ફુગાવો અંકુશમાં નહીં આવે તો વિકાસ અટકી જશે: આરબીઆઈ

  • December 21, 2023 11:50 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


આ વર્ષે મોંઘવારીને લઈને આરબીઆઈ દ્વારા કરવામાં આવેલા પ્રયાસો ઘણી હદ સુધી સફળ રહ્યા છે, પરંતુ કેન્દ્રીય બેંક ફુગાવાને અંકુશમાં લેવાથી સંતુષ્ટ નથી. આરબીઆઈ માની રહી છે કે આગામી સમયમાં ચાર ટકા મોંઘવારી દરનો લક્ષ્યાંક હાંસલ કરી શકાય છે, પરંતુ ખાદ્ય ઉત્પાદનોની કિંમતોમાં અસ્થિરતા અને હાલમાં જે રીતે રોકાણ વધી રહ્યું છે તેની અસર મોંઘવારી પર પડી શકે છે.


આરબીઆઈએ સ્પષ્ટપણે કહ્યું છે કે જો ફુગાવાને લક્ષ્યાંક મુજબ લાવવામાં નહીં આવે અને સમાન સ્તરે જાળવવામાં નહીં આવે તો ઝડપી આર્થિક વિકાસ દર પણ ઘટી શકે છે. સેન્ટ્રલ બેંકનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે બીજા ક્વાર્ટર (જુલાઈથી સપ્ટેમ્બર, 2023)માં ભારતનો આર્થિક વિકાસ દર અનુમાન કરતા વધારે એટલે કે 7.6 ટકા રહ્યો છે.
આરબીઆઈ દ્વારા જાહેર કરવામાં આવેલ માસિક અહેવાલમાં અર્થવ્યવસ્થાની સ્થિતિનું વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે. કેન્દ્રીય બેંકનું આ વલણ છેલ્લા કેટલાક મહિનાઓથી અમલમાં છે. સપ્ટેમ્બર અને ઓક્ટોબરના તાજેતરના આંકડા દશર્વિે છે કે ફુગાવાનો સૌથી ખરાબ તબક્કો પાછળ રહી ગયો છે પરંતુ તે હજુ પણ સેન્ટ્રલ બેંકના લક્ષ્યાંક ચાર ટકા કરતા વધારે છે. છેલ્લા મહિનામાં ફુગાવો ઘટ્યો હોવા છતાં એ વાતનું પણ ધ્યાન રાખવું પડશે કે અન્ય કોઈ માધ્યમથી ગમે ત્યારે મોંઘવારીનો ખતરો ઊભો થઈ શકે છે. આવનારો સમય વધુ અસ્થિર હોઈ શકે છે, જે વધુ પડકારજનક સાબિત થઈ શકે છે. આરબીઆઈના માસિક અહેવાલમાં ફુગાવા સંબંધિત તમામ પાસાઓને સ્પર્શવામાં આવ્યા છે. આડકતરી રીતે એવો પણ સંકેત આપવામાં આવ્યો છે કે જો ફુગાવાનો દર લક્ષ્યાંક મુજબ ચાર ટકા સુધી નીચે આવી શકે છે તો વ્યાજદરમાં ઘટાડાનો અવકાશ છે. તેણે એમ પણ કહ્યું કે નજીકના ભવિષ્યમાં ખાદ્ય ફુગાવાના દરમાં મોટો ઉછાળો આવવાની શક્યતા ઓછી છે. તે પણ સ્વીકારવામાં આવ્યું છે કે કેટલાક વર્ગો દ્વારા વ્યાજ દરોમાં ઘટાડો કરવાની અથવા સેન્ટ્રલ બેંક દ્વારા વર્તમાન સ્તરે દર જાળવી રાખવાની માંગ છે. મધ્યસ્થ બેંક માને છે કે સપ્ટેમ્બર-ઓક્ટોબર, 2023 માટે સરેરાશ ફુગાવાનો દર (4.9 ટકા) વધુ નીચે જઈ શકે છે. આરબીઆઈએ વર્ષ 2023-24 માટે સરેરાશ ફુગાવાનો દર ઘટાડીને 5.4 ટકા અને વર્ષ 2024-25ના પ્રથમ ક્વાર્ટરમાં 4.6 ટકા કર્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application