પૂર્વ જીલ્લા સરકારી વકીલ દિનેશભાઇ વીરાણીની ધારદાર દલીલોને ઘ્યાનમાં લઇને રૂા. રપ હજારના જામીન પર મુક્ત
ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવભરી પરિસ્થીતીમાં ભારત દ્વારા ઓપરેશન સિંદુરના નામથી આતંકવાદીઓનો સફાયો કરવા પાકિસ્તાન સામે કાર્યવાહી શરૂ કરેલ હતી દેશની તે તણાવભરી સ્થિતીમાં સોશ્યલ મિડીયા ઉપર વિવાદીત પોસ્ટ કરનાર કારખાનેદાર મનિષ વલ્લભભાઈ ડાંગરીયા સામે પોલીસ કાર્યવાહી કરી ધરપકડ કરી જેલ હવાલે કરવામાં આવેલ હતા જેમને નામદાર કોર્ટે જામીન ઉપર મુક્ત કરવા હુકમ ફરમાવેલ છે.
આ સમગ્ર ચકચારી બનેલ કેસની વિગત એવી છે કે પાકિસ્તાન પ્રરીત આતંકવાદીઓ ઘ્વારા પહેલગાવના સહેલાણીઓ ઉપર હુમલો કરી ૨૬ જેટલા નિર્દોષ સહેલાણીઓની હત્યા કરેલ હતી જેની જવાબી કાર્યવાહી રૂપે ભારત સરકાર ધ્વારા ઓપરેશન સિંદુરના નામથી પાકિસ્તાન સામે આતંકવાદીઓનો સફાયો કરવા જવાબી કાર્યવાહી શરૂ કરેલ હતી અને બન્ને દેશો વચ્ચે તણાવભરી પરિસ્થિતીનું નિર્માણ થયેલ હતું ત્યારે પોલીસ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન તેમને માહીતી મળી કે "મનીષ ડાંગરીયા" ના નામથી ઓપરેટ થતું ફેસબુક એકાઉન્ટ ઉપર ઘણીબધી પોસ્ટો કરવામાં આવેલ છે તે પૈકી એક પોસ્ટમાં "વાત આખી પાકિસ્તાનનો સફાયો કરવાની છે ખાલી અવારૂ જગ્યા એટલે કે ખરાબાની જગ્યામાં સર્જીકલ સ્ટ્રાઈક કરીને દલાલ મિડીયામાં વાહ-વાહી મેળવીને ગુલામ પ્રજાતીયોને અને ભુંડ ભકતોને મૂર્ખ બનાવવાના નથી' આવી લખાણવાળી પોસ્ટમાં ઘણા વ્યક્તિઓએ કોમેન્ટ પણ કરેલ હોય તેવી જાણકારી પોલીસને મળતા આવી વિવાદીત પોસ્ટથી ભારતના સાર્વભૌમત્વ, એકતા, અખંડીતતા તથા સુરક્ષાને જોખમાવે તેવી તેમજ જાહેર જનતાને ગેરમાર્ગે દોરતી પોસ્ટ જણાતા પોલીસે કારખાનેદાર મનીષ વલ્લભભાઈ ડાંગરીયા સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ-૧૯૭(૧)(ડી) અન્વયેનો ગુનો નોંધી ધરપકડ કરવામાં આવેલ હતી અને કોર્ટ રૂબરૂ રજુ કરવામાં આવતા આરોપીને કોર્ટ ઘ્વારા જેલમાં મોકલી દેવામાં આવેલ હતો.
કારખાનેદાર આરોપી એ જામીન મુકત થવા માટે શહેરના જાણીતા ધારાશાસ્ત્રી દ્વારા સેશન્સ કોર્ટમાં જામીન અરજી દાખલ કરવામાં આવેલ હતી અને નામદાર કોર્ટ સમક્ષ લંબાણ પુર્વકની દલીલમાં જણાવેલ હતુ કે આરોપી કોઈ રીઢા ગુનેગાર નથી, જામનગરમાં જ પોતાના પરીવાર સાથે રહી ઈન્ડસ્ટ્રીઝ ચલાવે છે, તેમનો કોઈ ગુનાઈત ઈતીહાસ નથી અને ભારતીય બંધારણના અનુચ્છેદ ૧૯ મુજબ દરેક નાગરીકને વાણી સ્વતંત્રતાનો એટલે કે પોતાના વિચારો સ્વતંત્ર પણે વ્યક્ત કરવા અધીકાર આપવામાં આવેલ છે જે વિચારો કોઈ સમુહને પસંદ ન પડે તે માત્ર થી તેને રાષ્ટ્ર વિરોધી માની પોલીસ કાર્યવાહી થઈ શકે નહી તદઉપરાંત આરોપીએ કરવામાં આવેલ ગુનાની સજાની જોગવાઈ જોતા સુપ્રિમકોર્ટ ઘ્વારા અરનેશકુમારના જજમેન્ટથી પ્રસ્થાપીત કરવામાં આવેલ છે તે મુજબ આ પ્રકારના ગુનામાં આરોપીની પોલીસ ધરપકડ કરે તો પણ પોલીસ ઘ્વારા જામીન ઉપર જ છોડી દેવાની કાર્યવાહી કરવી જોઈએ તેમ છતા ગેરકાયદેસર રીતે ધરપકડ કરી જેલ હવાલે કરવામાં આવેલ છે. આરોપી ક્યાંય નાશીભાગી જાય તેમ નથી ત્યારે "પ્રિ-ટ્રાયલ પનીશમેન્ટ' સ્વરૂપે લાંબો સમય જેલમાં રાખી શકાય નહી આ તમામ દલીલો ઘ્યાને લઈ એડી. સેશન્સ જજ સંદીપ કિષ્ટી દ્વારા આરોપીની જામીન અરજી મંજુર કરી આરોપીને રૂા.૨૫,૦૦૦/- જામીન ઉપર મુક્ત કરવા હુકમ ફરમાવેલ હતો.
આ કેસમાં કારખાનેદાર આરોપી મનીષ ડાંગરીયા તરફે પૂર્વ જીલ્લા સરકારી વકીલ દિનેશભાઈ વિરાણી તથા જયદીપ કે. મોલીયા, સિધ્ધાર્થ એસ. સાપરીયા તેમજ ટ્રેની આસિ. દર્શનપુરી એ. ગોસ્વામી રોકાયેલ હતા.