જામનગરની મેડીકલ કોલેજના છાત્રનો મામલો રેગીંગની વ્યાખ્યામાં આવતો નથી : ડીન

  • August 17, 2023 01:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જુનીયર તબીબી છાત્રએ ઉચ્ચકક્ષાએ કરેલી ફરીયાદ : એન્ટી રેગીંગ કમિટીની બેઠક મળી : બંનેનું કાઉન્સીલીંગ કરાયું : ચર્ચામાં જરુરી નિરાકરણ લાવવામાં આવ્યું હોવાની કેફીયત

જામનગરની જી.જી.ની એમ.પી.શાહ મેડીકલ કોલેજના જુનીયર તબીબી છાત્ર સાથે રેગીંગ થયાની આક્ષેપો સહિતની ફરીયાદ તેમના દ્વારા ઉચ્ચકક્ષાએ કરવામાં આવી હતી, જે મામલો સામે આવતા તાકીદે એન્ટી રેગીંગ કમિટીની બેઠક મળી હતી, બંનેનું કાઉન્સીલીંગ કરાયુ હતું અને કમિટીના સભ્યોએ ચર્ચા વિચારણા કર્યા બાદ આ મામલો યુજીસીની ગાઇડલાઇન મુજબ રેગીંગની વ્યાખ્યામાં આવતો નથી તેવું જણાવવામાં આવતા હાલ તમામ બાબતોનું જરુરી નિરાકરણ લાવવામાં આવ્યું છે એવી વિગત ડીન દ્વારા મિડીયા સમક્ષ આપવામાં આવી હતી.
મળતી વિગત મુજબ જામનગરની સિવીલ જી.જી. હોસ્પીટલના એમ.પી. શાહ મેડીકલ કોલેજમાં ફર્સ્ટ યરમાં અભ્યાસ કરતા તબીબી છાત્રએ સિનીયર તબીબ અવાર નવાર માનસીક ત્રાસ આપી સતત ત્રણ દિવસ સુધી કામ કરાવતા કાગળ ફાડી નાખતા અને ગેરવર્તન કરતા હોવા સહિતના આક્ષેપો સાથેની ફરીયાદ દિલ્હી તેમજ સૌરાષ્ટ્ર યુનિવર્સીટી ખાતે રજુઆત કરતા અને આ અંગેની વિગતો સામે આવતા ભારે ચકચાર મચી જવા પામી હતી.
ઉચ્ચકક્ષાએ તબીબી છાત્રએ રેગીંગ થતું હોવાની આક્ષેપો સાથેની રજુઆત કર્યાનો મામલો કોલેજમાં પહોચતા તાકીદે આ બાબતની તપાસ હાથ ધરવામાં આવી હતી અને તાકીદે સ્થાનીક એન્ટી રેગીંગ કમિટી દ્વારા મામલો હાથમાં લીધો હતો, કમિટીની બેઠક મળી હતી જેમાં આ મુદે ચર્ચાઓ થઇ હતી, બંનેને અલગ કરી દઇ કમિટીના સભ્યોએ અઢી-અઢી કલાકના બે સેશનમાં બંને પક્ષે તબીબી છાત્રનું કલાકો સુધી કાઉન્સીલીંગ કર્યુ હતું અને વાત વધુ ન વણશે એ માટે નિરાકરણ લાવવા મિટીંગ યોજી હતી.
એન્ટી રેગીંગ કમિટીની બેઠક અને ચર્ચામાં આ મામલો યુજીસીની ગાઇડલાઇન મુજબ રેગીંગની વ્યાખ્યામાં આવતો નથી, આ કેસમાં જાણમાં આવ્યું છે કે દર્દીલક્ષી સેવાઓના સંદર્ભમાં સામાન્ય રીતે સીનીયર દ્વારા જુનીયરને સુચનાઓ આપવામાં અવતી હોય છે એ પ્રકારના આ મામલામાં ફરીયાદીએ કોઇ ફોર્માલીટી કર્યા વીના સીધી ઉચ્ચકક્ષાએ રજુઆત કરી દીધી હતી, દરમ્યાન તમામ બાબતોનું જરુરી નિરાકરણ લાવવામાં આવ્યું છે.
મેડીકલ કોલેજના ડીન ડો. નંદીનીબેન દેસાઇ દ્વારા મિડીયા સમક્ષ જણાવ્યુ હતું કે બંને તબીબોને અલગ કરી બંનેનું કાઉન્સીલીંગ કરીને નિરાકરણ માટે જરુરી કાર્યવાહી કરવામાં આવી છે, ગાઇડલાઇન અનુસાર આ બાબત રેગીંગની પરિભાષા બેસતી નથી, વધુમાં કહયુ હતું કે જી.જી. હોસ્પીટલ એકથી વધુ જીલ્લાઓને સેવા આપે છે જેથી સ્વાભાવીક કામનું ભારણ છે, રેસીડેન્સની સંખ્યા ઓછી છે, બીજી બાજુ જુનીયરોને દર્દીલક્ષી સેવામાં કોઇ ગફલત ન થાય તે માટે સુચનાઓ આપવામાં આવતી હોય છે, અહીં કયુઆરકોડ માટે નાની મોટી ફરીયાદ કે તકલીફ હોય તો તબીબી છાત્ર કરી શકે છે, કાઉન્સીલીંગ સેન્ટર પણ કાર્યરત છે, તેમજ ફર્સ્ટ યરનો વર્કશોપમાં સંસ્થાની કાર્યપઘ્ધતી પણ એક દિવસ રાખીને સમજાવવામાં આવે છે, આ મામલામાં તમામ પ્રક્રિયા પુર્ણ કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application