ઇન્દોરના ધારાસભ્યે હિરાસર એરપોર્ટ અડધી રાત્રે ખોલાવ્યું

  • October 11, 2023 03:34 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ઇન્દોરના ધારાસભ્યના લીધે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટને અડધી રાત્રે ખોલવાનો વારો આવ્યો હતો અને ફરજ બજાવીને ઘરે પરત ફરેલા એરપોર્ટના સ્ટાફને થાળીમાંથી કોળિયો પડતો મુકીને નાઇટ ડ્રેસમાં ૩૫ કિલોમીટર સુધી ધકકો ખાવો પડયો હતો. અડધી રાત સુધી એરપોર્ટ ઓથોરિટીને ઉભા પગે રાખીને આ રાજકીય મહાશયે રાજકોટથી વિદાઇ લીધી હતી. ગઇકાલે બનેલી આ ઘટનાને લઇ એરપોર્ટમાંં તીવ્ર પ્રત્યાઘાતો પડયા છે.


બધં થઇ ગયેલા એરપોર્ટને ફરીથી ખોલવાની જે ઘટના બની છે તેને લઇને સ્ટાફમાં ભારે નારાજગી ઉભી થઇ છે. સૂત્રોમાંથી મળેલી આ વિગત મુજબ ઇન્દોરના ધારાસભ્ય રમેશ મંડોલા તેમના ચાર્ટડ પ્લેન દ્રારા રાજકોટ આવ્યા હતાં. સાંજે ૭–૩૦ કલાકે તેમનું આ ચાર્ટડ ટેકઓફ થવાનું હતું. તાજેતરમાં ડીજીસીએના નિયમો મુજબ રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ડયુટી વોચ અવર્સ લાગી ગયો છે જેના કારણે રાત્રે ૮–૩૦ કલાકે એરપોર્ટનો કલોઝીંગ ટાઇમ હોય છે. આ શેડયુઅલમાં તમામ ફલાઇટનું આવાગમન થઇ જતું હોય છે. જેમાં ગઇકાલે ઇન્દોરના આ ધારાસભ્ય તેમના ચાર્ટડ પ્લેેન મારફતે જમ્મુથી રાજકોટ આવ્યા હતાં અને આ ચાર્ટડ પ્લેન સાંજે ૭–૩૦ કલાકે ટેકઓફ થવાનું હતું. આ સમયે એટીસીએ ચાર્ટડના કેપ્ટન સાથે સંકલન સાધીને ટેકઓફ કરાવવાની તૈયારી કરી દીધી હતી પરંતુ રાજકીય મહાનુભાવ તેમના નિર્ધારિત સમયે એરપોર્ટ પહોંચ્યા ન હતાં આથી એટીસી દ્રારા ઓથોરિટીને જાણ કરવામાં આવી હતી. એરપોટૃ ડિરેકટર સાથે વાટાઘાટો કરી એરપોર્ટના કલોઝિંગ ટાઇમને વધારીને ૮–૩૦ને બદલે ૯–૩૦ સુધી એરપોર્ટ ખુલ્લ ુ રાખવામાં આવ્યું હતું. ત્યાં સુધી તમામ ઓપરેશનલ ટીમ ખડેપગે રહી હતી તેમ છતાં ૯–૩૦ વાગ્યા સુધી ધારાસભ્ય એરપોર્ટ પહોંચ્યા ન હતાં.
જયારે એરપોર્ટની તમામ ટીમ રાહ જોયા બાદ ધારાસભ્ય ન પહોંચતા છેવટે એરપોર્ટને બધં કરી રાજકોટ પરત આવી હતી. ત્યાંજ ધારાસભ્ય ૧૦ વાગ્યા બાદ એરપોર્ટ પહોંચયા હતાં અને તેમની ફલાઇટને ટેકઓફ કરાવવા ધમાલ મચાવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. એરપોર્ટ શરૂ કરવા માટે એરપોટૃ ડિરેકટરે મનાઇ ફરમાવી દેતાં મોડે મોડે પ્રગટ થયેલા આ રાજકીય મહાશયે ફોનના દોરડા કેન્દ્ર સુધી ધણધણાવ્યા હતાં. બાદમાં ઉચ્ચ કક્ષાએથી એરપોર્ટ ડિરેકટર પર ફોન આવતા અડધી રાત્રે રાજકોટ પહોંચેલો એરપોર્ટનો ઓપરેશનલ સ્ટાફ મારતી ગાડીએ પરત એરપોર્ટ પહોંચી ફરીથી ફલાઇટ ઓપરેશન શરૂ કયુ હતું. આ એક રાજકીય આગેવાનની જીદ કર્મચારીઓ પર ભારે પડી હતી. મોડી રાત્રે ફલાઇટને ઉડાન ભરાવવા માટે એટીસી, સીઆઇએસએફ, સીએનએસ, કન્ટ્રોલ રૂમ, ટર્મિનલ, ગ્રાઉન્ડ સ્ટાફ સહિત ઓછામાં ૩૦થી ૩૫ કર્મચારીઓને ઓન ડયુટી રહેવું પડયું હતું. મોડી રાત્રી સુધી એરપોર્ટ પર ધમધમાટ રહ્યા બાદ રાત્રે એક વાગ્યે ફરીથી એરપોર્ટ બધં કરીને સ્ટાફ રાજકોટ પહોંચ્યો હતો. જોકે, ભાજપના આ અગ્રણી નેતાની મુલાકાત અંગે સ્થાનિક આગેેવાનો પણ અજાણ હોવાનું જાણ્વા મળ્યું હતું. એરપોર્ટ અડધી રાત્રે ફરીથી ખોલવાની આ ઘટના અંગે એરપોર્ટ ડિરેકટરે ભેદી મૌન સેવી લીધું છે. એવી વાત પણ ચર્ચાઇ રહી છે કે એરપોર્ટ ડિરેકટર અને ઓપરેશનલ સ્ટાફ વચ્ચે પણ ચકમક ઝરી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application