જામનગરના બે દાયકાના વરસાદનો રેકોર્ડ આ વખતે તૂટવાની આશા

  • July 26, 2023 11:22 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

છેલ્લા ૨૦ વર્ષમાં જામનગર જિલ્લામાં પડેલા વરસાદના લેખાજોખા: ૨૦૦૭માં મેઘાનું રોદ્ર સ્વરુપ: ચાર તાલુકામાં ૪૮ ઇંચથી વધુ વરસાદ: ૨૦૧૯માં જોડીયામાં સૌથી વધુ ૫૨.૬૩ ટકા અને ૨૦૨૦માં જામજોધપુરમાં જળ બંબાકાર ૭૦ ઇંચ: આ વખતે પ્રથમ રાઉન્ડમાં જ જામનગર અને ખંભાળીયા ૫૦ ઇંચ સુધી પહોંચી ગયા

મેઘરાજાએ આ વખતે તો જામનગર અને દેવભુમિ દ્વારકા જિલ્લાને બારેય મેઘ ખાંગા કરી દેવા હોય તે રીતે વરસાદ પાડવાનું શરુ કર્યુ છે, વરસાદના કેટલાક નામો ખુબ જ પ્રચલીત છે, જેમાં ફરફર, છાંટા, ફોરા, કરા, પછેડીયા, નેવાધાર, મોલમેહ, અનરાધાર, મુશળધાર, ઢેફાભાંગ અને હેલી જેવા નામોથી મેઘો વિખ્યાત છે, આ વખતે જામનગર તો શું ગુજરાતમાં મેઘરાજા શું કરશે તેની કોઇને ખબર નથી, હજુ તો વરસાદના ત્રણ અઠવાડીયા થયા ત્યાં જ જામનગર શહેર અને ખંભાળીયામાં ૫૦-૫૦ ઇંચ વરસાદ ખાબકી ચૂકયો છે, છેલ્લા ૨૦ વર્ષમાં ન પડયો હોય તેવો વરસાદ પડવાની શકયતા છે, ૨૦૧૦માં જામનગર શહેરમાં ૨૦૬૪ મીમી એટલે કે ૮૧.૮૫ ટકા વરસાદ પડયો છે, આ વરસાદ ૨૦ વર્ષમાં સૌથી વધુ પડયો હોય એવા સચોટ આંકડા બહાર આવ્યા છે, ૨૦૦૭માં પણ મેઘાએ રોદ્ર સ્વરુપ ધારણ કર્યુ હતું, અપાર પ્રેમ વરસાવીને ૭૬.૫૭ ઇંચ વરસાદ વરસાવ્યો હતો, જયારે ૨૦૧૯માં જોડીયામાં ૫૨.૫૩ ઇંચ અને ૨૦૨૦માં સૌથી વધુ એટલે કે જામજોધપુરમાં એ વર્ષમાં વરુણદેવે સાંબેલાધારે ૭૦ ઇંચ વરસાદ વરસાવ્યો હતો, તમામ આંકડા કલેકટર કચેરીના ક્ધટ્રોલ રુમના સતાવાર રીતે અપાયેલા છે. જામનગર અને દેવભુમિ દ્વારકા જિલ્લા ઉપર મેઘરાજાનો પ્રેમ વધી રહ્યો છે તે કદાચ હવે નુકશાનકારક બની રહેશે તેમ ખેતીવાડી નિષ્ણાંતોનું કહેવું છે.
સૌ પ્રથમ ૨૦૦૭ની વાત લઇએ તો કાલાવડમાં ૯૪૭, જામજોધપુર ૧૦૬૨, જામનગર સૌથી વધુ ૧૯૪૫, જોડીયા ૧૦૨૦, ધ્રોલ ૯૪૦ અને લાલપુરમાં ૧૩૧૭ મીમી વરસાદ પડયો છે, જેની એવરેજ ૧૨૦૫ મીમીની થાય છે. ૨૦૧૦માં પણ ભારે મેઘ તાંડવ થયું હતું, જેમાં કાલાવડ ૮૯૭, જામજોધપુર ૧૩૧૮, જામનગર સૌથી વધુ ૨૦૬૪, જોડીયા ૧૦૬૫, ધ્રોલ ૭૦૨ અને લાલપુરમાં ૧૯૩૭ મીમી વરસાદ પડયો છે.
આપણે ૨૦૦૩થી પડેલા વરસાદની વાત લઇએ તો કાલાવડ ૬૬૦, જામજોધપુર ૬૩૫, જામનગર ૧૪૨૯, જોડીયા ૮૮૧, ધ્રોલ ૮૩૨ અને લાલપુર ૧૧૮૩, મીમી વરસાદ પડયો છે જયારે ૨૦૦૪માં સૌથી વધુ જામનગરમાં ૮૬૯, કાલાવડમાં ૫૩૦, જામજોધપુરમાં ૫૪૩, જોડીયા ૪૯૩, ધ્રોલ ૫૦૦ અને લાલપુરમાં ૬૬૯ મીમી વરસાદ પડયો છે. ૨૦૦૫માં મઘ્યમ વરસાદ પડયો છે તેમાં પણ જામનગર સૌથી આગળ એટલે કે ૯૭૭ મીમી, કાલાવડમાં ૭૭૭, જામજોધપુરમાં ૬૨૨, જોડીયા ૪૮૮, ધ્રોલ ૭૦૭ અને લાલપુરમાં ૭૦૫ મીમી વરસાદ પડયો છે.
૨૦૦૬નું વર્ષ થોડુ મઘ્યમ રહ્યું હતું જેમાં કાલાવડ ૫૧૫, જામજોધપુર ૬૫૫, જામનગર ૬૬૬, જોડીયા ૭૭૬, ધ્રોલ ૬૯૫ અને લાલપુર ૫૪૪ મીમી વરસાદ પડયો છે જયારે ૨૦૦૭માં ફરીથી મેઘો અનરાધાર બન્યો અને સૌથી વધુ જામનગર શહેરમાં ૧૯૪૫, કાલાવડમાં ૯૪૭, જામજોધપુરમાં ૧૦૬૨, જોડીયા ૧૦૨૦, ધ્રોલમાં ૯૪૦ અને લાલપુરમાં ૧૩૧૭ મીમી વરસાદ પડયો છે.
૨૦૦૮માં ફરી ધીમી એવરેજ જોવા મળી કાલાવડ ૬૧૦, જામજોધપુર ૬૫૩, જામનગર ૮૨૫, જોડીયા ૪૦૬, ધ્રોલ ૪૦૨, લાલપુર ૯૧૯ જયારે ૨૦૦૯ પણ મઘ્યમ રહ્યું હતું, કાલાવડ ૫૮૨, જામજોધપુર ૭૦૩, જામનગર ૮૯૭, જોડીયા ૭૫૧, ધ્રોલ ૫૫૬ અને સૌથી વધુ લાલપુરમાં ૧૪૫૫ મીમી વરસાદ પડયો હતો જયારે ૨૦૧૦માં મેઘાએ લગભગ તાલુકામાં દે ધનાધન કરીને સુપડાધારે વરસાદ વરસાવ્યો હતો જેમાં જામનગરમાં સૌથી વધુ ૨૦૬૪,  કાલાવડમાં ૮૯૭, જામજોધપુરમાં ૧૩૧૮, જોડીયા ૧૦૬૫, ધ્રોલ ૭૦૨, લાલપુર ૧૯૩૭ મીમી વરસાદ પડયો હતો.
જયારે ૨૦૧૧માં ફરીથી મેઘરાજાએ ધીમા પડીને વરસાદ વરસાવ્યો જેમાં કાલાવડ ૫૦૯, જામજોધપુર ૮૯૬, જામનગર શહેર ૬૮૦, જોડીયા ૭૬૪, ધ્રોલ ૯૭૩, લાલપુર ૮૦૭ જયારે ૨૦૧૨માં કાલાવડ ૩૧૧, જામજોધપુર ૩૪૦, જામનગર ૩૮૦, જોડીયા માત્ર ૨૫૦, ધ્રોલ ૬૯૦ અને લાલપુર ૪૦૨ આમ સરેરાશ ૧૬ ઇંચ વરસાદ પડતા પીવાના પાણીની મુશ્કેલી થઇ હતી. ૨૦૧૩માં કાલાવડ ૮૦૧, જામજોધપુર ૧૨૦૮, જામનગર શહેર ૧૪૭૩, જોડીયા ૭૬૯, ધ્રોલ ૭૪૪, લાલપુર ૮૮૭, ૨૦૧૪માં કાલાવડ ૪૮૧, જામજોધપુર ૫૫૫, જામનગર શહેર ૩૬૭, જોડીયા ૭૬૨, ધ્રોલ ૪૦૮, લાલપુર ૨૯૭ અને ૨૦૧૫માં કાલાવડ ૫૬૯, જામજોધપુર ૫૬૯, જામનગર શહેર ૩૨૨, જોડીયા ૭૨૨, ધ્રોલ ૪૪૧, લાલપુર ૩૬૮ મીમી વરસાદ પડયો છે.
૨૦૧૬માં કાલાવડ ૬૪૭, જામજોધપુર ૮૫૨, જામનગર શહેર ૩૮૦, જોડીયા ૫૩૮, ધ્રોલ ૧૨૦૭, લાલપુર ૭૬૬ મીમી, ૨૦૧૭માં કાલાવડ ૬૯૦, જામજોધપુર ૬૭૭, જામનગર શહેર ૬૨૪, જોડીયા ૯૧૯, ધ્રોલ ૫૨૪, લાલપુર ૬૦૭, ૨૦૧૮માં કાલાવડ ૪૬૯, જામજોધપુર ૫૦૨, જામનગર શહેર ૪૦૫, જોડીયા ૧૭૭, ધ્રોલ ૧૫૩, લાલપુર ૩૭૧ મીમી, ૨૦૧૯માં કાલાવડ ૧૧૪૦, જામજોધપુર ૧૨૨૮, જામનગર શહેર ૧૨૩૪, જોડીયા ૧૩૩૭, ધ્રોલ ૧૧૩૮, લાલપુર ૮૮૬ મીમી, ૨૦૨૦માં કાલાવડ ૧૫૦૭, જામજોધપુર ૧૭૭૮, જામનગર શહેર ૧૮૭, જોડીયા ૧૩૫૯, ધ્રોલ ૧૨૦૫, લાલપુર ૧૬૩૨ મીમી વરસાદ પડયો હતો.
આ ઉપરાંત ૨૦૨૧માં કાલાવડ ૧૩૮૧, જામજોધપુર ૮૫૦, જામનગર શહેર ૮૨૨, જોડીયા ૯૨૩, ધ્રોલ ૮૯૪, લાલપુર ૮૩૩ મીમી જયારે ગયા વર્ષે ૨૦૨૨માં કાલાવડ ૭૧૨, જામજોધપુર ૭૯૬, જામનગર શહેર ૬૮૪, જોડીયા ૭૪૫, ધ્રોલ ૭૧૬, લાલપુર ૫૫૨ મીમી વરસાદ પડયો છે, તા.૨૬ જુલાઇ ૨૦૨૩ સુધીના સવારના છ વાગ્યા સુધીમાં કાલાવડ ૬૮૩, જામજોધપુર ૭૩૬, જામનગર શહેર ૧૧૮૩, જોડીયા ૬૬૬, ધ્રોલ ૭૧૧, લાલપુર ૫૭૧ મીમી વરસાદ પડયો છે. આમ, મેઘરાજાએ મુશળધાર વરસાદ વરસાવ્યો હતો, આ વખતે તો સ્થળ ત્યાં જળ જેવી સ્થિતિનું નિર્માણ થયું ચૂકયું છે, હવે તો મેઘરાજા ખમૈયા કરે તેવી પ્રાર્થના ગામેગામમાં શરુ થઇ ચૂકી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application