રાજકોટમાં કુખ્યાત બુકી રાકલાના ભત્રીજાના કરોડોના સટ્ટાનો પર્દાફાશ

  • January 24, 2024 11:47 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ શહેરમાં ક્રિકેટ સટ્ટોએ રમનારા, રમાડનારાઓ અને પોલીસ માટે દુઝણી ગાય કે આવકનો મોટો ોત હોવાની એક છાપ છે. ગઈકાલે રાજકોટ શહેર ક્રાઈમ બ્રાંચે કરોડો પતિ કુખ્યાત બુકી રાકેશ ઉર્ફે રાકલો રાજદેવના ભત્રીજા પી.એમ.આંગડિયા પેઢીના સંચાલક તેજશ રાજુભાઈ રાજદેવના કરોડોના ક્રિકેટ સટ્ટાના નેટવર્કનો પર્દાફાશ કર્યેા છે. અલગ અલગ ત્રણ દરોડામાં ત્રિપુટીને પકડી પાડી છે જેમાં ક્રિકેટ સટ્ટાની માસ્ટર આઈડી તેજશ તેમજ અન્ય બે બુકીબંધુ અમિત ઉર્ફે મોન્ટુ ખમણ દિપકભાઈ પોપટ તથા નિરવ પોપટની નીકળતા તેજશ સામે ત્રણ તથા પોપટ બંધુ સામે બે ગુના નોંધાયા છે. અચાનક પડેલા દરોડાથી પંટરો, બુકી આલમમાં પણ ખળભળાટ મચી ગયો છે.

ક્રિકેટ સટ્ટાના સમગ્ર નેટવર્ક દરોડાઓમાં સરદારનગર મેઈન રોડ પર એસ્ટ્રોન ચોક પાસે ફોર પ્લસ બિલ્ડિંગમાં ત્રીજા માળે ઈન્દિરા ફાઈનાન્સ નામની ઓફિસ નં.૩૦૬માં ક્રિકેટ સટ્ટાનું નેટવર્ક ચાલતું હોવાની ક્રાઈમ બ્રાંચના જમાદાર અનિલભાઈ સોનારા, હરપાલસિંહ જાડેજાને માહિતી મળતા પીએસઆઈ એ.એસ.ગરચર તથા ટીમે મળીને દરોડો પાડયો હતો. ઓફિસમાં સુકેતુ કનૈયાલાલ ભૂતા ઉ.વ.૪૫ રહે.કાશ ડોપર ફલેટ નં.૪૦૧ સત્ય સાંઈ હોસ્પિટલ રોડના મોબાઈલ ફોનમાં ક્રિકેટ સટ્ટાની માસ્ટ આઈડી ચેરી બેટ–૯ તથા મેજીક એક્ષચેન્જ ડોટ કોમ નામની બે આઈડી મળી આવી હતી.
પોલીસની ટીમે આ બન્ને આઈડી બાબતે પૂછતાછ કરતા મેજીક નામની આઈડી તેજશ રાજુભાઈ રાજદેવની હોવાનું તથા ચેરી બેટ–૯ આઈડી અમિત ઉર્ફે મોન્ટુ ખમણ, દિપકભાઈ પોપટ અને તેના ભાઈ નિરવની હોવાની કેફિયત આપી હતી. આરોપી સુકેતુની ઓફિસની તલાસી લેતાં ટેબલના ખાનામાંથી ૧૧,૬૫,૨૦૦ની રોકડ રકમ પણ મળી આવતા કબજે લઈ સુકેતુની ધરપકડ કરી ત્રણેય બુકીઓ સામે પણ ગુનો નોંધ્યો હતો.

ક્રિકેટ સટ્ટા પર ગઈકાલે ફોકસ કરનાર ક્રાઈમ બ્રાંચની આ ટીમને પેટ્રોલિંગ દરમિયાન ફરી બાતમી મળી હતી કે, ભુપેન્દ્ર રોડ ઉપરના શાલીગ્રામ એપાર્ટમેન્ટ ફલેટ નં.૩૨માં રહેતો ભાવેશ અશોકભાઈ ખખ્ખર ઉ.વ.૪૨ નામનો ઈસમ મોબાઈલમાં ક્રિકેટ સટ્ટો રમી રહ્યો છે. રૈયારોડ ઉપર હનુમાન મઢી ચોક નજીક ગણેશ સ્કૂલ પાસે ઉભેલા ભાવેશ પાસે ક્રાઈમ બ્રાંચની ટીમ પહોંચી હતી જયાં ભાવેશને પકડી પાડી તેનો મોબાઈલ ફોન ચેક કરાતા અંદરથી તેજશ રાજદેવની મેજીક એકસચેન્જ તથા અમિત અને નિરવ પોપટની ચેરી બેટ–૯ નામની માસ્ટર આઈડી મળી આવી હતી. આરોપી ભાવેશ એવી કેફિયત આપી હતી કે આઈડી સુકેતુ અને ભુતા મારફતે બુકી પાસેથી મેળવી હતી. જે આધારે ભાવેશ ઉપરાંત સુકેતું અને બુકી ત્રિપુટી પોપટબંધુ નિરવ અને અમિત તેમજ તેજશ રાજદેવ સામેે ગુનો નોંધ્યો હતો.
ત્રીજા દરોડામાં કુવાડવા રોડ નવાગામ બસ સ્ટેન્ડ પાસે નિશાંત હરેશભાઈ ચગ ઉ.વ.૨૩ રહે.સુંદરમ સિટી લોટસ વિંગ ફલેટ નં.૮૦૧ માધાપર ચોકડી પાસે જામનગર રોડને પકડી પાડયો હતો તેનો મોબાઈલ ચેક કરતા અંદરથી તેજશ રાજદેવની મેજીક એકસચેન્જ તેમજ ગો એકસચેન્જ નામની આઈડી મળી આવી હતી. આ આઈડી આરોપી નિશાંતને સુકેતું ભુતા થકી તેજશ રાજદેવ પાસેથી મળી હતી જેથી નિશાંત ઉપરાંત સુકેતું અને તેજશ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. પોલીસ કમિશનર રાજુ ભાર્ગવની સૂચના અને માર્ગદર્શન સાથે ક્રાઈમ બ્રાંચના ડીસીપી ડો.પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી બી.બી.બસિયાની રાહબરી હેઠળ પીઆઈ બી.ટી.ગોહિલ અને તેમની ટીમે વધુ તપાસ આગળ ધપાવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application