કાલાવડ રોડ ઉપર સૂર્યોદય સોસાયટીમાં ગેરકાયદે બાંધકામ, મિલકત સીલ

  • October 07, 2024 03:52 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ મહાનગરપાલિકાની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા આજે વોર્ડ નં.8માં કાલાવડ રોડ ઉપર ગેરકાયદે બાંધકામ બદલ એક મિલકત સીલ કરાઇ હતી. જ્યારે વોર્ડ નં.1માં રૈયા ચોકડી નજીક આવેલી શાંતિ નિકેતન સોસાયટીથી અમૃત પાર્કને જોડતા રસ્તા ઉપર બનાવેલી દિવાલનું લાંબા સમયથી ચાલતા વિવાદ વચ્ચે અંતે આજે ડિમોલિશન કરાયું હતું. દિવાલનું ડિમોલિશન કરતી વેળાએ લતાવાસી મહિલાઓ ઘરની બહાર નીકળી આવી હતી અને મ્યુનિ.સ્ટાફને દિવાલ નહીં તોડવા રજુઆત કરી માથાકૂટ કરી હતી પરંતુ વિજિલન્સ પોલીસના ચુસ્ત બંદોબસ્ત હેઠળ કાર્યવાહી હાથ ધરાઇ હોય મહિલા પોલીસ પણ બંદોબસ્તમાં તૈનાત હોય ઓપરેશન પાર પડ્યું હતું.
વિશેષમાં આ અંગે રાજકોટ મહાપાલિકાની ટાઉન પ્લાનિંગ બ્રાન્ચ દ્વારા સત્તાવાર જાહેર કરાયેલી વિગતો મુજબ વેસ્ટ ઝોન હેઠળના વોર્ડ નં.8માં ભૂપતસિંહ વાઘેલા દ્વારા સૂર્યોદય સોસાયટી શેરી નં.2, કાલાવડ રોડ ખાતે કરાયેલા ગેરકાયદેસર બાંધકામ બદલ મિલ્કત સીલ કરવામાં આવી હતી. આ ઉપરાંત વોર્ડ નં.1માં રૈયા ચોકડી નજીક આવેલી શાંતિનિકેતન સોસાયટીથી અમૃત પાર્કને જોડતા રસ્તા ઉપર બનાવેલી દિવાલનું ડિમોલિશન કરવામાં આવ્યું હતું. આ ડિમોલીશનમાં ટાઉન પ્લાનીંગ શાખા વેસ્ટ ઝોનના આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર એમ.આર. શ્રીવાસ્તવ તથા એસ.જે.સીતાપરા તથા વેસ્ટ ઝોનનો તમામ ટેકનીકલ સ્ટાફ, જગ્યા રોકાણ શાખાનો સ્ટાફ, રોશની શાખાનો સ્ટાફ તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વિજિલન્સનો પોલીસ સ્ટાફ સ્થળ ઉપર હાજર રહ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે શાંતિ નિકેતન સોસાયટીથી અમૃત પાર્કને જોડતા રસ્તા ઉપર લતાવાસીઓએ બનાવેલી દીવાલ મામલે છેલ્લા ઘણાં સમયથી વિવાદ ચાલી રહ્યો હતો, અગાઉ એકાદ બે વખત અહીં બનાવેલી રેલિંગ તથા દીવાલ દૂર પણ કરાઇ હતી પરંતુ ફરી દિવાલનું બાંધકામ થઇ ગયું હતું. આ દીવાલ દૂર કરવા લાંબા સમયથી સતત ફરિયાદો આવતી હતી, અહીં દીવાલ બનાવવાને કારણે વિસ્તારવાસીઓને રૈયાધાર તરફ જવાનો રસ્તો બંધ થઇ જતો હોવાની ફરિયાદ હતી અંતે આજે ડિમોલિશન હાથ ધરી દિવાલ દૂર કરાઇ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application