેશે પેન્ડિંગ

  • April 29, 2024 03:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


લોકસભા ચૂંટણીની અભૂતપૂર્વ 82 દિવસ લાંબી આચાર સંહિતા વચ્ચે રાજકોટ મહાપાલિકામાં આવતીકાલે તા.30ને મંગળવારે સવારે 11 કલાકે સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગ મળનારી છે. મિટિંગના આજે પ્રસિધ્ધ થયેલા એજન્ડામાં કુલ 20 દરખાસ્તો છે, અલબત્ત ચૂંટણી આચારસંહિતાને ધ્યાને લઇને આ તમામ દરખાસ્તો પેન્ડિંગ રહેશે. ગત મિટિંગ તા.પાંચ એપ્રિલના મળી હતી, હવે તા.7 મે-ના મતદાન હોય પાંચ દિવસ વહેલી મિટિંગ યોજાવા જઇ રહી છે.

વિશેષમાં મહાપાલિકાના સુત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ આવતીકાલે મળનારી સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગના એજન્ડામાં કુલ 20 દરખાસ્તો છે જેમાં (1) ધી જીપીએમસી એકટ-1949ની કલમ-289 અન્વયે ફાયર બ્રિગેડની અઠવાડિક કામગીરીના રિપોર્ટ જાણમાં લેવા (2) ધી જીપીએમસી એકટ-1949ની કલમ-29(ક) હેઠળની જુદી જુદી વોર્ડ કમિટીના ઠરાવો જાણમાં લેવા (3) વોર્ડ નં.8(પાર્ટ), 11(પાર્ટ) અને 13(પાર્ટ)માં ચંદ્રેશનગર હેડવર્કસ આધારિત વિસ્તારોમાં હાઉસ હોલ્ડ અને બલ્કફલો મીટરના ઓપરેશન અને મેઇન્ટેનન્સ તથા રીડીંગ, બીલીંગના કામ અંગેનો કોન્ટ્રાકટ આપવા(4) વોર્ડ નં.15માં આજી ડેમ ફિલ્ટર પ્લાન્ટ પાછળ નેશનલ હાઇવેને લાગુ ખુલ્લી જમીનમાં વૃક્ષારોપણને પિયત આપવા પાણીની લાઈનનું નેટવર્ક કરી આપવા (5) વોર્ડ નં.18માં સોલવન્ટ વિસ્તારની જુદી જુદી સાંકડી શેરીઓમાં પેવિંગ બ્લોક નાખવા (6) રાજકોટ મહાનગરપાલિકા હસ્તકના બિન ઉપયોગી/નોન યુઝ વાહનોના ઇ-ઓક્શનથી થયેલ ઉપજની જાણ કરવા(7) રાજકોટ મહાપાલિકા હસ્તકના એર ક્ધડીશનર્સ, એર ક્ધડીશનર્સ પ્લાન્ટ્સ, વોટરકુલર્સ વિ. ની સર્વિસ, રીપેરીંગ અને ખરીદ કરવા સબબ દ્વિવાર્ષિક રેઇટ કોન્ટ્રાક્ટ કરવા (8) રાજકોટ મહાનગરપાલિકાના મોટા મવામાં આવેલ ઇલેક્ટ્રીક સ્મશાનને ગેસ સ્મશાનમાં રૂપાંતરિત કરવા (9) વોર્ડ નં.18માં ટી.પી.12માં આવેલ પાલવ સ્કુલ પાસે 20 મી. રોડ તથા 24 મી. રોડ ડેવલપ કરવાના કામ અંગે નિર્ણય લેવા (10) પ્લેનેટેરિયમ સંકુલના કોમ્પ્યુટર વિભાગનું સંચાલન અરવિંદભાઈ મણીઆર જનકલ્યાણ ટ્રસ્ટને વિશેષ ત્રણ વર્ષ માટે સુપ્રત કરવા (11) સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના ઉપયોગ માટેના મોબાઇલ ટોઇલેટમાં રીપેરીંગ કામગીરી માટે દ્વિવાર્ષિક રેઈટ કોન્ટ્રાક્ટ કરવા (12) સેન્ટ્રલ ઝોન હસ્તકના સરદાર વલ્લભભાઇ પટેલ સ્વીમીંગ પુલનુ બે વર્ષ માટે પ્રિવેન્ટીવ ઓપરેશન-મેઇન્ટેનન્સ કરવાના કામ અંગે નિર્ણય લેવા (13) વર્ષ 2023-24 અને 2024-25ના બે વર્ષ માટે ઈસ્ટ ઝોન (ઇ-1) માટે વાર્ષિક ઝોનલ વાલ્વ ઓપરેટીંગ કામનો કોન્ટ્રાકટ આપવા(14) વોર્ડ નં.18માં ટી.પી.12માં આવેલ 20 મીટર રોડ સાંઈબાબા સર્કલથી ગુલાબનગર, સાંઇબાબા સર્કલથી શાનદાર-5, 24 મીટર રોડ ડામર કાર્પેટ કરવા (15) વોર્ડ નં.18માં આવેલ વિરાણી અઘાટ, ખોડીયાર ઇન્ડસ્ટ્રીયલ એરિયા તથા અન્ય ઇન્ડ.એરિયામાં ડ્રેનેજ લાઇન નાખવા તથા હાઉસ કનેક્શન ચેમ્બર બનાવવા (16) વોર્ડ નં.11માં અમૃત મિશન-ર.00 અંતર્ગત મોટા મવા(પોકેટ-10) લાગુ વિસ્તારમાં ડ્રેનેજ લાઇન નાખવા (17) સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ ખરીદ કરવામાં આવેલ બે મોબાઇલ ડિસ્પેન્સરીના સામાજિક સંસ્થાને સોંપેલ સંચાલનની મુદત વધારવા (18) નવરંગ ચેરિટેબલ ટ્રસ્ટને ક્રિકેટ એકેડેમી માટે જગ્યા ફાળવવા (19) વોટર વર્કસ શાખાના પેટ્રોલર કર્મચારી ધનજીભાઇ દેવશીભાઈ બાહુકીયાએ હ્રદય રોગની બીમારી સબબ કરાવેલ સારવારના ખર્ચ પેટે ખાસ કિસ્સામાં આર્થિક તબીબી સહાય મંજુર કરવા (20) વેરા વસુલાત શાખાના સિનીયર કલાર્ક કર્મચારી સ્વાતિ કિર્તીકુમાર મેહને પથરીના ઓપરેશનની કરાવેલ સારવારના ખર્ચ પેટે ખાસ કિસ્સામાં આર્થિક તબીબી સહાય મંજુર કરવા સહિતની દરખાસ્તનો સમાવેશ થાય છે.


નિર્ણય નહીં કરાય, ફક્ત મિટિંગ મળશે: સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન
રાજકોટ મહાનગરપાલિકા કચેરીમાં આજે બપોરે ઉડતી મુલાકાતે આવેલા સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન જયમીનભાઇ ઠાકરએ જણાવ્યું હતું કે ફક્ત ઔપચારિકતા પૂર્ણ કરવા મિટિંગ મળશે, આચારસંહિતા અમલી હોય કોઇ નિર્ણય કરાશે નહીં.


નિયમાનુસાર 30 દિવસે એક મિટિંગ યોજવી ફરજિયાત: મ્યુનિ.સેક્રેટરી
રાજકોટ મહાનગરપાલિકાના એચ.પી.રૂપરેલીયાએ જણાવ્યું હતું કે ધી જીપીએમસી એક્ટ-1949 અને મહાપાલિકાના સભા સંચાલનના નિયમાંનુસાર ઓછામાં ઓછું દર 30 દિવસે એક વખત સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગ યોજવી ફરજિયાત હોય આજે એજન્ડા પ્રસિધ્ધ કર્યો છે.

પાર્ટી સંકલન મિટિંગ મળશે કે કેમ? તે અંગે હજુ પણ પ્રવર્તતી અવઢવ
રાજકોટ મહાનગરપાલિકામાં ગત તા.5-4-2024ના રોજ સ્ટેન્ડિંગ મિટિંગ મળી હતી ત્યારે તમામ કોર્પોરેટર અને સંગઠનના હોદ્દેદારો લોકસભા ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત હોય સ્ટેન્ડિંગ પૂર્વે મળતી સંકલન મિટિંગ મળી ન હતી. હવે કાલે પણ આ મિટિંગ મળશે કે નહીં ? તે અંગે અવઢવ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application