વધતા હ્યદયરોગથી ચિંતિત જામનગરવાસીઓ: સર્વે-રીસર્ચ જરુરી

  • June 07, 2023 01:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કાર્ડીયોલોજીસ્ટ ડો. ગૌરવ ગાંધીને આવેલા કાર્ડીયાક એરેસ્ટ બાદ શહેરમાં ચોમેર વ્યાપક ચર્ચા: અન્ય વ્યવસાયોની જેમ તબીબી ક્ષેત્રમાં પણ વધેલો સ્ટ્રેટસ મહત્વનું કારણ: કોવીડશીલ્ડ અને કોવેકસીન લેનારા લોકો સંબંધે પણ ફાર્માસ્યુટીકલ કંપનીઓ તરફથી અથવા આરોગ્ય વિભાગ તરફથી સર્વે તો જરુરી છે જ...

જામનગરમાં ટુંકા સમયમાં વિખ્યાત બનેલા કાર્ડીયોલોજીસ્ટ ડો. ગૌરવ ગાંધીનું કાર્ડીયાક એરેસ્ટના કારણે નિધન થવાની દુ:ખદ ઘટનાથી તબીબી જગતમાં ઘેરા શોકની લાગણી છે, એક સારા તબીબ ગુમાવ્યાનો વસવસો સાથી તબીબોને છે, દર્દીઓ પણ છે, સાથે સાથે એવી મહત્વની જરુરીયાત પણ દેખાઇ રહી છે કે, નજીકના ભૂતકાળમાં કાર્ડીયાક એરેસ્ટ અને હાર્ટએટેકના પ્રમાણ કરતા વધુ બની રહેલા કેસ એ બાબત સૂચવે છે કે, હવે આ દિશામાં સર્વે અથવા મોટા રીસર્ચની આવશ્યકતા છે અને ખાસ કરીને કોરોનાની મહામારી બાદ જ આવી ઘટનાઓ શું કામ બની રહી છે, તેના મૂળ સુધી પહોંચવું જરુરી બની ગયું છે, કાર્ડીયાક એરેસ્ટ અને હ્યદયરોગ માટે વેકસીન જવાબદાર નથી, એવું સંપૂર્ણપણે પૂરવાર કરવાની પણ જરુરીયાત ઉભી થઇ છે, કારણ કે મોટાભાગના લોકો એવી શંકા ધરાવે છે કે, વેકસીનેશન બાદ જ આ પ્રકારના કિસ્સાઓ બનવા લાગ્યા છે, માની લઇએ કે એમની શંકા ખોટી છે, પરંતુ લોકોની આ શંકા મોટા પ્રમાણમાં છે ત્યારે તેને દૂર કરવા માટે ફાર્માસ્યુટીકલ કંપનીઓ અથવા આરોગ્ય તંત્ર તરફથી કાર્ડીયાક એરેસ્ટના વધી રહેલા કિસ્સાઓ સંબંધે રીસર્ચ અનિવાર્ય બની ગયું છે, જેથી કરીને દૂધનું દૂધ, પાણીનું પાણી થઇ શકે, લોકોની શંકા પણ દૂર થઇ શકે અને આત્મવિશ્ર્વાસ સાથે લોકો ડર્યા વગર જીવી શકે...
હાલમાં એક અજ્ઞાત પ્રકારનો ડર લોકોને સતાવી રહ્યો છે અને ખાસ કરીને હ્યદયને લગતી બાબતોને લોકો ખૂબ ચિંતિત છે, અધૂરામાં પુ‚ં માત્ર લોકો જ નહીં, ખુદ તબીબી જગતને પણ વિચારમાં મૂકી દયે એ પ્રકારે ડો. ગૌરવ ગાંધી જેવા કાર્ડીયાક એરેસ્ટના કિસ્સા પણ બની રહ્યા છે.
ગઇકાલે વ્હેલી સવારે ડો. ગૌરવ ગાંધીને કાર્ડીયાક એરેસ્ટનો સામનો કરવો પડ્યો હતો, જાણવા મળ્યા મુજબ મધરાત્રે એમને છાતીમાં બળતરા જેવું થતાં સૌપ્રથમ તેઓ પોતાની શારદા હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા, કાર્ડીયોગ્રામ કઢાવ્યું હતું, જે નોર્મલ આવ્યું હતું, આ પછી એમને પેન્ટોસીડ એટલે કે એસીડીટીની એક દવા ઇન્જેકશન રુપે લીધી હતી, અડધો કલાક પોતાની હોસ્પિટલમાં જ રોકાયા હતા, ફરીથી કાર્ડીયોગ્રામ કાઢ્યું હતું અને એ પણ નોર્મલ આવ્યા બાદ રાત્રે ૪.૩૦ વાગ્યે સેલ્ફ ડ્રાઇવ કરીને તેઓ હોસ્પિટલેથી પોતાના ઘરે પહોંચ્યા હતા, આ પછી સવારે અંદાજે ૬ વાગ્યા આસપાસ મેજર એટેક આવ્યો હતો, જેને તબીબો કાર્ડીયાક એરેસ્ટ કહે છે.
ડો. ગૌરવ ગાંધીને જી.જી. હોસ્પિટલમાં મૃત જાહેર કરાયા બાદ પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું અને અંતરંગ વર્તુળોમાંથી એવું પણ જાણવા મળ્યું છે કે, પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યા બાદ ડો. ગૌરવ ગાંધીના હ્યદયની ત્રણે ત્રણ નળીમાં સંપૂર્ણ બ્લોકેજ જોવા મળ્યું હતું, જેનો સત્તાવાર રીપોર્ટ કદાચ હવે આવશે.
ડો. ગૌરવ ગાંધી પોતે કાર્ડીયોલોજીસ્ટ હતા, હ્યદયની ચાલ એમનાથી મેડીકલી રીતે અજાણ હોઇ શકે નહીં, આમ છતાં આવા નિષ્ણાંત પણ હ્યદય બંધ થઇ જશે, એવું પારખી શક્યા ન હોવાથી તમારા મારા જેવા સામાન્ય લોકો તો પોતાના હ્યદયની સ્થિતિ શું છે ? એ કેવી રીતે સમજી શકે ? બ્લોકેજ જે રીતે જોવા મળ્યું હોવાનું કહેવાય છે, જો એ રીપોર્ટ સંપૂર્ણ સાચો નીકળશે તો એવી બાબત પણ પ્રકાશમાં આવશે કે, સંપૂર્ણ બ્લોકેજ થઇ જવા સુધી કાર્ડીયોલોજીસ્ટ પણ બ્લોકેજને ઓળખી શક્યા નહી.
આ સંબંધે તબીબી ક્ષેત્રના કેટલાક જાણીતા લોકો સાથે વાતચીત કરવામાં આવતા એમણે કહ્યું હતું કે, હાલના સંજોગોમાં સ્ટ્રેટસ નામનો રાક્ષસ તબીબ ક્ષેત્રને પણ એટલો જ પરેશાન કરી રહ્યો છે, જેટલા અન્ય વ્યવસાયીકારીઓને કરે છે.
તબીબી વ્યવસાય સામે આજના સમયમાં અનેક પડકારો હોવાનું ડોકટરો કહી રહ્યા છે, એ પછી જુદા જુદા સરકારી નિયમ હોય કે પછી દર્દીઓના સગા સંબંધીઓની ડોકટરો પાસે વધેલી અમાપ અપેક્ષાઓ હોય, આવા અનેક પડકારો તબીબો સામે સ્ટ્રેટસનું કારણ બની રહ્યા છે.
ગઇસાંજે મેડીકલ કોલેજના ડીન ડો. નંદિનીબેન દેસાઇ સાથે વાત કરવામાં આવતા એમને પણ ચર્ચા દરમ્યાન એવી ચિંતા દર્શાવી હતી કે, જે રીતે તબીબો પર કામનું ભારણ અને દર્દીઓના સગાઓની અપેક્ષાઓનો બોજ વધી રહ્યો છે, તેનાથી આવનારા સમયમાં તબીબો સામે સ્ટ્રેટસ એક મોટી સમસ્યા બનીને સામે આવે તેવી ભીતિ પેદા થઇ છે.
સરકારી અને ખાનગી તબીબો સાથે કાર્ડીયાક એરેસ્ટ અને હાર્ટએટેકના વધી રહેલા કિસ્સાઓ સંબંધે વાત કરીને લોકોને સજાગ કરવાના ઇરાદા સાથે આજકાલ દ્વારા ઘણાં તબીબો સાથે ચર્ચા કરવામાં આવી, ખુલ્લા મને વાત પણ કરવામાં આવી, શું આજની સ્થિતિ પાછળ કોરોનાની વેકસીન જવાબદાર છે કે કેમ ? એવું પણ અમારા તરફથી પૂછવામાં આવ્યું.
કોવીડશીલ્ડ વેકસીન અને કોવેકસીન આ બેમાંથી કંઇ વેકસીન એવી છે કે જેની કદાચ આડઅસર હોઇ શકે ? આવા સવાલો પણ તબીબો સાથે કરવામાં આવ્યા, પરંતુ નિષ્ણાંતોએ ડાયરેકટ વેકસીનને જવાબદાર ગણાવી ભલે નથી, પરંતુ એવી જરુરીયાત ઉપર તો ભાર મૂક્યો જ છે કે આ દિશામાં સર્વે અને રીસર્ચ કરવાની જરુરીયાત ઉભી થઇ છે.
તબીબો એવું કહે છે કે, ખાસ કરીને ફાર્માસ્યુટીકલ કંપનીઓ દ્વારા દેશના જુદા જુદા રાજ્યના જુદા જુદા શહેરમાં ડો. ગૌરવ ગાંધી પ્રકારના કાર્ડીયાક એરેસ્ટના કિસ્સા ક્યાં બન્યા ? કેવી રીતે બન્યા ? કેટલી વયના ઉંમરના લોકો ભોગ બન્યા ? જે ભોગ બન્યા એ લોકોને કોરોના થયું હતું કે નહીં ? જો કોરોના ન થયું હોય અને એમને માત્ર ઉપરોક્ત બે પૈકીની એક વેકસીન લીધી હોય તો કંઇ વેકસીન લીધી ? કોવીડશીલ્ડ લીધી કે કોવેકસીન લીધી ? અને આ વેકસીન લીધા બાદ કેટલા સમય પછી જે તે વ્યક્તિના શરીરમાં ફેરફાર મહેસુસ થયો.
આ પ્રકારના એક સર્વેની અને તેના આધારે રીસર્ચની ખૂબ જ જરુરીયાત ઉભી થઇ છે, જો ફાર્માસ્યુટીકલ કંપનીઓ આગળ ન આવે તો રાજ્ય અથવા કેન્દ્રના આરોગ્ય તંત્રએ આગળ વધીને લોકોની જાનની સલામતી ખાતર આવા સર્વે અને રીસર્ચ કરાવવા જોઇએ, જેથી કરીને લોકોની શંકા દૂર થાય, સાથે સાથે એવી પણ મહત્વની બાબત સ્પષ્ટ થાય કે આખરે હમણાં હમણાં જ કાર્ડીયાક એરેસ્ટ અને હાર્ટએટેકના કિસ્સાઓમાં વધારો શું કામ થઇ રહ્યો છે ?
કાર્ડીયાક એરેસ્ટ અને હાર્ટએટેકના કિસ્સાઓમાં ચિંતાજનક રીતે વધારો થઇ રહ્યો છે, એ બાબત તો કોઇ નકારી શકે એમ નથી, કોરોના પહેલા હ્યદયને લગતી બીમારીઓનું જે પ્રમાણ હતું, તેનાથી મહામારી બાદ પ્રમાણ અનેકગણું વધી ગયું છે, એ પણ એક સચ્ચાઇ છે, તો સ્પષ્ટ થવું જ જોઇએ કે હ્યદયને લગતી વધેલી બીમારીઓ પાછળ કોરોનાની અસર જવાબદાર છે કે નહીં ? વેકસીન જવાબદાર છે કે નહીં ?
સ્ટ્રેટર્સની જે વાત આવે છે, એ તો સમજી શકાય એવી છે અને કોઇ વ્યવસાય એવો નથી કે જ્યાં સ્ટ્રેટસ ઝીરો હોય... દરેક ક્ષેત્રમાં આજના યુગમાં આ રહેવાનું જ છે, એટલે માત્ર સ્ટે્રટસ પર ઠીક‚ં ફોડીને ચૂપચાપ બેસી શકાય નહીં, તાત્કાલિક અસરથી રીસર્ચની જરુરી છે.
**
લોકો માટે આ ટેસ્ટ કરાવી લેવા ખૂબ હિતાવહ
કેટલાક જાણકારો સાથે વાતચીત કરવામાં આવતા એમણે કહ્યું હતું કે, વર્તમાન સંજોગોમાં લોકોએ હ્યદયને લગતા આ ચાર ટેસ્ટ કરાવવા જરુરી છે અને અનુકુળ હોય તો દર છ મહિને કરાવી લેવા, જેથી કરીને અગમચેતીના પગલા લઇ શકાય, આ ચાર ટેસ્ટમાં (૧) હોમોસીસ્ટીન, (ર) ડી-ડાઇમર, (૩) લીપીડ પ્રોફાઇલ, (૪) ટ્રોપ ફાઇવ (છાતીના દુ:ખાવા અને ગભરામણ અથવા બળતરા થાય ત્યારે આ ટેસ્ટ જરુરી)



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application