ગુજરાત માઘ્યમિક અને ઉચ્ચતર માઘ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તાજેતરમાં ૧૨નું બોર્ડનું સામાન્ય અને વિજ્ઞાન પવાહનુંં પરિણામ જાહેર કરાયું છે. જેમાં જામનગર સહિત રાજયભરના મોટા ભાગના જિલ્લાનું પરિણામ વઘ્યું છે. આથી એન્જીનીયરીંગમાં ૨ થી ૫ ટકા અને કોમર્સની ખ્યાતનામ કોલેજોમાં પ્રવેશ માટે ૪ થી ૮ ટકા મેરીટ વધુ રહેશે તેમ જામનગરના શિક્ષણ તજજ્ઞોએ જણાવ્યું છે.
ઉંચા પરિણામના કારણે બોર્ડની પરીક્ષા આપીને ઉચ્ચ ગુણ મેળવનાર વિધાર્થીઓને ઉચ્ચ ડિગ્રી માટે અન્ય શહેરમાં જવું પડશે તેમાં બેમત નથી. ટેકનીકલ અને બેઝીક કોર્સ તરફ છાત્રોનો ઝૂકાવ વધુ રહેશે તથા કોમ્યુટર અને આઇટી એન્જીનીયરીંગમાં હરીફાઇ તીવ્ર બનશે તેમ તજજ્ઞોએ ઉમેર્યું હતું.
ગુજરાત માઘ્યમિક અને ઉચ્ચતર માઘ્યમિક શિક્ષણ બોર્ડ દ્રારા જાહેર કરવામાં આવેલા બોર્ડના પરિણામમાં જામનગર જિલ્લાનું ધો.૧૨ સામાન્ય પ્રવાહનું ૯૩.૬૧ ટકા અને વિજ્ઞાન પ્રવાહનું ૯૦.૮૫ ટકા પરિણામ આવ્યું છે. ગત વર્ષ કરતા સાયન્સ અને વિજ્ઞાન પ્રવાહના પરિણામમાં નજીવો વધારો થયો છે. પરંતુ બંને પ્રવાહનું પરિણામ ૯૦ ટકાથી ઉપર આવ્યું છે. આથી ધો.૧૨ની બોર્ડની પરીક્ષામાં ઉચ્ચ ગુણ મેળવનાર છાત્રોને ઉચ્ચ અભ્યાસ અને ડિગ્રી માટે અન્ય શહેરમાં જવું પડશે તેમ જામનગરના શિક્ષણ તજજ્ઞોએ જણાવ્યું છે.
વિજ્ઞાન પ્રવાહના જામનગરના તજજ્ઞ ડો.સત્યેન રાજવીરે જણાવ્યું હતું કે ધો.૧૨ વિજ્ઞાન પવાહના પરિણામમાં ગત વર્ષ કરતા ખૂબજ નજીવો વધારો થયો છે. આથી ચાલુ વર્ષે એન્જીનીયરીંગ કોલેજોમાં મેકેનીકલ, કેમીકલ, ઇલેકટ્રીકલમાં પ્રવેશ માટે ૨ થી ૫ ટકા મેરીટ ઉચું રહેવાની શકયતા છે. ખાસ કરીને ટેકનીકલ એજયુકેશનના કોર્સ અને કોમ્પ્યુટર તથા આઇટીમાં પ્રવેશ માટે હરીફાઇ વધુ તીવ્ર રહેશે. તદઉપરાંત ઇન્ફોર્મેશન અને કોમ્યુનીકેશન ટેકનોલોજી તથા એડવાન્સ કોર્સ રોબોટીઝ, ડેટા એનાલીસીસ, સાયબર સિકયોરીટીઝના કોર્ષમાં પ્રવેશનો ક્રેઝ પણ વઘ્યો છે.
હાલમાં જામનગર સહિત અન્ય શહેરોમાં સીવીલ, મેકેનીકલ, ઇલેકટ્રીકલ એન્જીનીયરોની માંગ હોય આ કોર્સમાં પ્રવેશ માટે હરીફાઇ વધુ તીવ્ર રહેતા મેરીટ ઉચુ જવાની શકયતા છે.
કોમર્સના છાત્રોને પોફેશનલ કોર્સના ફાઇનલ માટે અમદાવાદ, મુંબઇ જવું પડશે
જામનગર જિલ્લાનું ધો.૧૨ સામાન્ય પ્રવાહના પરિણામમાં ગત વર્ષ કરતા ૨.૨૨ ટકાનો વધારો થયો છે. આથી જામનગર સહિત રાજયભરની જાણીતી કોમર્સ કોલેજોમાં પ્રવેશ માટેની ટકાવારી ગત વર્ષ કરતા ૪ થી ૮ ટકા ઉંચી રહેવાની પૂરી સંભાવના હોવાનું જામનગરના કોમર્સ ક્ષેત્રના શિક્ષણ તજજ્ઞોએ જણાવ્યું હતું. પ્રોફેશનલ કોર્સમાં જવા માગતા વિધાર્થીઓની પસંદગી સીએ, એસીસીએ, સીએફએ રહેશે. જયારે કોમ્પ્યુટર કે આઇટીમાં કારર્કીદી બનાવવા માંગતા વિધાર્થીઓની પસંદગી બીકોમ, બીબીએ અને એમબીએ રહેશે. જો કે, છેલ્લા થોડા વર્ષોથી વિધાર્થીઓ ઇન્ટીગ્રેટેડ કોર્સ પણ પસંદ કરી રહ્યા છે. પ્રોફેશનલ કોર્સ માટે જામનગરમાં ફાઉન્ડેશન તથા ઇન્ટરમીડીયટ સુધીની શિક્ષણ સુવિધા છે. પરંતુ ફાઇનલ માટે છાત્રને અમદાવાદ મુંબઇ જવું પડશે તેમ તજજ્ઞોએ ઉમેર્યું હતું.
જામનગર જિલ્લાનું છેલ્લા પાંચ વર્ષનું બોર્ડનું ધો. ૧૦-૧૨નું પરીણામ
ધોરણ
૨૦૨૦ ૨૦૨૧ ૨૦૨૨ ૨૦૨૩ ૨૦૨૪ ૨૦૨૫
ધો. ૧૦ ૬૦.૬૪ ૧૦૦% ૬૫.૧૮ ૬૪.૬૨ ૮૨.૫૬ ૮૩.૦૮
ધો. ૧૨ કોમર્સ ૭૫.૫૫ ૧૦૦% ૮૯.૩૯ ૮૦.૨૮ ૯૧.૩૯ ૯૩.૬૧
ધો. ૧૨ સાયન્સ ૭૬.૬૩ ૧૦૦% ૭૯.૯૨ ૭૭.૫૭ ૯૦.૩૪ ૯૦.૮૫