રાજકોટમાં દુકાન બંધ કરવાનું કહી વેપારી પર હુમલો, તોડફોડ

  • November 24, 2023 12:24 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શહેરમાં પોલીસની ઓસરતી જતી ધાકના લીધે લુખ્ખાઓ બેફામ બન્યા છે આવારા અને લુખ્ખા તત્વો છાશવારે કાયદો હાથમાં લઇ નિર્દોષ નાગરિકોને રંજાડી રહ્યા છે ત્યારે આ વાતની પ્રતીતિ કરાવતો વધુ એક બનાવ શહેરના જંગલેશ્વર વિસ્તારમાં રાત્રિના બનવા પામ્યો છે. અહીંના ખ્વાજા ચોક પાસે રાત્રિના લુખ્ખાઓની ટોળકી હથિયારોથી સજ્જ થઈ દુકાનો બંધ કરાવવા નીકળી હતી. દરમિયાન પાનના ધંધાર્થીએ શું કામ દુકાન બંધ કરાવો છો? તેમ પૂછતાં આ શખસોએ ઉશ્કેરાઇ તેમના પર ધોકા અને છરી વડે હુમલો કર્યો હતો બાદમાં તેમની દુકાનમાં બેફામ તોડફોડ કરી હતી. હુમલામાં ઘવાયેલા વેપારી યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ અંગે યુવાનની ફરિયાદ પરથી પોલીસે 10 શખસો સામે રાયોટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તેમને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.


બનાવની જાણવા મળતી વિગતો મુજબ શહેરના જંગલેશ્વર વિસ્તારમાં આવેલા ખ્વાજા ચોક પાસે ખ્વાજા એપાર્ટમેન્ટમાં નિસ્બત પાન નામની દુકાન ધરાવનાર વેપારી હાજીભાઈ દાઉદભાઈ ખેબર(ઉ.વ 30 રહે. જંગલેશ્વર તબક્કલ ચોક શેરી નંબર 29) દ્વારા ભક્તિનગર પોલીસ મથકમાં આ બનાવ અંગે નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે સમીર ઉર્ફે સંજલો જુણેજા, મુજુડો, સરફરાજ, દાનીસ સિપાઈ, સમીરનો ભાણો સોહીલો,નવાજ ઉર્ફે નવલો,તેજીમ તથા બે અજાણ્યા શખસોના નામ આપ્યા છે.


યુવાને પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઈકાલ રાત્રિના દસેક વાગ્યા આસપાસ તે દુકાનેથી પોતાના ઘરે જમવા માટે ગયો હતો અને અહીં દુકાને તેનો માણસ બેઠો હોય દરમિયાન રાત્રીના સાડા દસેક વાગ્યા આસપાસ દુકાનેથી તેના માણસનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે, સમીર ઉર્ફે સંજલો તથા તેની સાથેના શખસો અહીં દુકાનો બંધ કરાવે છે જેથી ફરિયાદી હાજીભાઈ તાકીદે અહીં દુકાને પહોંચ્યા હતા અને તેમણે દુકાન કેમ બંધ કરાવો છો તેવું પૂછતા સમીર ઉર્ફે સંજલો તથા અન્ય આરોપીઓએ મળી યુવાન પર ધોકા વડે હુમલો કરી તેને માથાનાભાગ ઘા ફટકારી દીધા હતા તેમજ છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી વેપારી ભાગતા આ શખસો તેની પાછળ દોડ્યા હતા. બાદમાં આ શખસોએ વેપારીની આ દુકાનમાં બેફામ તોડફોડ કરી હતી આ દરમિયાન યુવાનને પકડી પાડી ફરી તેને ધોકા વડે માર માર્યો હતો.

દરમિયાન અહીં લોકો એકત્ર થતાં આ ટોળકી અહીંથી નાસી ગઈ હતી બાદમાં હુમલામાં ઘવાયેલા વેપારીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. બીજી તરફ ઘટનાની જાણ થતા ભક્તિનગર પોલીસ મથકનો સ્ટાફ પણ અહીં જંગલેશ્વર પહોંચી ગયો હતો. આ ઘટના અંગે વેપારી યુવાનની ફરિયાદ પરથી પોલીસે આરોપીઓ સામે આઇપીસીની કલમ 143,147, 148, 149, 323, 506(2), 427 અને જીપીએકટ કલમ 135(1) મુજબ ગુનો નોંધી આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application