જામનગરમાં નહીં ચાલે શાળાઓની મનમાની: ગમે તે ગરમ વસ્ત્ર પહેરી શકાશે

  • December 08, 2023 02:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજયના પ્રાથમિક નાયબ નિયામક દ્વારા જામનગર સહિતના રાજયના તમામ જીલ્લા શિક્ષણાધિકારીઓને અપાયો શિક્ષણ વિભાગનો પરિપત્ર : હવે કોઇપણ ખાનગી શાળા વિધાર્થીઓને ચોકકસ ગરમ વસ્ત્રો પહેરવા ફરજ પાડી શકશે નહીં

શિયાળો આવતાની સાથે જામનગરની કેટલીક શાળાઓ દ્વારા ચોકકસ પ્રકારના ગરમ વસ્ત્રો પહેરવાના ફતવા બહાર પાડવામાં આવ્યા હોવાથી વાલીઓમાં વ્યાપક કચવાટ હતો, વાલીઓ મુંજવણ અનુભવતા હતા પરંતુ રાજયના શિક્ષણ વિભાગ તરફથી સત્તાવાર રીતે જામનગર સહિતના રાજયના તમામ જીલ્લા શિક્ષણાધિકારીઓને પરિપત્ર મોકલીને એવું સ્પષ્ટ કરી દેવામાં આવ્યું છે કે, વિધાર્થીઓ પોતાની પાસે ઉપલબ્ધ હોય તેવા ગરમ વસ્ત્રો પહેરી શકશે મતલબ કે કોઇ શાળાઓની મનમાની ચાલશે નહીં.
રાજ્યના પ્રાથમિક શિક્ષણ નિયામકે જામનગરના જિલ્લા શિક્ષણાધિકારી સહિતના રાજ્યના તમામ ડીઇઓને આપેલા પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે, હાલ શિયાળાની ઋતુ શરુ થઇ રહ્યો છે, સાથે સાથે ઠંડો પવન ફૂંકાઇ રહ્યો છે, આવા સંજોગોમાં વિદ્યાર્થીઓ પોતાના ઘરેથી જે પણ ગરમ કપડા પહેરીને આવે તેને માન્ય રાખવા, તેમજ કોઇપણ શાળા વિદ્યાર્થીને ચોક્કસ પ્રકારના ગરમ કપડા પહેરવાની ફરજ પાડી શકશે નહીં, ઉપરોક્ત બાબતે તાબા હેઠળ આવતી તમામ પ્રાથમિક શાળાઓને આ અંગે જરુરી સૂચના આપવા જણાવવામાં આવ્યું છે.
અત્રે નોંધનીય છે કે, જ્યારે પણ શિયાળાની ઋતુ આવે છે ત્યારે ઘણી બધી ખાનગી શાળાઓ દ્વારા અવનવા નિયમો લાદવામાં આવે છે અને ખાસ કરીને પાછલા વર્ષે જે ગરમ વસ્ત્રો બાળકો પહેરતા હોય તેને બદલીને નવા ગરમ વસ્ત્રો પહેરવા દબાણ કરવામાં આવે છે, આવા કેટલાક ખોટા ફતવાઓ અહીંની ખાનગી શાળાઓએ વહેતા કર્યા હતા અને આ બાબત વાલીઓ માટે મુંઝવણજનક બની હતી, આ સંબંધે દેકારો થયા બાદ પ્રાથમિક શિક્ષણના નાયબ નિયામક તરફથી પરિપત્ર આપવામાં આવે છે, પરંતુ તેમાં પૂરેપૂરી ચોખવટ કરવામાં આવી નહીં હોવાનું દેખાય છે અને ચોક્કસ ખાનગી શાળાઓનો ઉલ્લેખ નહીં કરીને એમને છટકબારી આપવામાં આવી હોવાનું દેખાઇ રહ્યું છે.
જરુરી છે કે, રાજ્યનું શિક્ષણ વિભાગ માત્ર પ્રાથમિક શાળાઓ જ નહીં તમામે તમામ ખાનગી પ્રાથમિક અને માઘ્યમિક શાળાઓને ગરમ વસ્ત્રો સંબંધે ફતવા બહાર નહીં પાડવા માટે આદેશ આપે અને આવી ખાનગી શાળાઓને પણ કાબુમાં રાખવામાં આવે.
જો કે જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા જે પત્ર મળ્યો છે તે અનુસાર તમામ પ્રાથમિક શાળાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોવાથી આ અમલવારી તાકીદના ધોરણે શરુ થઇ જવી જોઇએ અને કોઇપણ શાળા જો ચોક્કસ પ્રકારના ગરમ વસ્ત્રો પહેરવા વાલીઓ પર દબાણ કરે તો તેની સામે ધોરણસરની કાર્યવાહી થવી જોઇએ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application